SOCIAL સર્કલ .

બીગ બીએ દર્શન કરાવ્યા ઈરાનના ૧૩૪ વર્ષ જૂના વષ્ણુ મંદિરના...
દુનિયાભરમાં ઈરાન અને અમેરિકાના યુદ્ધની બબાલ ચાલે છે, ચિંતા ચાલે છે, પીડા ચાલે છે ત્યાં બીગ બીની એક સોશિયલ મીડિયા પોસ્ટ ખૂબ જ ચર્ચામાં છે. તેમણે તાજેતરમાં ઈરાનના એક વિષ્ણુ મંદિરની તસવીર શેર કરી હતી. ઈરાનના અબ્બાસ બંદરે આવેલા ૧૩૪ વર્ષ જુના વિષ્ણુ મંદિરની તસવીર તેમણે સોશિયલ મીડિયામાં મુકી હતી. તેની સાથે સાથે એક અનોખો વીડિયો પણ શેર કર્યો હતો જેમાં ભગવાન વિષ્ણુ અને તેમના રામ અને કૃષ્ણના અવતારોના ભક્તિમય ગુણગાન કરવામાં આવે છે. આ મંદિરમાં દેવાધીદેવ મહાદેવની પણ તસવીર રાખવામાં આવેલી છે... ૧૮૯૨માં બનેલા આ મંદિરની તસવીરને લોકો આ વર્ષની શ્રેષ્ઠ સોશિયલ મીડિયા પોસ્ટ ગણાવે છે... તો દેવીયો ઔર સજ્જનો... ઈસ પોસ્ટ કે લીયે.... સાત કરોડ....
અપને ટાઈગર કે બાદ જેકી ભીડુભી ઉડેગા રે...
બોલિવૂડના સીત્તેરની ઉંમર વટાવી ગયેલા હીરોને જવાની ફુટતી જાય છે. એક તરફ અનિલ કપૂર એક્શન ફિલ્મો કરી રહ્યા છે ત્યાં હવે જેકી શ્રોફને પણ સુપરહીરો બનવાનો ચસ્કો લાગ્યો છે. આમ તો જેકીના પુત્ર ટાઈગરે પણ સુપર હીરો તરીકે સુપર ફ્લોપ ફિલ્મ આપી હતી. જેકી દાદાનો ટાઈગર બરાબર ઉડી શક્યો નહોતો પણ આ વખતે ભીડુ પોતે ઉડવાના છે. ૨૯ મેના રોજ જેકી શ્રોફની ધ ગ્રેટ ગ્રાન્ડ સુપરહીરો મુવી રિલીઝ થવાની છે. દાદા અને પૌત્રની જોડી એલિયન્સ સાથે લડવાની છે. તેમાં સુપરહીરો બીજું કોઈ નહીં પણ આપણા જેકી દાદા છે. જે ઉડતા પણ દેખાશે અને લડતા પણ દેખાશે... ફીકર નોટ પોતે... અપ્પુન એલિયન્સ સે લગેડા... અપના બચ્ચા હૈ તુ... ટાઈગરની સિરિયસ ફિલ્મ લોકોને કોમેડી લાગી હતી હવે જેકી દાદાની સુપરહીરો કોમેડીને લોકો કેટલી સિરિયસલી લે છે તે જોઈએ...
આમીરને સોશિયલ મીડિયામાં પરફેક્શન આવતું નથી
આમીરે તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મોની સફળતા અને નિષ્ફળતાની વાતો કરી હતી. આમીરે જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો જે રીતે ઉપયોગ થઈ રહ્યો છે તે તેને સમજાતો નથી. તે સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરી શકતો નથી. ખાસ કરીને ફિલ્મોના માર્કેટિંગ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના ઉપયોગમાં તે પાછળ છે. તેણે કહ્યું કે, ૧૯૮૦-૯૦ના દાયકામાં કયામત સે કયામત તક જ્યારે આવી ત્યારે માર્કેટિંગ સરળ હતું પણ હાલમાં સોશિયલ મીડિયાનું ગણિત જ બદલાયેલું છે. તે વખતે દૂરદર્શન ઉપર ગીત અને ફિલ્મના સમાચાર આવી જાય એટલે ભયોભયો... બીજા કોઈ માધ્યમો જ નહોતા. હાલમાં જે ઈન્ટરનેટનું જાળું ફેલાયેલું છે તેમાં ઓડિયન્સ ખરેખર જોડાયેલી છે કે નહીં અથવા તો આપણે સાચી ઓડિયન્સ સુધી પહોંચી શક્યા કે નહીં તે સમજાતું નથી. અલ્ટિમેટલી આમીર પણ સોશિયલ મીડિયાના સુપરસ્ટાર થવાનું સિક્રેટ શોધી રહ્યો છે પણ આ દંગલમાં ઉતરવું કોની સામે અને કેવી રીતે તે સમજાતું નથી.









