Magazines

TV TALK .

By GS TEAM
20 Nov 20254 mins read
TV TALK                                                            .

રોહિત સુચાંતિ સાથેના સંબંધ અંગે ઐશ્વર્યા ખરેની સાફ વાત 

ભાગ્યલક્ષ્મી ટીવી શોમાં ઐશ્વર્યા ખરે અને રોહિત સુચાંતિ લગભગ ચાર વર્ષ સુધી અગ્રણી જોડી તરીકે ભૂમિકા ભજવી અને ઝળકતા રહ્યા. આ બંને વચ્ચે ગાઢ મિત્રતા છે. તાજેતરમાં આ બંનેના સંબંધ વિશે ઘણી વાતો ચાલી રહી છે, જેમાંની મોટાભાગની અફવા છે, છતાં આ વાતે મોટું સ્વરૂપ પકડયું છે. હજુ ગણતરીના દિવસોમાં આ અંગે ઐશ્વર્યા સાથે વાત થઈ ત્યારે તરત જ કહી દીધું કે હું અને રોહિત ખૂબ જ સારા મિત્ર છીએ. રોહિત અત્યંત મજેદાર અને અભિવ્યક્તિશીલ છે. રોહિત આવો જ છે. પરંતુ લોકો અમને જોડાવાનું વલણ ધરાવે છે અને મને લાગે છે કે આવું એટલા માટે થાય છે કે અમે થોડા સમયથી એક શો કરી રહ્યા છીએ. આ સાથે જ ઐશ્વર્યાએ વધુમાં જણાવ્યું, અમે કદીય અફવા પર ધ્યાન આપ્યું જ નથી. તેનો અમારા પર કોઈ પ્રભાવ પડયો જ નથી. મારા પરિવારે પણ તે અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ મૈત્રી સંદર્ભે મારા ઘરમાં કે પરિવારમાં કોઈ અંધારામાં નથી. હું મારા માતા પિતાને બધી જ વાત કરું છું. ભાગ્યલક્ષ્મીની ટીમ એક સશક્ત પરિવાર જેવો છે. આ શો બિઝનેશમાં પોતાની સફર વિશે ઐશ્વર્યાએ જણાવ્યું, હું આજે જે સ્થાને પહોંચી છું ત્યાં સુધી પહોંચતા મને ઘણો સમય લાગ્યો છે. આ માટે મેં સૌથી વધુ સંઘર્ષ જ નથી કર્યો, પણ તે માટે સખત મહેનત પણ કરી ચે. એટલું સાચું કે મેં જે કંઈ મેળવ્યું છે, એ મારી સખત પરિશ્રમની ફળશ્રુતિ છે અને તેને કારણે હું ખૂબ જ ખુશ છું- આનંદિત છું. ઐશ્વર્યાએ કોલેજકાળથી જ અભિનય શરૂ કર્યો હતો. ઐશ્વર્યા કહે છે, મેં વિશકન્યા એક અનોખી પ્રેમકહાની અને સામ દામ દંડ ભેદ જેવા શોઝમાં અગ્રણી અભિનેત્રીની મુખ્ય ભૂમિકા ભજવી છે. જો કે મને સાચી ઓળખ તો ભાગ્યલક્ષ્મીથી મળી છે. મને આવી અસરકારક ભૂમિકા મેળવવામાં આઠ વર્ષ જેટલો લાંબો સમયગાળો લાગ્યો, પણ તેને કારણે ઘણો ફરક પડયો, મારી સફરને મને આ તક મળી એ માટે ખૂબ ખૂબ આભારી છું, એમ ઐશ્વર્યાએ જણાવ્યું હતું.

