TV TALK .

સ્વાતિ-સૌરવ : પ્રેમથી છલકાતું નવું સુંદર પ્રકરણ શરૂ થાય એટલી વાર છે...
સ્વાતિ રાજપુત અને સૌરવ ગોયલ તેમના સંતાનના આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સંતાનના આગમન આડે તો હવે ગણતરીના દિવસ જ બાકી રહ્યા છે અને આ કલાકાર-દંપતિ બાળકના આગમનની આગોતરી તૈયારીમાં વ્યસ્ત છે. તેમનો આનંદ તો છલકાઈ રહ્યો છે. આ બંને જણા જુલાઈ મહિનામાં નવા બાળકના માતાપિતા બનવા તૈયાર છે. 'છોરી,' 'સંકલ્પ' અને 'દલદલ' જેવા પ્રોજેક્ટ્સમાં સૌરવે પોતાની અભિનય પ્રતિભા દાખવી દીધી છે. સૌરવે શેર કર્યું, 'સ્વાતિ અને હું તો આ તબક્કા માટે ખરેખર ખૂબ જ ઉત્સાહિત છીએ. આ કંઈક એવું હતું જે અમે હંમેશા ઇચ્છતા હતા, પરંતુ સમય ખૂબ જ નૈસર્ગિક રીતે આગળ વધ્યો અને પ્રગટ થયો છે. આ બધુ તો મને ખૂબ જ પ્રેમથી છલકતા એક સુંદર પ્રકરણ જેવું લાગે છે.' 'પતિયાલા બેબ્સ' અને 'યે ઝુકી ઝુકી સી નજર' જેવા શોમાં ઝળકેલી સ્વાતિ યાદ કરતાં કહે છે, 'આ તો જીવનની એક અત્યંત મહત્ત્વની અને મોટી ક્ષણ હોવાથી શરૂઆતમાં એ થોડું ભારે લાગ્યું હતું, પરંતુ ટૂંક સમયમાં જ એ બધું જ ઉત્સાહ અને કૃતજ્ઞાતામાં ફેરવાઈ ગયું. જે ક્ષણે તમને ખ્યાલ આવે છે કે તમે માતાપિતા બનવાના છો, ત્યારે તમારો દ્રષ્ટિકોણ બદલાવા લાગે છે.'
જેમ જેમ આ દંપતિ તેમના બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર થાય છે તેમ તેમ આ દંપત્તિએ તો ઘરમાં પણ ફેરફાર કરવાનું શરૂ કરી દીધું છે. સ્વાતિ કહે છે, 'અમે ઘરમાં જગ્યા બનાવવાનું શરૂ કર્યું છે અને તાજેતરમાં જ બાળક માટે વધુ કાર્યક્ષમ બનાવવા માટે તેનું નવીનીકરણ કર્યું છે.' આ સાથે સ્વાતિ ઉમેરે છે, 'નામ નક્કી કરવું એ તો કદાચ કોઈ પણ માતાપિતા માટે સૌથી મોટો પડકાર છે તેથી અમે તો નામ હજુ સુધી શોધી રહ્યા છીએ.'
અફસાના ખાન : 'બિગ બોસ' સારા લોકો માટે તો નથી જ!
'બિગ બોસ-૧૫' માં કામ કરનારી ગાયિકાએ એ રિયાલિટી શો થકી રાષ્ટ્રીય પ્રસિદ્ધિ મેળવી, પણ એ તે અંગે ખરેખર શું માને છે, એ જાણીએ તો આશ્ચર્ય અનુભવાય એમ છે. આ ગાયિકા તે અફસાના ખાન છે. તે કહે છે, 'રિયાલિટી ટીવી શોઝમાં પાછા ફરવાની મારી કોઈ યોજના નથી.
અફસાનાના મનમાં આવું પરિવર્તન કેમ આવ્યું? એ જાણવું પણ રસપ્રદ છે. જ્યારે અફસાના ખાનને પૂછવામાં આવ્યું કે તું એ શોમાં પાછા જવાનું વિચારે છે? ત્યારે તેણે કહ્યું, 'ના...ના..... હું રિયાલિટી શો નહીં કરું. હા. મહેમાન તરીકે હું ગીતના પ્રમોશન માટે ગમે ત્યારે આવી શકું છું, પણ જો મને 'બિગ બોસ' માં કામ કરવાનું કહેવામાં આવે તો હે ભગવાન, આ શો આપણા માટે લાઈવ બન્યો નથી. જે સારા લોકો માટે નથી. તેઓ આપણા માટે લાઈવ બન્યા નથી. (હસે છે)
'ધુરંધર' ફિલ્મની સફળતા માટે ફિલ્મનિર્મિત આદિત્ય ધર અનેરી સફળ સવારી કરી રહ્યાં છે ત્યારે અફસાના કહે છે કે સંગીતકાર શાશ્વત સચદેવે આ પ્રોજેક્ટ માટે મારો સંપર્ક કર્યો હતો. અને તેમણે થોડા દિવસમાં જ 'નલ નાચના....' અને 'રંગ દે લાલ...' જેવા ગીતો અત્યંત ટાઈટ શિડયૂલમાં રેકોર્ડ કરી આપ્યા હતા.
જો કે અગાઉ ચૂકી ગયેલી, તકને યાદ કરતાં અફસાના કહે છે, 'અમે ૨૦૧૭માં સહયોગ કરવાના હતા પરંતુ ઘણી બાબતો સફળ થઈ નહોતી. મૈને ડબ ભી કિયા થા, પર મેરા ગાયા હુઆ ગાના રિજેક્ટ હો ગયા થા,' તે મારો સમય નહોતો,' એમ અફસાનાએ જણાવ્યું હતું.
તેજસ્વી પ્રકાશ : લગ્ન કંઈ ટૂંક સમયમાં થવાના નથી...
ટીવીનું લોકપ્રિય કપલ- કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશ ખૂબ જ ટૂંકા ગાળામાં લગ્ન કરવાના છે, એવી અફવા અત્યારે જોરશોરથી સંભળાઈ રહી છે. આમ છતાં આ અફવા અને ચર્ચાને નકારી કાઢતા તેજસ્વી અમને કહે છે કે લગ્ન કંઈ ટૂંક સમયમાં થવાના નથી.
સાથે કામ કરવા વિશે બોલતા 'બોગ-બોસ ૧૫'ની વિજેતા અને અભિનેત્રી તથા 'નાગિન'ની હીરોઈન એમ કહે છે કે 'અલબત્ત, ઘણી બધી બાબતો છે જે તમે સમજો છો કે કોઈ વ્યક્તિને કેવી રીતે કામ કરવાનું પસંદ પડે છે અને ઘણી બાબતો એવી પણ છે કે જે તમે વ્યાવસાયિક ધોરણે શોધી શકો છો. મારી વાત કરું તો મને તો ખાસ કરીને કરણ પાસેથી ઘણું બધું શીખવા મળે છે કારણ કે તે મારા સિનિયર છે. મારા માટે તો તેની સાથે કામ કરવું એ તો શીખવાની પ્રક્રિયા રહી છે,' એમ તેજસ્વી પ્રકાશે ઉમેર્યું હતું.









