Magazines

TV TALK .

By GS TEAM
15 Jan 20264 mins read
TV TALK                                                            .

હીના ખાન કરે છે ઇન્ટિમસીની વ્યાખ્યા

એ વાત સર્વવિદિત છે કે હીના ખાન કેન્સરના સપાટામાં આવી ત્યાર પછી તેના પ્રેમી રોકી જયસ્વાલે અભિનેત્રી સાથે પ્રભૂતામાં પગલાં પાડયાં હતાં. બંને ૧૩ વર્ષથી પ્રેમમાં હતાં. પરંતુ તેમણે પોતાનો સંસાર માંડયો તેનાથી પહેલા જ હીના કેન્સરગ્રસ્ત બની. આ સમય દરમિયાન પણ રોકી અડીખમ બનીને હીનાની પડકે ઊભો રહ્યો હતો. પછીથી તેમણે ગયા વર્ષે લગ્ન કરી લીધાં હતાં.  તે ક્યાંય જાય તોય સતત નાની નાની નોટ્સ લખીને તેને ખુશ રાખતો રહે છે, આ તેની લવ લેંગ્વેજ છે. અદાકારાએ પતિ-પત્નીના સંબંધમાં ઇન્ટિમસી વિશે જે વાત કહી તે કાબિલે તારીફ છે. હીનાએ કહ્યું હતું કે ઇન્ટિમસી માત્ર શારીરિક નથી હોતી. અંતરંગ સંબંધો એટલે પરસ્પર ભીતરથી જોડાયેલા હોવું, એકમેક પ્રત્યે માન-સન્માન, પ્રેમ દર્શાવવા મસમોટા ઈશારા નહીં, બલ્કે નાના નાના જેસ્ચર આપવાં, એકબીજા માટે રીઅલ રહેવું અને સુખદુ:ખના ભાગીદાર બનવું. અમારા સંબંધમાં આ બધું મોજૂદ છે. હું રોકી સાથે સલામત અનુભૂતિ કરું છે.

સૌમ્યા ટંડનની 'ભાભીજી 'માં વાપસી?

એક દશકના લાંબા અંતરાલ પછી અભિનેત્રી શિલ્પા શીંદેએ 'ભાભીજી ઘર પર હૈં'માં વાપરસી કરી એટલે આ શો છોડનાર અન્ય અદાકારા સૌમ્યા ટંડન વિશે પણ એવી વાતો વહેતી થઈ છે કે તે આ શોમાં પરત ફરશે. અભિનેત્રીએ જોકે આવી વાતો બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ના, તે 'ભાભીજી..'માં પરત નથી ફરવાની. મેં બીજા કેટલાંક પ્રોજેક્ટ હાથ ધર્યાં છે તેથી આ શોમાં વાપસીનો પ્રશ્ન જ ઊભો નથી થતો. સૌમ્યાએ સ્વયં આ વાત પર પૂર્ણવિરામ મૂકતાં તેના ચાહકોમાં થોડી નારાજગી ફેલાઈ ગઈ છે. પરંતુ સૌમ્યા કહે છે કે મારા હાથમાં બીજા કામ છે. હું તેમાં આગળ વધી ચૂકી છું. અત્રે ઉલ્લેખનીય છે કે 'ભાભીજી...'માં અભિનેત્રીએ 'ગોરી ભાભી' તરીકે ઓળખાતી 'અનીતા નારાયણ મિશ્રા'ની ભૂમિકા ભજવી હતી. હવે આ રોલ વિદિશા શ્રીવાસ્તવ ભજવે છે. સૌમ્યાએ વર્ષ ૨૦૨૦માં આ શો છોડયો હતો. અહીં એ વાતની નોંધ પણ લેવી રહી કે હાલના તબક્કે ધૂમ મચાવી રહેલી ફિલ્મ 'ધૂરંધર'માં સૌમ્યાએ અક્ષય ખન્નાના કિરદાર 'રહ માન ડકૈત'ની પત્નીની ભૂમિકા ભજવી છે.

