Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
19 Feb 20262 mins read
SOCIAL સર્કલ                                                    .

સલમાન-ચિત્રાંગદા: વોર એન્ડ લવ

તો સલમાન ખાનની હિરોઈનોના લિસ્ટમાં એક શાનદાર ઉમેરો થઈ ચૂક્યો છે - ચિત્રાંગદા સિંહ. થેન્ક ગોડ, આ વખતે સિનિયર સિટીઝન સલમાને આગામી ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'માં પોતાના કરતાં અડધા ઉંમરની કન્યાને હિરોઈન બનાવી નથી. આ ફિલ્મમાં ચિત્રાંગદા એની સાથે પ્રેમિકા-સ્લેશ-પત્ની બની છે. ચિત્રાંગદા પચાસ વર્ષ પૂરાં કરી ચૂકી છે, ને એકાવનમું રનિંગ છે. ચિત્રાંગદાનો પ્લસ પોઈન્ટ એ છે કે એ અતિ મીડિયા એક્સપોઝરથી દૂર રહે છે. તેને કારણે એના ફરતે એક પ્રકારની એક્સક્લુઝિવિટીની આભા જળવાઈ રહે છે. એ વાત અલગ છે કે ચિત્રાંગદા વચ્ચે વચ્ચે 'હાઉસફુલ-ફાઇવ' જેવી ચક્રમ પણ ફિલ્મો કરી નાખે છે. છેલ્લે આપણે એને ઓટીટી પર 'રાત અકેલી હૈ' નામની મર્ડર મિસ્ટરીમાં જોઈ હતી. 'બેટલ ઓફ ગલવાન' ફિલ્મનું 'મૈં હૂં' શબ્દોવાળું એક રોમેન્ટિક, સોફ્ટ સોંગ સોશિયલ મીડિયા પર ગાજી રહ્યું છે. જોવા-સાંભળવામાં આ ગીત ગમે તેવું છે. વોર ફિલ્મમાં રોમેન્ટિક ગીત હોવું જ શું કામ હોવું જોઈએ એવું નહીં પૂછતા, પ્લીઝ?

બોલિવુડ સ્ટાર્સની ઇન્સ્ટાભક્તિ   

મહાશિવરાત્રિ આવી નથી કે સોશિયલ મીડિયા પર બોલિવુડના સિતારાઓની ભક્તિભાવ છલકાયો નથી. જુઓને, પોતે કેટલા પ્રચંડ શિવભક્ત છે તેવું પૂરવાર કરવા મથતી એમની કેટલી બધી તસવીરો ઇન્સ્ટાગ્રામ અને અને માધ્યમોમાં હિલોળે ચડી છે. એક તસવીરમાં રણબીર કપૂર અન આલિયા ભટ્ટ ઊભડક પગે બેસીને શિવપ્રતિમાને પ્રણામ કરી રહ્યાં છે, તો એકમાં અનુષ્કા શર્મા ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે નમસ્કાર મુદ્રામાં ઊભી છે. એકમાં કંગના રનૌત પૂજાવિધિ કરતી 'દ્રષ્ટિગોચર' થાય છે, તો એકમાં અનન્યા પાંડે ગર્લ-નેક્સ્ટ-ડોર લૂક ધારણ કરીને શિવમંદિરના ગર્ભાગારમાં કેમેરા સામે સીધું જોઈને ફોટો ક્લિક કરાવી રહી છે. અક્ષયકુમાર, વિકી કૌશલ, સારા અલી ખાન...  લિસ્ટ લાંબું છે. આશા રાખીએ કે આ સૌની ભક્તિ ઇનસ્ટાગ્રામના દેખાડા પૂરતી સીમિત ન રહી જાય. શિવત્વના અસલી મર્મની નજીક તેઓ એકાદ ઇંચ પર આગળ વધ્યાં હોય તોય ભયો ભયો.