Magazines

TV TALK .

By GS TEAM
7 May 20264 mins read
TV TALK                                                            .

અર્ચના પૂરન સિંહનો અફસોસ : કપિલના શોને કારણે મેં ફિલ્મો ગુમાવી

ડઝનબંધ હિન્દી ફિલ્મોમાં કેરેક્ટર અને કોમેડી રોલ્સ કરી ચુકેલી વેટરન એકટ્રેસ અર્ચના પૂરન સિંહે  એક ન્યુસ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અર્ચનાએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે કપિલના કોમેડી શો માટેના મારા બિઝી શેક્યુલને કારણે મારી પાસે ફિલ્મો કરવા ભાગ્યે જ સમય બચતો હતો. 'પાછલા ઘણાં વરસોમાં હું ફિલ્મોમાં કામ નથી કરી શકી. એકવાર તો મને એક ફિલ્મ માટે સ્કોટલેન્ડમાં ૨૫ દિવસ શૂટ કરવાની લલચામણી ઓફર આવી હતી. મારા શો પ્રત્યેના કમિટમેંટને કારણે આવી ઓફર્સ નકારવાની મને જાણે કે આદત જ પડી ગઈ હતી. કપિલના શોનું શૂટ છોડીને કોઈ ફિલ્મનું શુટિંગ કરવું મારા માટે શક્ય જ નહોતું. પહેલા શો ટીવી પર પ્રસારિત થતો હતો ત્યારે અમે વરસમાં ૧૦૦ એપિસોડ્સ શૂટ કરતા. એ જ કારણસર મારી પાસે બીજું કાંઈ કરવા ટાઈમ જ નહોતો રહેતો. મારે ઘણી ફિલ્મો માટે ના પાડવી પડી. પરિણામ એવું આવ્યું કે મારી ઘણી બધી ના સાંભળીને કંટાળેલા લોકોએ એક્ટિંગ અસાઈનમેંટ્સ માટે મારો સંપર્ક કરવાનું જ બંધ કરી દીધું,' એવો અફસોસ ૬૩ વરસની અભિનેત્રી વ્યક્ત કરે છે.

છેલ્લે રાજકુમાર રાવ અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ 'વિક્કી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો'માં રાકેશ બેદીની પત્નીના રોલમાં જોવા મળેલી અર્ચના ૨૦૧૯માં નવજોત સિંહ સિદ્ધુની કપિલના શોમાંથી ઓચિંતી એક્ઝિટ થયા બાદ એની જગ્યાએ ગોઠવાઈ ગઈ હતી. 

સુધીર પાંડે : અપમાન બાદ વાઇરલ વોકઆઉટ અંગે સાચી પ્રતિક્રિયા 

તાજેતરમાં જ એક વાઈરલ થયેલા વીડિયોથી એવી અટકળો શરૂ કે નવમી એપ્રિલે યોજાયેલા 'જિન્ની વેડ્સ સન્ની-૨'ના ટ્રેલર લોન્ચ દરમિયાન પીઢ અભિનેતા સુધીર પાંડે સ્ટેજ પરથી ચાલી ગયા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે એવો આરોપ લગાવ્યો હતો કે ટીમ દ્વારા તેમને અવગણવામાં આવ્યા હતા.

જો કે સુધીર પાંડેએ આ દાવાને ફગાવી દેતાં જણાવ્યું હતું કે આમાં મારું કોઈ અપમાન થયું નથી. 'અનાદર જેવું તો કંઈ જ નહોતું. હું આગળની હરોળમાં બેઠા પછી બધાની સાથે જ સ્ટેજ પર ગયો હતો.' ૭૨ વર્ષીય આ અભિનેતા કહે છે, 'વીડિયોમાં સંદર્ભ ચુકી જવાયો છે.'

