નીલ ગગન ભી સુનકર ઝૂમે મધુર મધુર ઝંકાર...

- ઝનક ઝનક પાયલ બાજે ફિલ્મમાં કોઇ પ્રસિદ્ધ અભિનેતાને બદલે કથક નૃત્યવિદ્ ગોપીકૃષ્ણને હીરો તરીકે લેવામાં આવેલા. ટોચના સમીક્ષકોએ ફિલ્મની સફળતા વિશે શંકા વ્યક્ત કરેલી. જોકે ફિલ્મ જબરદસ્ત સફળતાને વરી.
- આ ૧૯૩૦ના દાયકાના ઉત્તરાર્ધથી શરૂ કરીને લગભગ સાડા ત્રણ દાયકા સુધીના વી. શાંતારામ સાથેના સહવાસમાં સંગીતકાર વસંત દેસાઇએ માત્ર એકવાર ફિલ્મ સર્જક સાથે તડજોડ કરવી પડેલી. દેશ આઝાદ થયા પછી પહેલીવાર શાંતારામે ભારતીય ક્લાસિકલ ડાન્સ આધારિત કથા ધરાવતી અને આઝાદ ભારતની પહેલી ટેકનિકલર ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે' બનાવેલી. આ ફિલ્મ, એના કલાકારો, એનું સંગીત અને એની સફળતા દરેક બાબતે ફિલ્મ બોલિવુડના ઇતિહાસમાં મહત્ત્વનું સોપાન બની રહેલી. તડજોડની વાત આ રહી.
પોતાની પહેલવહેલી રંગીન ફિલ્મના ટાઇટલમાં શાંતારામને એવું સંગીત જોઇતું હતું જે ઉત્સાહવર્ધક હોય, થોડેક અંશે આક્રમક હોય. અનેરા તરવરાટ અને થનગનાટથી ઝૂમતું હોય. વસંત દેસાઇએ ફિલ્મના ટાઇટલ માટે જે તર્જ બનાવેલી એ ખૂબ સરસ હતી, પરંતુ ઉત્સાહવર્ધક નહોતી. સૌમ્ય અને વસંત ઋતુનો મહિમા કરે એવી હતી. રાગ વસંત પર આધારિત હતી. શાંતારામને કંઇક જુદું જોઇતું હતું. શાંતારામે વસંત દેસાઇને કહ્યું કે ફલાણે દિવસે વાદ્ય વૃન્દને તૈયાર રાખજો. આપણે ટાઇટલ ગીતનું રેકોડગ કરીશું. વસંત દેસાઇએ પોતે તૈયાર કરેલું ટાઇટલ ગીત લતા મંગેશકર, ગાયક સંગીતકાર હેમંત કુમાર અને કોરસ પાસે ગવડાવવાની તૈયારી રાખેલી. રેકોડગના દિવસે શાંતારામ બાપુ લિવિંગ લેજન્ડ ક્લાસિકલ સિંગર ઉસ્તાદ અમીર ખાનને લઇને આવ્યા અને કહ્યું કે ટાઇટલ ગીત ઉસ્તાદજી ગાશે.
જોકે વસંત દેસાઇના ચહેરા પરની અકળામણ અને ખિન્નતા ઉસ્તાદજી પારખી ગયા. એમણે સમજાવટના સૂરે વસંત દેસાઇને કહ્યું, 'ફિલ્મ કે સંગીતકાર આપ હૈં. આપ અપની બંદિશ મુઝે સુનાઇયે.' વસંત દેસાઇએ પોતાની રાગ વસંત પરની બંદિશ સંભળાવી. ઉસ્તાદજીએ એ બંદિશને સારા શબ્દોમાં બિરદાવી. પછી વસંત દેસાઇને સમજાવતાં કહ્યું, 'શાંતારામજીને ટાઇટલ ગીતમાં કશુંક થનગનતું જોઇએ છે. એક તરફ ફિલ્મના કલાકારો અને કસબીઓનાં નામ પરદા પર આવતાં જાય, એની સાથોસાથ તરવરાટ ભરેલું ટાઇટલ ગીત પાર્શ્વભૂમાં વાગે એવી એમની કલ્પના છે. તમને વાંધો ન હોય તો હું કંઇક સૂચવું.' વસંત દેસાઇએ હા પાડી. ઉસ્તાદજીએ વાદ્ય વૃન્દને અને ખાસ તો તબલાં પર બેઠેલા કલાકારને પોતાનો વિચાર સમજાવ્યો.
