SOCIAL સર્કલ .

અર્જુન રામપાલ: ભારત માતા કી.... જય!
આ એ જ અવોર્ડ સમારોહની તસવીર છે, જેમાં અર્જુન રામપાલે આપેલી સ્પીચ અને એના અનુસંધાનમાં લેખિકા- સોશિયલિસ્ટ શોભા ડેએ લખેલા લેખને કારણે બબાલ થઈ ગઈ હતી. હુઆ થા યું કિ 'હેલો! હૉલ ઓફ ફેમ' અવોર્ડઝ ફંક્શનમાં અર્જુન રામપાલે ટ્રોફી સ્વીકાર્યા પછી એવા મતલબની સ્પીચ આપી કે ભાઈ, 'ધુરંધર'માં ભલે હું દુષ્ટ પાકિસ્તાની આઇએસઆઈ હેન્ડલર બન્યો હોઉં, પણ અસલી જીવનમાં હું છું પાક્કો દેશભક્ત. આમ કહીને એણે છેલ્લે 'ભારત માતા કી... જય' એવો નારો લગાવ્યો.
શોભા ડેને આને કારણે તકલીફ થઈ ગઈ. એમણે 'ધ પ્રિન્ટ'માં એક લેખ ઘસડી માર્યો, જેનું ટાઇટલ હતું, 'વ્હાય અર્જુન રામપાલ સેઇંગ ભારત માતા કી જય શુડ વરી બોલિવુડ ઓડિયન્સ'. લેખમાં એમણે લખ્યું કે, હવે તો અવોર્ડ ફંક્શન્સ પણ એક્ટરોની પોલિટિકલ આઇડિયોલોજીના અને રાજકીય વફાદારી દેખાડવા માટેનાં પ્લેટફોર્મ્સ બનતાં જાય છે. અવોર્ડ ફંક્શનમાં કળાને સેલિબ્રેટ કરવાની હોય કે પોતાની રાજકીય વિચારધારાને? આટલું લખીને શોભા ડેએ પાછો એવો કટાક્ષ કર્યો કે, ભવિષ્યમાં ક્યાંક એવી સ્થિતિ ન આવી જાય કે તમામ અવોર્ડ ફંક્શન્સમાં વિજેતાઓએ હાથમાં અવોર્ડ લઈને 'ભારત માતા કી જય' એવો નારો લગાડવો ફરજિયાત કરી દેવામાં આવે!
લો, બોલો. ભારતમાતાનો જયનાદ કરવામાં શો વાંધો કે વિરોધ હોઈ શકે? ભારતમાતા પર કોઈ એક રાજકીય પક્ષનો ઈજારો ક્યારથી થઈ ગયો? શોભા ડેના આ લેખથી વિવાદ થઈ જવો સ્વાભાવિક હતો. આમેય જ્યારથી 'ધુરંધર' પાર્ટ વન ફિલ્મ આવી છે ત્યારથી વિવાદના મધપૂડા એકધારા છંછેડાતા રહ્યા છે. આદિત્ય ધર તો આ બધું નિહાળીને મંદ મંદ મુસ્કુરાતા હશે. વિવાદોએ અને વિરોધીઓએ 'ધૂરંધર' પાર્ટ વન એન્ડ ટુની જેટલી પબ્લિસિટી ફ્રીમાં કરી નાખી છે એટલી તો કરોડો રૂપિયા ખર્ચીને પણ ન થઈ શકી હોત!
જયદીપ અને વિરાટ: જબરા ફેન
જયદીપ અહલાવત આજની તારીખે બોલિવુડ અને ઓટીટીવુડનું તેજસ્વી નામ છે. એક તગડા (શારીરિક કદ અને પ્રતિભા બન્ને રીતે) એક્ટર તરીકે જયદીપની નામના છે અને દેશ-વિદેશમાં એમના લાખો ચાહકો છે. આપણે જેના ફેન હોઈએ તેઓ પણ બીજા કોઈના ફેન હોઈ શકે છે. જેમ કે, જયદીપ જબરા ફેન છે વિરાટ કોહલીના. (સવાલ એ છે કે વિરાટનો ફેન કોણ નથી?) થોડા દિવસો પહેલાં એમણે આ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને નીચે કેમ્પશનમાં લખ્યું કે આઇપીએલ ૨૦૨૬ શરૂ થઈ એના એક જ દિવસ પહેલાંનો આ ફોટો છે. પછી સીધા વિરાટને ઉદ્દેશીને લખ્યું કે, આખરે તમને મળવાનો મોકો મળ્યો ને અદ્ભુત રહ્યો તે અનુભવ. થેન્ક્યુ ફોર યોર ટાઇમ, કેપ્ટન. સ્વીટ!








