Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
18 Jun 20263 mins read
SOCIAL સર્કલ                                                    .

કંગના: ક્યા બાત હૈ!

બહુ ઓછા એવા શુક્રવારો આવતા હશે, જ્યારે એક સાથે ત્રણ-ત્રણ મસ્તમજાની ફિલ્મો રિલીઝ થઈ હોય. ગયા શુક્રવારે એટલે કે બારમી જૂને આવેલી પહેલી મસ્ત ફિલ્મ એટલે કંગના રનૌતની 'ભારત ભાગ્ય વિધાતા'. વોટ અ ફિલ્મ! ફિલ્મ જોતી વખતે તમને કદાચ એવી ફીલિંગ થઈ હશે કે મુંબઈ ટેરરિસ્ટ અટેક વિશે આટલું બધું જોયું-વાંચ્યું, પણ મારું બેટું આ ફિલ્મમાં જે બતાવ્યું છે એ ઘટનાક્રમ વિશે તો કશી ખબર જ નહોતી! આ જ તો મનોજ તાપડિયાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનો હેતુ હતો - જેમના વિશે કોઈએ માંડીને વાત કરી નથી એવા સામાન્ય લોકોના અસાધારણ સાહસને પ્રકાશમાં લાવવો. કંગના પ્રત્યે કોઈને એની વિચારધારા કે બીજા કોઈ પણ કારણસર ગમે તેટલો અણગમો કેમ ન હોય, એક એક્ટ્રેસ તરીકે તો એને સલામ મારવી જ પડે. કશુંય જોયા-જાણ્યા વિના પ્રોપગેન્ડા ફિલ્મ.... પ્રોપગેન્ડા ફિલ્મના રાગડા તાણનારાઓને શું કહેવું? હૃદયના તાર ઝંકૃત કરી નાખે એવી, છેક સુધી જકડી રાખે એવી ફિલ્મ જો બોક્સ ઓફિસ પર સફળ ન થઈ શકે તો આમ દર્શકોના ટેસ્ટ વિશે સત્તર સવાલો થવા જોઈએ. ખરું કે નહીં? કંગનાની આ તસવીર જોધપુરમાં 'ભારત ભાગ્ય વિધાતા'નું પ્રીમિયર યોજાયું તે પ્રસંગે ખેંચવામાં આવી હતી. 

વેદાંગ - શર્વરી: હમ વાપસ આયેંગે...

બારમી જૂને રિલીઝ થયેલી બીજી સુંદર ફિલ્મ એટલે ઇમ્તિયાઝ અલીની 'મૈં વાપસ આઉંગા'. નસીરુદ્દીન શાહનો અભિનય અદભુત હોય અને દિલજીતન દોસાંજનું પર્ફોર્મન્સ ગમી જાય તે તે કંઈ ન્યુઝ નથી. મજા પડે એવી વાત એ છે કે બન્ને યુવા કલાકારો વેદાંગ રૈના અને શર્વરી વાઘે પણ સરસ કામ કર્યું છે. વેદાંગની આગલી બે ફિલ્મો - 'આર્ચીઝ' અને 'જિગરા' - આમ તો 'હાઇ પ્રોફાઇલ' હતી, પણ બન્ને પિટાઈ ગયેલી. રૂપકડો વેદાંગ, અલબત્ત, લાંબી રેસનો ઘોડો છે. એની પાસેથી ઊંચી અપેક્ષા હકથી રાખી શકાય છે. વેદાંગ અને શર્વરી વચ્ચે ઇમ્તિયાઝ અલી ઉપરાંત બીજું કોણ કોમન છે, જાણો છો? આલિયા ભટ્ટ. 'જિગરા'માં વેદાંગ એનો બાઈ બનેલો, અને આગામી 'આલ્ફા' નામની જાસૂસી ફિલ્મમાં શર્વરી આલિયાની કો-એક્ટર છે. 'આલ્ફા'ના ટીઝર-ટ્રેલરનું જે ક્રૂરતાથી ટ્રોલિંગ થઈ રહ્યું છે તે જોઈને શર્વરી ટેન્શનમાં આવી ગઈ હશે. આ ઇન્સ્ટા-તસવીરમાં જોકે શર્વરી અને વેદાંગ બન્ને ખુશખુશાલ દેખાય છે.

મનોજ બાજપાઈ: કળા અને ક્રાઇસિસ

...અને બારમી જૂને રિલીઝ થયેલી ત્રીજી સરસ ફિલ્મ એટલે 'ગર્વનર'. આ બાયોપિકમાં મનોજ વાજપેયીએ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગર્વનર એસ. વેંકટરામનનનો રોલ કર્યો છે. વિપુલ અમૃતલાલ શાહે પ્રોડયુસ કરેલી અને ચિન્મય માંડલેકરે ડિરેક્ટ કરેલી આ ફિલ્મની કોણ જાણે કેમ અપેક્ષિત હવા બની નહીં. બાકી ફિલ્મનો વિષય સાચા અર્થમાં હટ કે અને મહત્ત્વનો છે. ૧૯૯૦માં ભારતમાં પેદા થયેલી આર્થિક કટોકટીનો ઘટનાક્રમ આ ફિલ્મમાં વણી લેવાયો છે. 

એક મિનિટ. ગયા શુક્રવારે ઔર એક હાઇક્લાસ ફિલ્મ રિલીઝ થઈ હતી તે કેવી રીતે ભૂલાય? આ ચોથી ફિલ્મ છે, સ્ટીવન 'એલિયન' સ્પીલપર્ગની, 'ડિસ્ક્લોઝર ડે'!