તેમણે સમજાવ્યું હતું કે 'હું બીજા પ્રોજેક્ટના વ્યસ્ત શુટિંગ શિડયૂલ વચ્ચે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યો હતો. સમસ્યા એ હતી કે હું ખૂબ જ ઉતાવળમાં હતો. હું શુટિંગની વચ્ચે આ ટ્રેલર-લોન્ચમાં હાજરી આપવા આવ્યો હતો. હકીકતમાં મેં ફિલ્મના પ્રોડક્શન હાઉસને કહ્યું હતું કે હું થોડી ઉતાવળ સાથે આવીશ. તમે મને બીજા શુટિંગમાં જવાને કારણે જોઈ રહ્યા છો. મને સંદેશા મળી રહ્યા હતા.' તે સ્પષ્ટ કરે છે કે તેમનું બહાર નીકળવું વ્યાવસાયિક કારણે હતું. કોઈ વિવાદને કારણે નહીં.

સુધીર પાંડે માટે આવવું મહત્ત્વનું હતું. આ ફિલ્મમાં તેની એક શાનદાર ભૂમિકા છે અને તે એક સારી ફિલ્મ છે. તેથી જ મને બીજી ફિલ્મની ટીમ તરફથી પરવાનગી મળી. હું તેમને મંજૂરી આપવા બદલ આભારી છું- ટ્રેલર-લોન્ચમાં હાજરી આપવા બદલ આભારી છું, એમ તેમણે કહ્યું હતું.

કૃતિકા કામરાએ દાયકા બાદ ટીવી છોડવાનું કારણ આપ્યું

તાજેતરમાં એક્ટર અને ક્રિકેટ પ્રોગ્રામ પ્રેજેન્ટર ગૌરવ કપૂરને પરણેલી અભિનેત્રી કૃતિકા કામરા પોતાની નવી વેબ સીરીઝ 'મટકા કિંગ'ને કારણે ન્યુસમાં છે. વિજય વર્માનો લીડ રોલ ધરાવતા આ શોમાં કૃતિકાએ ૧૯૬૦ના દશકની મુંબઈની પારસી યુુવતીનું પાત્ર ભજવ્યું છે. શોમાં એની સુંદરતા અને એના પરફોર્મન્સના મીડિયામાં વખાણ થયા છે. ૩૭ વરસની એકટ્રેસે ટીવી સીરિયલો છોડીને હવે ફિલ્મો અને ઓટીટી શોઝમાં ધ્યાન પરોવ્યું છે.

કામરાએ ટીવીને અલવિદા કર્યાને લગભગ દાયકો થતા આવ્યો છતાં લોકોના મનમાં હજુ એવો પ્રશ્ન રમ્યા કરે છે કે એક્ટર સીરિયલોની એક ટોપની એક્ટર હતી ત્યારે એણે સ્મોલ સ્ક્રીન શા માટે છોડયું? એક્ટિંગ પર્વતારોહણ જેવું કામ છે. તમે ઝડપથી ચડવા જાવ તો પડવાનું જોખમ ઘણું વધુ રહે છે. તમને જો તમારી કળા પ્રત્યે લગની હોય તો તમારે રોજેરોજ તમારા અભિનયને નિખારવા પ્રયાસ કરવો પડે. એટલે જ હું ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી ખસી ગઈ. એને લીધે મને આઝાદી મળી, એક ઓળખ મળી. પરંતુ મને નવા ક્ષેત્રમાં સેટલ થવામાં ખાસ્સો સમય લાગ્યો. મારા અમુક ટીવી શોઝે મને રાતોરાત લોકપ્રિય બનાવી દીધી. જાણીતા ફેસ બનવાનો, સારા પૈસા કમાવાનો અને કરિઅરમાં સલામતિ અનુભવવાનો એક આનંદ છે. પરંતુ આ બધું મળવા છતાં મને ક્રિએટીવ સંતોષ નહોતો મળતો. મને એક તબક્કા બાદ ટીવી શો અપીલ નહોતા કરતા. એટલે પછી મેં ટીવી છોડી દીધું. મારે કોરી પ્રસિધ્ધિ નથી જોઈતી પણ મારી ટેલેન્ટને માન્યતા અપાવવી છે. મારા કરિઅરનો હવે એ જ મૂળ મંત્ર છે.'