પ્રિન્સ-યુવિકાની પુત્રીનાં એક વર્ષે મુખદર્શન 

એ વાત સર્વવિદિત છે કે કલાકાર યુગલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીના ઘરે ગયા વર્ષે પુત્રી અવતરી હતી. પરંતુ એક વર્ષ સુધી કોઈએ તેનું મોઢું નહોતું જોયું. જોકે તાજેતરમાં આવેલી ગુરૂ નાનક જયંતિએ બંને પોતાની પુત્રી 'એકલીન'ને ગુરૂદ્વારામાં માથું ટેકાવવા લઈ ગયા હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો તેમ જ પાપારાઝીઓને પણ એકલીનના 'મુખદર્શન' થયાં હતાં. યુવિકાએ તેની વહાલસોઈના નામ વિશે કહ્યું હતું કે અમે તેનું નામ 'ગુરબાની'માંથી પસંદ કર્યું હતું. એકલીન એટલે એક મા લીન થઈ જવું. યુવિકાએ વધુમાં કહ્યું હતું કે એકલીનના જન્મ પછી અમે પહેલી વખત તેને ગુરૂદ્વારામાં લઈ આવ્યાં છીએ.  અમે બહાર જઈએ ત્યારે અમારા માટે પણ તેનો ચહેરો સંતાડવાનું મુશ્કેલ થઈ પડતું હતું. તેનો ચહેરો બધાને દેખાડયા પછી અમારા માથેથી પણ આ ટેન્શન દૂર થઈ જશે. એકલીનને જોઈને પ્રિન્સ અને યુવિકાના ચાહકો તેમ જ પાપારાઝીઓ તેના ફોટા  અને વીડિયો લેવા માંડયા હતાં. બાળકી પણ સાગમટે આટલા બધા લોકોને જોઈને જાણે કે એકદમ ચૂપ થઈ ગઈ હતી. યુવિકાએ કહ્યું હતું કે એકલીને પહેલી વખત આટલા બધા લોકોને જોયાં એટલે તે એકદમ શાંત થઈ ગઈ હતી. પરંતુ અમે લોકો ગાડીમાં બેઠાં કે તરત જ તે અમારી સાથે તેની કાલીઘેલી ભાષામાં વાતો કરવા માંડી હતી.

પવિત્રા પુનિયાનો પસ્તાવો

તાજેતરમાં જ ભારતીય-અમેરિકન બિઝનેસમેન સાથે સગાઈ કરનાર અભિનેત્રી પવિત્રા પુનિયા પોતાના અગાઉ લીધેલા ખોટા નિર્ણયો બદલ પેટ ભરીને પસ્તાઈ રહી છે. તે કહે છે કે મેં અગાઉ આપેલા ભોગ માટે હું પસ્તાઈ રહી છું. મને હવે સમજાયું છે કે જ્યારે તમે જ્યારે તમને મળી રહેલી ઑફરો નકારવા માંડો છો ત્યારે તમે એ સઘળા મોકા ગુમાવી દો છો જેને પગલે તમારી કારકિર્દી ઘડાઈ હોય છે. ૩૯ વર્ષીય અદાકારાએ વધુમાં કહ્યું હતું કે તે વખતે હું એક જણ સાથે રિલેશનશીપમાં હતી અને તે નહોતો ઇચ્છતો કે મને ઓફર કરવામાં આવેલા ચોક્કસ પ્રકારના પાત્રો હું ભજવું. મેં તેને શું ગમશે અને શું નહીં તેનો વિચાર કરીને કેટલીક ઓફરો નકારી, પણ તે વખતે મેં એમ ન વિચાર્યું કે મારી વ્યક્તિગત અને વ્યાવસાયિક જિંદગી અલગ અલગ હોવી જોઈએ. મેં એ બંનેનું મિશ્રણ કરી નાખ્યું.    અલબત્ત, મારા ઉપર કોઈપણ ઓફરનો અસ્વીકાર કરવાનું દબાણ કરવામાં નહોતું આવ્યું. પરંતુ મને એ વાતની ચિંતા સતાવતી કે તેને એ નહીં ગમે તો? બસ, આ વિચાર સાથે મેં ઘણી ઓફરો પાછી વાળી દીધી હતી. પણ હવે મને સમજાયું છે કે આ ઉદ્યોગ શી રીતે કામ કરે છે. હું મારી ભૂલોને પાછળ છોડી દઈને ભવિષ્યમાં તેનં પુનરાવર્તન ન થાય તેની કાળજી રાખવા માગું છું.  તેમાં તમે માનસિક રીતે નિચોવાઈ જાઓ. તે વધુમાં કહે છે કે હું ભલે બીજા કોઈપણ માધ્યમમાં કામ કરીશ, પણ ટીવીનો સાથ ક્યારેય નહીં છોડું. મને જ્યારે પણ સારી ધારાવાહિકની ઓફર મળશે ત્યારે હું તેમાં અચૂક કામ કરીશ.