SOCIAL સર્કલ .

- એન્ડ ધ ઓસ્કર ગોઝ ટુ...
પ્રિયંકા ચોપડા જોનસ - જેવિયર બર્ડેમ
પોલ થોમસ એન્ડરસનઃ બેસ્ટ ડિરેક્ટર
જેસી બકલી : બેસ્ટ એક્ટ્રેસ
માઇકલ બી. જોર્ડન : બેસ્ટ એક્ટર
ઓસ્કર અવોર્ડ્ઝની ઝાકઝમાળભરી ઇવેન્ટ પછીના કેટલાય દિવસો સુધી સોશિયલ મીડિયા જ નહીં, મેઇનસ્ટ્રીમ મીડિયામાં પણ ઓસ્કર વિજેતાઓ છવાયેલા ન રહે બને ખરું? આ વખતની ઓસ્કર સેરિમની ધમાકેદાર રહી, હંમેશની જેમ. માનુનીઓ એકએકથી ચડિયાતા ડિઝાઇનર ગાઉન પહેરીને ઠમક-ઠમક કરતી રેડ કાર્પેટ પર ચાલી રહી હતી અને સ્ટાઇલો મારતી મારતી ફોટા પડાવી રહી હતી, જ્યારે પુરૂષો દર વર્ષની જેમ એના એ જ બોરિંગ બ્લેક કોટ-પેન્ટ પહેરીને પહોંચી ગયેલા. આપણી દેસી ગર્લ પ્રિયંકા ચોપડા જોનસ આ વખતે ફરી એક વાર ઓસ્કર પ્રેઝન્ટર તરીકે હાજર રહી હતી. એણે અને ઓસ્કરવિનર એક્ટર જેવિયર બર્ડેમે સંયુક્તપણે બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મ કેટેગરીના વિજેતાની ઘોષણા કરી - 'સેન્ટીમેન્ટલ વેલ્યુ'. સાચું પૂછો તો વિજેતા ફિલ્મનું નામ સાંભળીને કોઈને નવાઈ નહોતી લાગી, કેમ કે 'સેન્ટીમેન્ટલ વેલ્યુ' આ વખતે આ કેટેગરીમાં હોટ ફેવરિટ હતી.
આવો, અન્ય વિજેતાઓની વાત કરીએ. આ વખતે સપાટો બોલાવ્યો 'વન બેટલ આફ્ટર અનધર' નામની થ્રિલરે, કે જેમાં લિયોનાર્ડો દ કેપ્રિયો હીરો છે. તે છ-છ કેટેગરીમાં વિજેતા સાબિત થઈ - બેસ્ટ પિક્ચર, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે (બન્ને પોલ થોમસ એન્ડરસન), બેસ્ટ સપોટગ એક્ટર (શાન પેન), બેસ્ટ એડિટિંગ - એન્ડ યેસ - બેસ્ટ કાસ્ટિંગ. આ વર્ષથી ઓસ્કરવાળાઓએ 'બેસ્ટ કાસ્ટિંગ' માટે નવીનક્કોર કેટેગરી ઇન્ટ્રોડયુસ કરી છે. આ અવોર્ડ મળ્યો છે કાસાન્દ્રા કુલુકન્દીસ નામનાં મહિલાને.
આ વખતે અધધધ નોમિનેશન મેળવ્યા હતા 'સિનર્સ' નામની ભૂતપ્રેતની ફિલ્મે. સોળ નોમિનેશન કોને કહેવાય! ઓસ્કરના ઇતિહાસમાં આટલાં બધાં નોમિનેશન અગાઉ કોઈ ફિલ્મે મેળવ્યા નથી. એ વાત અલગ છે કે 'સિનર્સ'ના ભાગે આવ્યા ચાર જ ઓસ્કર - બેસ્ટ એક્ટર (માઇકલ બી. જોર્ડન), બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લે, બેસ્ટ સિનેમેટોગ્રાફી અને બેસ્ટ ઓરિજિનલ સ્કોર.
આ વખતની બેસ્ટ એક્ટ્રેસ કોણ છે? જેસી બકલી, 'હેમ્નેટ'ની હિરોઈન. બેસ્ટ સપોટગ એક્ટ્રેસ બની એમી મેડિગન ('વેપન્સ'). આ વખતે ગુલેર્મો ડેલ ટોરોની 'ફ્રેન્કસ્ટાઈન' ફિલ્મ પણ ખાસ્સી ચર્ચામાં હતી. તેણે ત્રણ ટેકનિકલ કેટેગરીના ઓસ્કર જીતી લીધા - બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇન, બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન અને બેસ્ટ મેકઅપ. જેમ્સ કેમરોનની 'અવતારઃ ફાયર એન્ડ આઇસ'ને યોગ્ય રીતે જ બેસ્ટ વિઝયુઅલ ઇફેક્ટ્સનો ઓસ્કર મળ્યો. કે-પોપ 'ડીમન હન્ટર્સ'ને બે ઓસ્કર મળ્યા - બેસ્ટ એનિમેટેડ ફિચર અને બેસ્ટ ઓરિજનલ સ્કોર.
તો ચાલો, અહીં ઉલ્લેખ પામેલી (કે ઇવન ઉલ્લેખ ન પામેલી) આ વખતની ઓસ્કર મૂવીઝ માંડો જોવા. મોટી સ્ક્રીન પર જોવાય તો બેસ્ટ, નહીં તો ઓટીટી તો છે જ.









