યે અંધેરા ઘના છા રહા, તેરા ઇન્સાન ઘબરા રહા...

- સિને મેજિક- અજિત પોપટ
- દો આંખે બારહ હાથ
- 1950 અને 60ના દાયકાના કોઇ પણ ટોચના સંગીતકાર સાથે ખભેખભા મિલાવીને ટટ્ટાર ઊભા રહી શકે એવું સત્ત્વશીલ સર્જન વસંત દેસાઇએ કર્યું છે. છતાં એમની આટલી બધી અવગણના કેમ કરાઇ એ સમજાતું નથી.
છ-સાત વર્ષ થવા આવ્યા એ વાતને. આ લખનારને દૂબઇ અને ત્યારબાદ સલાલાહ (ઓમાન)ની મુલાકાત લેવાની તક મળેલી. જોવાલાયક સ્થળો ને ખાનપાન વચ્ચે એક અનેરો અનુભવ થયો. આ આરબ દેશોની કેટલીક સ્કૂલોમાં મુંબઇમાં બનેલી કેટલીક હિન્દી ફિલ્મોનાં ગીતો રોજ સવારે પ્રાર્થના તરીકે ગવાતાં હતાં. સલાલાહમાં વસતા મિત્ર પાસેથી જાણીને ખરેખર નવાઇ લાગી. એમાંય બે ગીતો તો એક જ સંગીતકારનાં હતાં. બાળકો હોંશે હોંશે ગાતાં હતાં એટલું જ નહીં, પણ ગીતની તર્જ માણતાં મોજથી મસ્તીમાં ડોલતાં હતાં.
સહેજ કલ્પના કરવા જેવું છે. અમે આ વાત જાણી ત્યારે ૨૦૧૮-૧૯ની સાલ હતી, બાળકો જે ગીતો પ્રાર્થના તરીકે ગાતાં હતાં એમાંનું એક તો છેક ૧૯૫૬-૫૭માં રચાયું હતું. આપણે અગાઉ ભવિષ્યવાણી જેવાં કવિ પ્રદીપજીનાં ગીતોની વાત કરેલી. હવે જે ગીતની વાતએ ગીતની વાતથી આરંભ કરીએ છીએ એ ભરત વ્યાસની કલ્પનામાંથી જન્મ્યું હતું. એ પણ જાણે એક ભવિષ્યવાણી હતી.
અહીં એક આડવાત. ગરવા ગુજરાતી ગીતકાર-સંગીતકાર પદ્મશ્રી અવિનાશ વ્યાસ સાથે એમના એક યાદગાર ગીતની વાત ચાલતી હતી. એ ગીત એટલે 'રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યાં રે...' કવિને પ્રશ્ન પૂછેલો કે તમે 'રાખ' શબ્દ કેમ વાપર્યોે? બીજો કોઇ શબ્દ કેમ નહીં? અવિનાશભાઇ હસી પડયા. નાના બાળકને સમજાવતાં હોય એમ કહ્યું કે આપણા હિન્દુ ધર્મમાં મૃતાત્માને અગ્નિસંસ્કાર આપે ત્યારે અંતમાં જે વધે છે એ રાખ હોય છે. એને ધૂળ-માટી-રેતી કે વાલુ કહેવાય નહીં. આપણે ભલે સામાન્ય વાતચીતમાં એમ કહીએ કે માણસ માટીમાંથી જન્મે છે, પરંતુ માટીમાં જાય છે એમ બોલાતું નથી. એટલે રાખનાં રમકડાં... એમનો એ જવાબ સાંભળીને સ્તબ્ધ થઇ જવાયેલું.
ભરત વ્યાસના જે ગીતની વાત કરવી છે એમાં ભગવાન, પ્રભુ, પરમેશ્વર, ઇશ, અલ્લાહ કે ખુદા જેવો શબ્દ કવિએ વાપર્યો નથી. યાદ કરો. શિરડીના સાંઇબાબા કહેતા કે 'સબ કા માલિક એક'. આ ગીતમાં ભરત વ્યાસે 'અય માલિક...' જેવો શબ્દપ્રયોગ કર્યો છે. 'અય માલિક તેરે બંદે હમ, ઐસે હો હમારે કરમ, નેકી પર ચલેં ઔર બદી સે ટલે, તાકી હંસતે હુએ નીકલે દમ... 'આ ગીત સાચા અર્થમાં ધર્મનિરપેક્ષ બન્યું છે એટલે આરબ દેશોમાં કે હજુ હમણાં સુધી પાકિસ્તાનમાં પણ હોંશે હોંશે પ્રાર્થના તરીકે ગવાતું રહ્યું. આતંકવાદી પરિબળો વધુ તાકાતવર બન્યાં ત્યારબાદ પાકિસ્તાનમાં આ ગીતનો વ્યાપ ઓછો થયો. છતાં કેટલીક હિન્દુ સ્કૂલોમાં ગવાય છે એવું પાકિસ્તાનના ગુજરાતી દૈનિક 'વતન'ના પત્રકાર મિત્રના મોઢે સાંભળેલું.
