Magazines

SOCIAL સર્કલ .

By GS TEAM
16 Apr 20262 mins read
SOCIAL સર્કલ                                                    .

દિલ અભી ભરા નહીં થા, આશાતાઈ... 

તો, આશા ભોંસલેએ વિદાય લઈ લીધી, એક ભરપૂર, સમૃદ્ધ જીવન જીવીને. આપણું દિલ ભરાયું નહોતું, આપણું દિલ એમનાં ગીતોથી ક્યારેય ભરાવાનું નહોતું તે હકીકત છે, પણ દરેક વિરાટ પ્રતિભાએ, પ્રત્યેક લેજન્ડે પ્રકૃતિની આમન્યા રાખીને વિદાય લેવી પડે છે. લતા મંગેશકર - મોહમ્મદ રફી - કિશોરકુમાર - મુકેશ અને હવે આશા ભોંસલે... હિન્દી સિનેમાના આ મહાનતમ ગાયક-ગાયિકાઓ  એક્ઝિટ લઈ ચૂક્યાં છે અને તેની સાથે સાચા અર્થમાં એક યુગનો અંત આવી ગયો છે. આશા ભોંસલેના નિધનના સમાચાર આવતાં જ સોશિયલ મીડિયા શ્રદ્ધાંજલિથી છલકાવા લાગ્યું. રણવીર િંસંહ, માધુરી દીક્ષિત, ઉમિલા માતોંડકર સહિત બોલિવુડનાં ગણ્યા ગણાય નહીં એટલા કલાકારોએ એમને ભરપૂર પ્રેમથી યાદ કર્યો. એક તસવીરમાં રેખા મંચ પર આશાતાઈને વહાલથી ચૂમી રહ્યાં છે. રેખા માટે તો આશા ભોંસલેએ કેવાં અદ્ભુત ગીતો ગાયાં છે. 'ઉમરાવ જાન'નાં એક-એકથી ચડિયાતાં ગીતોથી લઈને 'આજકલ પાંવ જમીં પર નહીં પડતે મેરે', 'મેરા કુછ સામાન...'. આવા જ એક બીજા જ જાહેર કાર્યક્રમમાં સોનુ નિગમ મંચ પર રીતસર આશા ભોંસલેના પગ પખાળી રહ્યા છે. ઇસ્ટાગ્રામ પોસ્ટમાં સોનુ લખે છે: 'આશાજી, હું તમને ૧૯૯૪માં પહેલી વાર મળ્યો હતો. ત્યાંથી શરૂ કરીને ડિસેમ્બર ૨૦૨૪માં આપણી છેલ્લી કોન્સર્ટમાં આપણે સાથે ગાયું ને છેલ્લે હજુ ગયાં ગયા વર્ષે જ આપણે બે ડયુએટ ગાયાં... તમારી સંગાથે મેં કરેલી યાત્રા અવિસ્મરણીય છે.'

તબુએ આશાતાઈ સાથેની પોતાની તસવીરો શૅર કરીને લખ્યું છે: 'નવેમ્બર મહિનો ચાલતો હતો, મારો બર્થડે હતો ને હું શું જોઉં છું... મારા ઘરના આંગણે સાક્ષાત્ સૌંદર્ય ઊભું છે! આશાતાઈના હાથમાં ગિટાર હતું, જે એમણે મને ગિફ્ટમાં આપ્યું. તે ગિટાર જિંદગીભર મારી સાથે રહેવાનું છે અને મને આશા છે કે ક્યારેક આપણે સાથે મળીને તે ગિટાર પર તમારાં ગીતો ગાઈશું.' આશા ભોંસલે જેવાં જીવંત વ્યક્તિત્ત્વો આપણે બહુ ઓછાં જોયાં છે. એક વાર તેઓ લેકમે ફેશન વીકમાં મનીષ મલ્હોત્રાનો શો અટેન્ડ કરવા આવેલાં. એમણે ઇચ્છા વ્યક્ત કરી કે મનીષ, મારે પણ એક વાર રેમ્પ વૉક કરવું છે... અને એમણે કર્યું. શું શાનદાર વૉક હતી એ! હાજર રહેલા સૌએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું. મનીષ મલ્હોત્રા લખે છે, 'ફેશન શોમાં કોઈને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હોય તેવું મેં લાઇફમાં તે દિવસે પહેલી વાર જોયું!'

આશા ભોંસલે જેવાં ગાયિકા આપણે પહેલી વાર જોયાં છે... અને છેલ્લી વાર પણ. અલવિદા, આશાતાઈ!