SOCIAL સર્કલ .

ફરહાન અખ્તર મિસ કરે છે હીરોગીરી
ફરહાન અખ્તરને ફુલ ફોર્મમાં જોવાનું કોણ કોણ મિસ કરે છે? (સૌથી પહેલાં તો અમે જ આંગળી ઊંચી કરીએ છીએ.) છેલ્લે ફરહાન છ મહિના પહેલાં બિગ સ્ક્રીન પર '૧૨૦ બહાદૂર' ફિલ્મમાં દેખાયા હતા. ફિલ્મ સારી હતી, પણ કશો જ પ્રભાવ છોડયા વિના વિલીન થઈ ગઈ. થાય, સારી ફિલ્મો સાથે પણ ક્યારેક આવું થાય. ફરહાનના ચાહકોએ, અલબત્ત, ઓટીટી પર આ ફિલ્મ માણી છે. જો હજુ સુધી ન જોઈ હોય તો જોઈ લેવી જોઈએ. થોડા સમય પહેલાં અનુપમા ચોપડાને આપેલા ઇન્ટરવ્યુમાં ફરહાન કહી રહ્યા હતા કે ફિલ્મ પ્રોડયુસ કરવાનું કામ માથાના દુખાવા જેવું છે, બાપા... એના કરતાં તો હીરો બનવું સારું. તમે ફિલ્મનો હીરો હો એટલે બધા તમારું ધ્યાન રાખે, પણ તમે પ્રોડયુસર હો તો તમારે બધાનું ધ્યાન રાખવું પડે. ક્યારની બનું-બનું થઈ રહેલી 'ડોન-થ્રી' ફિલ્મમાંથી રણવીર સિંહે એક્ઝિટ લઈ લીધી તેને કારણે મામલો ખૂબ ડહોળાઈ ગયો છે. પેલી પ્રિયંકા-કેટરીના-આલિયાવાળી પ્રસ્તાવિત રોડ ટ્રિપ મૂવીની પણ ફક્ત વર્ષોથી ફક્ત વાતો જ થઈ રહી છે, અસલમાં કશું થઈ રહ્યું નથી. એનીવે, આ બધા અસ્પષ્ટતાઓ વચ્ચે ફરહાને પોતાની ફિમેલ ડાગી સાથેનો આ ફોટોગ્રાફ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. મસ્ત છે, નહીં?
હરખપદૂડાં મિસ્ટર એન્ડ મિસિસ ચોપડા
અનુપમા ચોપડાનો ઉલ્લેખ થયો તો સાથે સાથે એમની વાત પણ કરી લઈએ. વિવાદાસ્પદ બની ગયેલાં આ સૌમ્ય ફિલ્મ ક્રિટિકે આ મસ્ત ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. કેપ્શનમાં લખ્યું છે - થ્રિલ્ડ ટુ અનાઉન્સ ધેટ વીસી એન્ડ આઈ આર નાઉ ડાગી ગ્રાન્ડપેરેન્ટ્સ! અહીં વીસી એટલે એમના બાહોશ ફિલ્મમેકર પતિદેવ વિધુ વિનોદ ચોપડા. પોતાની પાલતુ ફિમેલ ડાગીએ બચ્ચાં જણ્યાં છે એટલે મિસ્ટર એન્ડ મિસિસ ચોપડાને જાણે સાચે જ નાના-નાની બની ગયાં હોય એટલો હરખ થઈ રહ્યો છે. સ્વીટ!
સમય અને રણવીર: કૂતરાની પૂંછડી કે...
કપિલ શર્માના નેટફ્લિક્સ શોમાં તાજેતરમાં સ્ટેન્ડ-અપ કોમેડિઅન સમય રૈના અને પોડકાસ્ટર રણવીર અહલાબાદિયા જોડીમાં આવ્યા હતા. આ બંને ખૂબ સફળ પણ બદનામ ડિજિટલ ઇન્ફ્લુએન્સર્સે ગયા વર્ષે 'ઇન્ડિયાઝ ગોટ લેટન્ટ' શોને કારણે ભયંકર માર પડયો હતો - જનતા તરફથી, કાનૂન તરફથી, પોલીસતંત્ર તરફથી. સમય અને રણવીર એવા એટિટયુડ સાથે કપિલના શોમાં અને અન્યત્ર એવી રીતે પેશ થાય છે જાણે મોટું સાહસ કરી નાખ્યું હોય, જાણે કોઈ મોટી સિદ્ધિ મેળવી લીધી હોય, જાણે મા-બાપનું રોશન કરી નાખ્યું હોય. આ જોઈને મિશ્ર લાગણી જાગે છે. આપણને થાય કે આ બેય જણા લાજવાને બદલે ગાજે કેમ છે? આમને કંઈ શરમ-બરમ જેવું છે કે નહીં? કે કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી? બીજી બાજુ એવો વિચાર આવે કે, જીવનમાં આટલી મોટી કટોકટી આવી ગઈ, એમના પર આટલું બધું થૂ-થૂ થયું ને આથક-સામાજિક-વ્યાવસાયિક એમ દરેક સ્તરે ખૂબ નુક્સાન ભોગવવું પડયું તો પણ તેઓ તૂટયા નથી. તમામ ઘા ઝીલી લઈને પણ તેઓ હિંમતપૂર્વક આગળ વધી રાખ્યા છે. આ બન્ને શક્યતામાંથી કઈ સંભાવના વધારે બળવત્તર છે? તમને શું લાગે છે?