પીઢ ફિલ્મ સર્જક વી. શાંતારામની યાદગાર બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ 'દો આંખેં બારહ હાથ' ૧૯૫૭ના જા્ન્યુઆરીની ચોથીએ રજૂ થયેલી. સ્વાભાવિક છે કે ગીતો પહેલાં રેકોર્ડ થઇ ગયાં હશે. છ-છ દાયકા સુધી આ ગીત સ્કૂલોમાં પ્રાર્થના તરીકે ગવાતું રહ્યું એ આ ગીતનો પ્રભાવ ગણાય. આ ગીતની તર્જ અને ખાસ તો બંગાળી લોકસંગીતમાં વપરાય છે એ લયવાદ્ય ખોલનો એમાં કરાયેલો ખાસ પ્રકારનો ઉપયોગ. આ ગીતમાં સંગીતકારે રાગમાલિકાનો ઉપયોગ કર્યો છે. રાગ બસંત મુખારી, માલકૌંસ અને સિંધ ભૈરવી આમ ત્રણ ત્રણ રાગો વાપર્યા છે. આ ગીતમાં વપરાયેલો તાલ કહેરવા પણ જુદી રીતે અને અલગ વજનથી વાપર્યો છે. ગીત માત્ર કર્ણપ્રિય નહીં, હૈયા સોંસરવું ઊતરી જાય એવું બન્યું છે.
આ અને આવાં બીજાં સંખ્યાબંધ ગીતો આપનારા સંગીતકાર વસંત દેસાઇ વિશે ભારતીય ભાષાઓમાં બહુ ઓછું લખાયું છે. આ લેખકે પત્રકારત્વમાં પદાર્પણ કર્યું એ પછી ત્રણ-ચાર માસમાં વસંત દેસાઇ આ દુનિયા છોડી ગયા એટલે એમને રૂબરૂ મળવાની તક તો ન મળી પણ એમનાં સંગીતે લખનારના મન પર ઊંડી છાપ છોડી છે. હવેના થોડાક એપિસોડ્સ વસંત દેસાઇએ સ્વરાંકિત કરેલાં થોડાં ગીતોનો આસ્વાદ રૂપે રજૂ કરવા છે. આજની પેઢીનાં સંગીતરસિકોને આ નામ કદાચ અજાણ્યું પણ લાગે. જોકે એમણે સર્જેલાં ગીતો અજાણ્યાં નહીં લાગે એની લેખકને પૂરી ખાતરી છે. અહીં સંગીતકારની જીવન ઝરમર નહીં આવે, માત્ર એમણે શુદ્ધ ભારતીય સંગીત પર આધારિત જે યાદગાર ગીતો આપ્યાં એની વાત કરવાની છે. ૧૯૫૦ અને '૬૦ના દાયકાના કોઇ પણ ટોચના સંગીતકાર સાથે ખભેખભા મિલાવીને ટટ્ટાર ઊભા રહી શકે એવું સત્ત્વશીલ સર્જન વસંત દેસાઇએ કર્યું છે. છતાં એમની આટલી બધી અવગણના કેમ કરાઇ એ સમજાતું નથી. એમના અવસાન પછી કેટલાક લોકોએ ખાંખાખોળા કરીને બે ત્રણ પુસ્તકો પ્રગટ કર્યાં ખરાં. એમાં પણ સ્પષ્ટતા કરેલી કે આમાં પ્રગટ થયેલી માહિતી સો ટકા સાચ્ચી જ છે એવો અમારો દાવો નથી. એટલે જ અહીં વસંત દેસાઇની જીવન ઝરમર નહીં પણ એમના સર્જનની વાત કરવાની છે. આટલી સ્પષ્ટતા પૂરતી છે.
પ્રાર્થના તરીકે આજે પણ સ્કૂલોમાં ગવાતું બીજું ગીત પણ વસંત દેસાઇએ સ્વરાંકિત કર્યું છે. ૧૯૭૧માં આવેલી ફિલ્મ ગુડ્ડી માટે ગુલઝારે ગીતો રચેલાં અને સંગીત વસંત દેસાઇનું હતું. એ ગીતના શબ્દો હતા- 'હમ કો મન કી શક્તિ દેના, મન વિજય કરેં, દૂસરોં કી જય સે પહલે અપની જય કરેં...' છ માત્રાના દાદરા તાલમાં અને પ્રાર્થના કે ભક્તિગીતો માટે જાણીતા રાગ કેદારમાં આ ગીત છે. કેટલીક વેબસાઇટ પર આ ગીતનો ઉલ્લેખ જ પ્રાર્થના તરીકે કરાયો છે. ગુલઝારે ભગવદ્ગીતાના શબ્દોનો સાર આ ગીતમાં ઠાલવી દીધો છે. આવતા શુક્રવારથી વસંત દેસાઇએ સ્વરાંકિત કરેલાં ગીતોનો આસ્વાદ માણીશું.









