TV TALK .

દિવ્યાંકા ત્રિપાઠીને ઘેર દસ વર્ષે પારણું બંધાશે
યે હૈ મોહબ્બતે નામના ટીવી શોમાં કામ કરતી ક્યુટ હીરોઇન દિવ્યાંકા ત્રિપાઠીના ઘરે દસ વર્ષે પારણું બંધાવાના સમાચારથી આનંદનો માહોલ સર્જાયો છે. થોડા સમય અગાઉ દિવ્યાંકા અને તેના માતાપિતાએ આ સારાં સમાચાર આપ્યા હતા. હવે તો મુંબઇમાં દિવ્યાંકાનું ગ્રાન્ડ બેબી શાવર પણ યોજાઇ ગયું છે. દિવ્યાંકાની ખોળો ભરાવાની વિધિની તસવીરો પણ આવી ચૂકી છે. દિવ્યાંકાના બેબી શાવર પ્રસંગે ટીવીની દુનિયાના જાણીતાં ચહેરાઓની હાજરી જોવા મળી હતી. મજાની વાત એ હતી કે આ પ્રસંગે લોકપ્રિય ટીવી શો યે હૈ મોહબ્બતેની આખી ટીમ હાજર રહી હતી. શોમાં રૂહીનું પાત્ર ભજવતી રૂહાનિકા ધવન પણ આ પ્રસંગે હાજર રહી હતી. દિવ્યાંકા અને રૂહાનિકા વચ્ચે એક ખાસ બોન્ડ છે. રૂહાનિકા ઉપરાંત અમિત ટંડન, શિરીન મિર્ઝા, સંદીપ સિકંદ, કરણવીર ગ્રોવર, ધીરજ ધૂપર, શ્રદ્ધા આર્યા, કુનિકા સદાનંદ, આકાંક્ષા પુરી અને ફેશન ડિઝાઇનર અર્ચના કોચરે પણ આ પ્રસંગે હાજરી આપી હતી. આ સાથી કળાકારોએ દિવ્યાંકાને બહું બધી શુભેચ્છાઓઅને ભેટ આપી હતી.
ઉજ્જૈનમાં મહાકાળેશ્વરના મંદિરમાં પહોંચી કાવેરી પ્રિયમ
મશહૂર ટીવી એકટ્રેસ કાવેરી પ્રિયમે તાજેતરમાં મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં આવેલાં પવિત્ર યાત્રાધામ મહાકાળેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી. ભક્તિના રંગમાં રંગાયેલી કાવેરીએ બાબા ભોલેનાથના આશિર્વાદ લીધા હતા. કાવેરીએ લાંબા સમય સુધી મંદિર પરિસરમાં હાથ જોડી પ્રાર્થના કરી હતી. નંદી હોલમાં બેસી કાવેરી શિવભક્તિમાં લીન થઇ ગઇ હતી. તેની સાદગી અને શ્રદ્ધા જોઇ તેના ચાહકો તેની પર ઓવારી ગયા હતા. કાવેરીની મહાકાળેશ્વરના મંદિરની મુલાકાતની તસવીરો સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી. મંદિરમાં મહાકાળેશ્વરના દર્શન કર્યાં પછી કાવેરીએ જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ વર્ષથી સતત અહીં આવું છું. અહીં મને જે ઉર્જાનો અનુભવ થાય છે તેને શબ્દોમાં બયાન કરવો શક્ય નથી. ભસ્મ આરતી સમયે જે શક્તિ અને ઉર્જાનો અનુભવ થાય છે તે અલૌકિક હોય છે. આ અનુભવની વાત છે. અહીં આવીને મારા મનને બહું શાંતિ મળે છે તેમ કાવેરીએ મલકાતા મલકાતા કહ્યું હતું.
મહેનતાણું સમયસર મળી જ જવું જોઇએ: વરૂણ બડોલા
ટીવી ઉદ્યોગમાં દર્શકોનું મનોરંજન કરનારાં કળાકારોને તથા ટેકનિકલ ટીમના સભ્યોને ઘણીવાર જાતજાતની પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય છે. આ પરેશાનીઓમાં કામના લાંબા કલાકો અને પેમેન્ટ સમયસર ન થવા જેવી પરેશાની તેમને વધારે પીડે છે. આ સમસ્યાઓ નવી નથી પણ હવે તેના વિશે મોકળાં મને વાત થવા માંડી છે. ટીવીના જાણીતાં એક્ટર વરૂણ બડોલાએ આ મામલે સીધીને સટ વાત કરતાં જણાવ્યું હતું કે કોઇપણ વ્યક્તિને તેનું મહેનતાણું સમયસર મળી જ જવું જોઇએ. આ એક સામાન્ય શિરસ્તો છે. તેનું પાલન થવું જ જોઇએ.
હું ગોલ્ડ ડિગર નહીં, પણ ડાયમંડ ડિગર છું: દિવ્યા અગ્રવાલ
ટીવી પર બહુચર્ચિત બનેલાં શો ધ ૫૦માંથી બહાર ફેંકાઇ ગયેલી અભિનેત્રી દિવ્યા અગ્રવાલે આખરે તેના લગ્ન અને પતિ અપૂર્વા પડગાંવકર સાથેના સંબંધો મામલે મૌન તોડી ખુલાસો કયો છે. દિવ્યાએ તેને ગોલ્ડ ડિગર એટલે કે પૈસાભૂખી ગણાવનારાંને દાઢમાંથી જવાબ આપતાં જણાવ્યું હતું કે હું ગોલ્ડ ડિગર નહીં પણ ડાયમંડ ડિગર છું. એક મુલાકાતમાં દિવ્યાએ પોતે પતિથી કેમ અલગ રહે છે તેનો પણ ખુલાસો કર્યો હતો. દિવ્યાએ જણાવ્યું હતું કે હા, હું મારા પતિ અપૂર્વાથી અલગ રહું છું. હું મારા કામના સ્થળની નજીક રહું છું અને તે તેના કામના સ્થળની નજીક રહે છે. અમે આજે પણ લવર્સની જેમ એકમેકને મળીએ છીએ. મારાં લગ્ન અને પ્રેમ અગાઉની જેમ જ તરોતાજા છે. લોકો પુરી જાત જાણ્યા વિના જ જાત જાતની વાતો ફેલાવે છે.









