Magazines

TV TALK .

By GS TEAM
26 Mar 20263 mins read
TV TALK                                                            .

'તારા'માં નવા પરદેસિયા ગીતનો જાદુ 

 સ્ટારપ્લસની ટીવી શ્રેણી તારામાં હાલ રોમાન્સ વધારે જોવા મળી રહ્યો છે.તારા શ્રેણીના સર્જકોએ હવે યુનિવર્સલ મ્યુઝિક સાથે હાથ મિલાવી દર્શકોને પરદેસિયાનો નવો જાદુ બતાવવા માંડયો છે. ૨૦૨૫નું ચાર્ટ બસ્ટર ગીત પરદેસિયાને શ્રેણીમાં અલગ રીતે દર્શાવવામાં આવી રહ્યું છે. જ્હાન્વી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા પર ફિલ્માવવામાં આવેલું આ ગીત હીટ બની ગયું હતું. આ ગીતની લોકપ્રિયતાનો લાભ લેવા માટે તેને તારામાં નવા સ્વરૂપમાં રજૂ કરવામાં આવ્યું છે. પરદેસિયા ગીતના નવા વર્ઝનમાં તારાની જોડી યુવરાજ અને તારા પર તેને ફિલ્માવવામાં આવ્યું છે. કૃશાલ આહુજા યુવરાજની અને કનિકા કપૂર તારાની ભૂમિકા ભજવી રહ્યાં છે. પરદેસિયા ગીતના નવા વર્ઝનમાં કૃશાલ અને કનિકા જયપુરમાં એક રોમાન્ટિક બાઇક રાઇડ કરી રહ્યા હોય તેમ બતાવવામાં આવ્યું છે. એક તરફ હીરો હિરોઇન શાનદાર જયપુર શહેરમાં બાઇક સવારીની મોજ માણે છે અને બેકગ્રાઉન્ડમાં પરદેસિયાનું આ નવું વર્ઝન વાગે છે. હીરો હીરોઇનની મુશ્કરાહટ અને મસ્તીને કારણે શ્રેણીમાં રોમાન્ટિક એનર્જીનું પૂર આવી ગયું છે.  

હું ૪૫ દિવસ સુધી રડીઃ સીઆઇડીની જસવીર કૌરનો અફસોસ 

મુંબઇના ચકાચૌૅધ ગ્લેમરની પાછળ કાળો ધબ અંધકાર છવાયેલો હોય છે. ટીવીની જાણીતી અભિનેત્રી જસવીર કૌરે એક પોડકાસ્ટમાં પોતાની આપવીતી જણાવી ટીવી ઉદ્યોગની આ કાળી બાજુને છતી કરી હતી. ટીવી સ્ક્રિન પર અપરાધીઓને પકડનારી ઇન્સ્પેક્ટર કાજલે પોતાની અસલી જિંદગીના પન્ના પલટી પોતે સીઆઇડીમાંથી કેવી રીતે ગાયબ થઇ ગઇ હતી તેની દર્દભરી દાસ્તાન જણાવી હતી. જસવીરે જણાવ્યું હતું કે જે શોમાં કામ કરવા માટે મેં મારી જિંદગીના બે વર્ષનો ભોગ આપ્યો તે શોમાંથી મને એક દિવસ અચાનક રવાના કરી દેવામાં આવી હતી. મને અચાનક એક દિવસ ઓફિસમાંબોલાવી શો છોડી દેવા માટે કહી દેવામાં આવ્યું. મારી પર આક્ષેપો મુકવામાં આવ્યા કે મારો એટિટયુડ બરાબર નથી. મારી ચાલ બરાબર નથી અને હું સ્ક્રિપ્ટ ફેંકી દઉં છું. હું આ સાંભળી સન્ન રહી ગઇ કે આ બધું ક્યારે બન્યું. એ પછી ડિપ્રેશનનો ભોગ બની હું  સળંગ ૪૫ દિવસ રડી હતી.પણ સૌથી વધારે દુઃખ મને એ વાતનું લાગ્યું કે મારાએક પણ કો સ્ટારે મને એક ફોન કરવાની પણ તસદી ન લીધી. મારું કામ બંધ થવાને પગલે આર્થિક તંગીનો સામનો કરવો પડયો હતો. અને મારે ફરસ પર સુવાનો વારો આવી ગયો હતો. જસવીરના કોસ્ટાર્સમાં શિવાજી સાટમ અને દયાનંદ શેટ્ટીનો પણ સમાવેશ થાય છે. ટીવી અને ફિલ્મ ઉદ્યોગમાં તો ગરજ સરી કે વૈદ વેરી....

ફલક નાઝઃ કુંડલીમાં ગ્રહો જોર કરતાં હોય તો જ કાસ્ટિંગ થાય?

 ટીવી ઉદ્યોગમાં કળાકારોને સામાન્ય રીતે એક્ટિંગ, ઓડિશન અને અનુભવને આધારે કામ આપવામાં આવે છે. પણ પલક નાઝે એક વિડિયો શેર કરી જણાવ્યું છે કે એક ટીવી શોમાં તેને કાસ્ટ કરતાં પહેલાં તેની કુંડળી માંગવામાં આવી. પલક નાઝે નારાજ થઇ જણાવી દીધું કે તે આ બકવાસનો હિસ્સો બનવા માંગતી નથી. પલકનો આ વિડિયો વાઇરલ થઇ ગયો છે અને લોકો તેના પર જાત જાતના પ્રતિભાવો આપી રહ્યા છે. 

પલકે જણાવ્યું હતું કે એક પ્રોડકશન હાઉસ તરફથી તેને એક કોલ આવ્યો હતો. તેમાં વાતચીત દરમ્યાન તેને જણાવવામાં આવ્યું કે શો કઇ ચેનલ માટે બની રહ્યો છે અને તેમાં તેની ભૂમિકા શું હશે. સામાન્ય રીતે આવા શોમાં કળાકારોને લુક ટેસ્ટ અને મોક શૂટ કરવા જણાવવામાં આવે છે પણ આ વખતે પલકની પાસે તેની જન્મ તારીખ, જન્મનો સમય અને સ્થળની વિગતો માંગવામાં આવી. પલકે જ્યારે આ બધાંની શું જરૂર છે તેવો સવાલ કર્યો તો તેને જણાવવામાં આવ્યું કે તમારી કુંડળી ચેક કરવા આ વિગતો જરૂરી છે. પલક માટે આ એક અજબ અનુભવ બની રહ્યો. પલકે જણાવ્યું કે કાસ્ટિંગ માટે ઓડિશન અને સ્ક્રિન ટેસ્ટ આપવા કે પ્રોફાઇલ મોકલવા માટે જણાવવામાં આવે છે તે સાંભળેલું પણ તમારી કુંડળીમાં ગ્રહો જોરમાં હોય તો જ તમને રોલ મળે એ મારા માટે નવું છે. બોલો, તમારી કુંડળીમાં રાહુ ક્યાં પડેલો છે?