TV TALK .

પલક પુર્સવાની અને રોહન ખન્નાના 26 જૂને કોઇમ્બતુરમાં લગ્ન
પલક પુર્સવાની અને કોર્પોરેટ પ્રોફેશનલ રોહન ખન્નાએ ૨૬ જૂને કોઈમ્બતુરમાં લગ્નગ્રંથિથી જોડાવાનું નક્કી કરી નાખ્યું છે, પણ તેમની મૂળ લગ્ન યોજનામાં ઘણાં ફેરફાર થયા પછી અંતે આ દિવસ લગ્ન માટે નિર્ધાયો છે. આ બંને જણાં પહેલા તો ડિસેમ્બરમાં લગ્ન કરવાના હતા અને એ માટે સ્થળો શોધવા માટે ઘણાં દેશોનો પ્રવાસ સુધ્ધાં કર્યો, પણ વિદેશમાં થયેલા યુધ્ધે તેમને પુનર્વિચાર કરવા માટે દબાણ કર્યું. જો કે આ પહેલા તો તેમણે જોર્ડનને અંતિમ સ્વરૂપ સુધ્ધાં આપી દીધું હતું.
લગ્નની યોજના માટે આવેલા વ્યાપક ફેરફાર અંગે બોલતા અભિનેત્રી પલક પુર્સવાનીએ જણાવ્યું કે અણધાર્યા વિરામથી તો તેમને ખરેખર શું મહત્ત્વનું છે તેના પર તો વિચાર કરવાનો સમય મળ્યો. આ અંગે વધુમાં જણાવતા પલકે કહ્યું, 'અમારી પાસે બધું જ બંધ હતું- સ્થળ, હોટેલ અને યોજનાઓ અને પછી સંજોગો ફરી બદલાયા અને તે પણ અત્યંત વિચિત્ર રીતે! નિરાશ થવાને બદલે તેણે અમને થોભવા અને પોતાને પૂછવા માટે મજબૂર કર્યા કે અમે ખરેખર શું શોધી રહ્યા છીએ : ભલે આપણે ગમેએટલા દેશોની શોધખોળ કરીએ અથવા કેટલાંક સ્થળોની મુલાકાત લઈએ, એવું લાગે છે કે આપણે હમેશાં ઘરે પાછા ફરવા માટે જ છીએ.' પલક કહે છે કે હું અને રોહન બંને ભારતમાં તેમના ખાસ દિવસની ઉજવણી કરવા માટે ખૂબ જ આકર્ષાયા છીએ. આ સાથે જ પલક ઉમેરે છે, 'અલબત્ત, યુધ્ધની પરિસ્થિતિએ અમારી યોજનાઓ બદલી નાખી અને ભારતની ઉજવણી વિશે વડા પ્રધાન મોદીના સંદેશે અમને વિચારવા માટે મજબૂર કર્યા. તે જ સમયે તે આપણી પોતાની યાત્રા સાથે પણ જોડાયેલું છે. એક મજબૂત આંતરિક લાગણી છે કે આપણને કોઈક દિશા તરફ જવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.'
નિહારિકા અને શરદના ભાવનાત્મક લગ્ન સંપન્ન
ભારતીય ટેલિવિઝનનો એક અદ્ભુત, સીમાચિહ્ન રૂપ પ્રસંગ પાર પડયો. અનુ (નિહારિકા ચોકસી) અને આર્ય (શરદ કેલકર)ના લગ્ન સમારોહ ધૂમધામથી પાર પડયો. ટેલિવિઝન-ફિલ્મના અગ્રણીઓએ એ પ્રસંગે હાજરી પૂરાવી તેને એક નવો ઓપ આપ્યો તો દર્શકોએ ઝી ટીવી પર આ પ્રસંગને માણી તેમની ચાહના પૂરી કરી. જો કે આ પ્રસંગ ખૂબ જ આહ્લાદક અને નયનરમ્ય બની રહ્યો, એ તો એટલું જ સાચું છે.
