Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
29 Jan 20263 mins read
SOCIAL સર્કલ                                                    .

હૃતિક રોશનની રહસ્યરંગી પોસ્ટ

હૃતિક રોશનને ઇન્સ્ટાગ્રામ પર આખા લેખ જેવડી લાંબીલચ્ચ કેપ્શન લખવાની આદત છે, અને તે પણ ભેદી, ન સમજાય એવી. જુઓને, તાજેતરમાં એણે આ ફોટોગ્રાફ સાથે કંઈ ભળતોસળતો લેખ ભરડી નાખ્યો છે. લખે છે કે એ એક કોમેડી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. એને ડાયલોગ બોલવાનો હતો કે, 'વુડ યુ લાઇક કમ હોમ ફોર ડિનર?' હવે હૃતિક નાનપણમાં બોલતી વખતે ખૂબ સ્ટેમરિંગ કરતો, એટલે કે થોથવાઈ જતો. જીભ ચોંટી જાય, શબ્દ મોંમાંથી બહાર ન નીકળે. ભારે મુશ્કેલીથી એણે પોતાની આ ક્ષતિ દૂર કરી. આના વિશે હૃતિકે નિખાલસતાથી ઘણી વાર વાત કરી છે. એ એવું પણ કહે છે કે સુપરસ્ટાર બની ગયા પછી પણ, ઇવન આજની તારીખ સુધી, એણે પોતાના જીભ સાથે સંઘર્ષ કરવો પડે છે. તે દિવસે શૂટિંગમાં એવું જ થયું. હૃતિકની જીભ પર 'ડિનર' શબ્દ કેમેય કરીને ચડે જ નહીં. એટલે એણે ડાયલોગ આ રીતે ફેરવી નાખ્યો, 'વુડ યુ લાઇક ટુ કમ હોમ ફોર લંચ?' ડિરેક્ટરને થાય કે ડુગ્ગુએ લન્ચનું ડિનર કેમ કરી નાખ્યું? રિટેક પર રિટેક થતા રહ્યા, પણ દર વખતે હૃતિક 'લંચ' જ બોલે. ડિરેક્ટરે આખરે આ 'લંચ'વાળો ડાયલોગ ઓકે કરી નાખ્યો. આવું લાંબું લાંબું લખીને હૃતિક પોતાની ઇન્સ્ટા પોસ્ટમાં છેલ્લે પ્રશ્ન પૂછે છે: તો કહો ચાલો, હું કઈ ફિલ્મનું શૂટિંગ કરતો હોઈશ? મેં હિન્ટ ઓલરેડી આપી દીધી છે!  અમારી પાસે તો આનો જવાબ નથી. તમને કંઈ ગતાગમ પડી?

અંકિત સાખિયા: વાહ, લાલાભાઈ, વાહ!

 સાચ્ચે, 'લાલો' જેવો વટ તો અત્યાર સુધીની કોઈ ગુજરાતી ફિલ્મે પાડયો નથી. 'લાલો'ના ફર્સ્ટ-ટાઇમ ડિરેક્ટર અંકિત સાખિયાને એકલા અથવા તો પોતાની ટીમ સાથે જ્યારે નેશનલ ટેલિવિઝન પર, કોમલ નાહટા જેવા બોલિવુડના ટોચના એક્સપર્ટથી માંડીને હોલિવુડ રિપોર્ટર ઇન્ડિયા જેવા પ્રતિતિ યુટયુબ પ્લેટફોર્મ પર વાતો કરતા જોઈએ છીએ ત્યારે આપણી છાતી હરખાઈને ગજ ગજ ફૂલે છે. થોડા દિવસો પહેલાં અંકિત ધર્મા પ્રોડક્શનના પાતળિયા રણીધણી કરણ જોહરને મળ્યા. (જોઈ લો એમણે શેર કરેલી આ ઇન્સ્ટા તસવીર.) કરણ જોહરે એમની સાથે ગુજરાતી સિનેમા વિશે ખૂબ બધી વાતો કરી, ફિલ્મ બનાવતી વખતે કન્વિક્શન કેટલું જરૂરી છે તે વિશે ચર્ચા કરી. દેખીતું છે કે અડધાથી એક કરોડ રૂપિયામાં બનેલી એક ગુજરાતી ફિલ્મ જ્યારે ૧૨૨ કરોડ કરતાં વધારે રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કરે એટલે બોલિવુડનાં મોટાં માથાઓનું ધ્યાન પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી તરફ ખેંચાવાનું જ. ફિલ્મનું હિન્દી વર્ઝન જોકે સફળ ન થઈ શક્યું, બટ ઇટ્સ ઓક્કે. એક વાત તો નક્કી છે - ગુજરાતી સિનેમાના વિકાસની ગતિ અને કદ 'લાલો' પછી તેજ ગતિથી વધવાનાં છે, અને તેને મરાઠી તેમજ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા માનપાન આપણે કલ્પના પણ ન કરી હોય એટલા જલદી મળવાનું શરૂ થઈ જવાનું છે.  જય સિનેમાદેવ... જય ડાકોરના ઠાકોર!

સારા અર્જુન: નાનો પણ રાયનો દાણો

'ધૂરંધર'માં આટલા બધા હીરોલોગની વચ્ચે એક જ કન્યા છે- સારા અર્જુન. બીજા તમામ ધૂરંધર એક્ટરો વચ્ચે સારા પોતાની હાજરી નોંધાવી શકી છે. સારા અને રણવીર સિંહ વચ્ચે રહેલા વયભેદ વિશે ઘણી ટીકાઓ થઈ છે. થાય જ. સારા હજુ ૨૦ વર્ષની છે, જ્યારે રણવીર ૪૦ વટાવી ચૂક્યો છે. હીરો કરતાં અડધી ઉંમરની હિરોઈન જોઈને લોકો કમેન્ટ્સ તો કરવાના જ. ખેર. 'ધૂરંધર-ટુ'માં સારાનો રોલ કઈ રીતે વિકસે છે, અને આ સિવાય બીજી કઈ ફિલ્મોમાં તે દેખાય છે તે જાણવાની સૌને ઉત્કંઠા છે. નેચરલી. આ ઇન્સ્ટા ફોટોમાં એ કેવી નાજુકનમણી દેખાય છે, નહીં?