સોનાલી રાઉત 'બિગ બોસ મરાઠી-6'માં ભાગ લેશે

'બિગ બોસ મરાઠી' પણ દર્શકોમાં ખાસ્સું પ્રિય થઈ ગયું છે. આ વર્ષે તેની છઠ્ઠી સીઝન શરૂ થવાની છે અને તેનું સંચાલન વધુ એક વખત રિતેશ દેશમુખ કરશે. આ શોના સ્પર્ધકોની વાત કરીએ તો એમ કહેવાય છે કે હિન્દી 'બિગ બોસ-૮'માં ભાગ લેનાર અભિનેત્રી સોનાલી રાઉત આ વર્ષે મરાઠી 'બિગ બોસ'માં સહભાગી થશે. જોકે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી શોના સંચાલકો કે સોનાલી તરફથી આ બાબતે કોઈ જાહેરાત કરવામાં નથી આવી. પરંતુ સૂત્રોએ આ વાત પાકી હોવાનું જણાવ્યું હતું. સૂત્રોએ વધુમાં કહ્યું હતું કે સોનાલીએ હિન્દી 'બિગ બોસ'માં ભાગ લીધો હતો તેથી તેને મરાઠી 'બિગ બોસ'ના ફોર્મેટમાં પણ ગોઠવાઈ જવાનું ફાવસે. વળી દર્શકો પણ તેના ચહેરાથી સુપેરે વાકેફ છે તેથી તેમને સોનાલીને ફરીથી જોવાનું ગમશે.

શહનાઝ ગિલ જાહેરમાં નથી રડતી

પંજાબી વીડિયો અને ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર શહનાઝ ગિલે વિવાદાસ્પદ રીઆલિટી શો 'બિગ બોસ-૧૩'માં ભાગ લીધો ત્યાર પછી ઘર ઘરમાં જાણીતી બની ગઈ છે. આ શો દરમિયાન તે તેના સહસ્પર્ધક સિધ્ધાર્થ શુકલાના પ્રેમમાં પડી. તેમની જોડીને શોમાં પણ ખૂબ પસંદ કરવામાં આવી હતી. શો પછી પણ તેમનો પ્રેમ અકબંધ રહ્યો હતો, પરંતુ કમનસીબે સિધ્ધાર્થ શુકલાનું નિધન થઈ ગયું. ઘણાં સમય સુધી ડિપ્રેશનમાં રહ્યા પછી શહનાઝ ધીમે ધીમે અવસાદમાંથી બહાર આવી અને ધીમે ધીમે ગ્લેમર વર્લ્ડમાં રમમાણ થઈ ગઈ. આજની તારીખમાં તે મબલખ પ્રશંસકો ધરાવે છે. મહત્વની વાત એ છે કે હવે તેના ચાહકો તેની પાસેથી સલાહ માગે છે અને પોતાના મનની વાત કરે છે. તાજેતરમાં જ તેની એક પ્રશંસકે શહનાઝ સમક્ષ પેટછૂટી વાત કરી હતી. તેણે અભિનેત્રીને કહ્યું હતું કે તે બેહિસાબ સંઘર્ષ કરી રહી છે.  શહનાઝે તેને સાંત્વન આપતાં કહ્યું હતું કે તેણે પણ ઓછો સંઘર્ષ નથી કર્યો. તેણે પોતાની કારકિર્દીમાં પુષ્કળ ચડાવ-ઉતાર જોયા છે. તેને પણ ઘણી વખત રડવું આવતું.  અદાકારાએ તેની પ્રશંસકને સધિયારો આપતાં વધુમાં કહ્યું હતું કે તારે પણ મજબૂત બનવું પડશે, પોતાની વાત મક્કમતાપૂર્વક રજૂ કરવી પડશે, પોતાનો જ પક્ષ તાણવો પડશે. 'લોકો શું કહેશે' એ વિચારને કોરાણે મૂકીને આગળ વધવું પડશે. આસપાસ નજર નાખીશ તો તારી જેમ સંઘર્ષ કરનારા સેંકડો લોકો મળી આવશે. તું પણ મજબૂત થા.