ઝી ટીવીના શો 'તુમ સે તુમ તક'ની આ જોડી ઘણા સમયથી એકમેકને ડેટ કરતી હતી, તો શોની ફેન્સ પણ આ બંને લગ્ન કરી લે એવું દિલથી ઇચ્છતા હતા અને એ યથાર્થ કર્યું. હા, એ પણ સાચું કે શોના ચાહકોમાં પહેલેથી જ ચર્ચા જગાવી રહેલા આ લગ્ન ટેલિવિઝનના સૌથી અપેક્ષિત ક્ષણોમાંનો એક અમૂલ્ય પ્રસંગ બની રહ્યો. ઝી ટીવીના ચીફ ચેનલ ઓફિસર મંગેશ કુલકર્ણીએ સુધ્ધાં શેર કર્યું હતું, 'અમે હમેશાં એવી વાર્તાઓ કહેવામાં માનતા આવ્યા છીએ જે મનોરંજનથી આગળ વધીને સાંસ્કૃતિક ક્ષણોમાં રૂપાંતરિત થાય. અનુ અને આર્યના લગ્ન આવા જ એક સીમાચિહ્નરૂપ છે. અજોડ સ્કેલ, ઊંડી લાગણી અને આ ઇન્વેન્ટ માટે પ્રેક્ષકોના શાશ્વત પ્રેમની ઊંડી સમજણ સાથે રચાયેલા છે. તેની ટોચ પર અપેક્ષા, દ્રશ્યતા અને ભાવનાત્મક ભવ્યતા તરીકે ડિઝાઈન કરાયેલા દરેક વિગતો સાથે આ માત્ર લગ્ન નથી, તે ટેલિવિઝન વાર્તા કહેવાની એક વ્યાખ્યાચિત ક્ષણ છે.' ભવ્ય પ્રસંગ અને અગણિત લોકોની નજર સમક્ષ અનુ અને આર્યના લગ્ન જ વધુ ભાવનાત્મક બની રહે છે.
અક્ષરા સિંહ : અક્ષયસરે સેટ પર મને ખૂબ માન આપ્યું...
અક્ષરા સિંહનું નસીબ ખૂબ જોર કરી રહ્યું છે. તે આગામી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'થી માંડીને 'ઘિસ ઘિસ ઘિસ' સાથે બોલિવુડના મુખ્ય પ્રવાહમાં પ્રવેશ મેળવવા સાથે અત્યંત રોમાંચ અનુભવી રહી છે. આ બાબતને તેની કેરિઅરની સૌથી મોટી તકોમાંની એક ગણાવતા આ ભોજપુરી અભિનેત્રી કહે છે કે તે અક્ષય (કુમાર)ના ગીતો પર નાચતા નાચતા મોટી થઈ છે અને ક્યારેય એવી કલ્પના પણ કરી નહોતી કે એક દિવસ તે તેની સાથે સ્ક્રીન પણ શેર કરશે. જો કે અક્ષરા સિંહ માટે તો સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત તો અક્ષયકુમારની પ્રામાણિકતા હતી. 'તે મને કહેતો રહ્યો કે દરેક લાઈનનો યોગ્ય રીતે ઉચ્ચાર કેવી રીતે કરવો અને ગીતના શબ્દો પાછળનો સ્વર અને અર્થ કેવી રીતે સમજવા.' અક્ષરા સિંહને એ પણ યાદ છે કે જ્યારે શોટ માટે સ્ટિરિયોટાઈપ ઘાઘરા-ચોલી લુક પહેરવાનું કહેવામાં આવ્યું. તેણે કહ્યું, 'જે પહેરવામાં મને આરામદાયક લાગતું હોય તે પહેરો- આ વાત મને ખૂબ જ સ્પર્શી ગઈ.' સેટ પર મળેલા આદરથી અભિનેત્રી ખૂબ જ અભિભૂત થઈ ગઈ. એમાંય ખાસ કરીને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય તરફથી જે કહેવાયું તેનાથી તો તે વધુ અભિભૂત થઈ ગઈ. 'લોકોને ઘણીવાર ભોજપુરી કલાકારો વિશે પૂર્વગ્રહ હોય છે, પણ ગણેશ સર તેમના સહાયકોને કહેતા હતા, ઉસકો છોડ દો. વો ફાડુ કલાકાર હૈ.' આ સાથે અક્ષરા ઉમેરે છે, 'અત્યાર સુધી જે પણ ગીતો આવ્યા તે બધા હિન્દી ગીતો હતા, જેમાં ભોજપુરી સ્પર્શ હતો, લહેકો હતો. જો કે આ વખતે પહેલીવાર અક્ષય સરે, ભોજપુરી ભાષામાં સંપૂર્ણ ભોજપુરી ગીત ગાયું, તેથી આ તો એક મોટી વાત હતી,' એમ અક્ષરાએ ઉમેર્યું હતું.