આ વાત થોડી ટેકનિકલ છે. સંગીત જાણનારા વાચકોને એમાં વધુ આનંદનો અનુભવ થશે. ક્લાસિકલ સંગીતમાં લગભગ તમામ ગાયન-વાદનમાં વપરાતો સોળ માત્રાનો એક લોકપ્રિય તાલ છે. એને તાલ તીનતાલ કહે છે. તબલાં પર એક ખાસ ટુકડા (તિહાઇ એટલે કે ત્રણવાર વાગે) દ્વારા તાલ શરૂ થાય. તાલની પહેલી છ માત્રા પૂરી થાય કે તરત સાતમી માત્રાથી ઉસ્તાદજી ગાવાનું શરૂ કરે. તબલાં પર ઘણું કરીને ગુદઇ મહારાજ એટલે કે પંડિત સામતા પ્રસાદસમજી હતા. એ ઉસ્તાદજીનો આ ચમત્કૃતિ ભરેલો વિચાર સમજી ગયા. ઉસ્તાદજીએ પ્રાચીન ઘરાનેદાર એક બંદિશ યાદ કરી- 'ગગરી મોરી નાહિં ભરન દેત, જમુના કિનારે કંકરીયાં મારે...' એ બંદિશ પરથી હસરત જયપુરીના શબ્દોનું સંયોજન કરીને આ ગીતનો ઉપાડ કર્યો.
છેલ્લાં સેંકડો વરસોથી યુદ્ધોમાં ભાટચારણો દ્વારા સૈન્યને પાનો ચડાવવા જે રૌદ્ર રૂપના રાગનો ઉપયોગ થતો આવ્યો છે એ રાગ અડાણામાં આ બંદિશ ઉત્સાદજીએ એવી અુત રીતે ગાઇ કે હાજર રહેલા સૌ સ્તબ્ધ થઇ ગયા. વસંત દેસાઇના તો રૂંવાડાં ખડાં થઇ ગયાં. આજે પણ આ ગીત સાંભળો અને ભારતીય સંગીતની થોડીક સમજ હોય તો રૂંવાડાં ખડાં થઇ જાય. (યોગાનુયોગે વી. શાંતારામજીના જમાઇ અને ક્લાસિકલ સંગીતના ટોચના ગાયક પંડિત જસરાજજી આ રાગમાં માતા કાલિકા.. શબ્દો ધરાવતી સ્તુતિ ગાતા. એની બંદિશ સાણંદના રાજવી યોગીપુરુષ જસવંતરાયજીએ બનાવેલી.)
'ઝનક ઝનક પાયલ બાજે' ફિલ્મ ઘણી રીતે અનોખી હતી. ટેકનિકલર તો હતી જ. ઉપરાંત અહીં કોઇ પ્રસિદ્ધ અભિનેતાને કથાનાયક તરીકે લેવાયા નહોતા. કથક નૃત્યવિદ્ ગોપીકૃષ્ણને હીરો તરીકે લીધેલા. પોતાને ટોચના સમીક્ષક માની બેઠેલા કેટલાક લોકોએ આ ફિલ્મની સફળતા વિશે શંકા વ્યક્ત કરેલી. જોકે ફિલ્મ જબરદસ્ત સફળતાને વરી એટલું જ નહીં, મુંબઇના ઓપેરા હાઉસ થિયેટરમાં પચાસ અઠવાડિયાંથી વધુ સમય ચાલી અને સુવર્ણ જયંતી ઊજવી. આ ફિલ્મ ક્લાસિકલ ડાન્સ કથક પ્રધાન હતી. ફિલ્મમાં કથક નૃત્ય અને રોમાન્સ બંનેનો કલાત્મક સમાવેશ કરાયો હતો.
કથા સાવ સરળ હતી. નૃત્યગુરુ મંગલજી પોતાના પુત્ર ગિરિધરને એક નૃત્યસ્પર્ધામાં વિજેતા બનાવવા ઇચ્છે છે. એ માટે ગિરિધર સાથે નૃત્ય કરી શકે એવી યુવતીની શોધમાં છે. પોતાને ડાન્સર સમજતી એક નીલાનો પરિચય થતાં ગુરુજી એને તાલીમ આપવા સંમત થાય છે. એક શ્રીમંત આદમી નામે મણીલાલ નીલા સાથે પરણવા માગે છે એટલે આ બંનેના કામમાં રોડાં નાખે છે. બંને પક્ષે થોડી ગેરસમજ થાય છે. જોકે આખરે નીલા અને ગિરિધર સ્પર્ધા જીતે છે. ગુરુજી બંનેના પ્રેમને કાયદેસર રીતે માન્યતા આપે છે. નૃત્ય અને સંગીત કથાનો પ્રાણ હોવાથી અહીં દસ-બાર ગીતો હતાં.
વિજય ભટ્ટની 'બૈજુ બાવરા'માં સંગીતકાર નૌશાદે જેમ એક પછી એક રાગના ઉપયોગથી સંગીતને દમદાર બનાવેલું એમ અહીં વસંત દેસાઇએ લગભગ દરેક ગીતને જુદા જુદા રાગમાં સ્વરાંકિત કરીને ધૂમ મચાવી હતી. અહીં એ ફિલ્મનાં થોડાંક ગીતોનો આસ્વાદ માણીએ.
ટાઇટલ ગીતની વાત આપણે કરી. પહેલીવાર ઉસ્તાદ અમીર ખાન અને બીજીવાર હેમંત કુમાર, લતા મંગેશકર અને કોરસ દ્વારા ટાઇટલ ગીત રજૂ થયેલું. જોકે ઉસ્તાદ અમીર ખાનવાળા વર્ઝનને વધુ લોકપ્રિયતા મળેલી એ સમજી શકાય એવી વાત છે. ઉસ્તાદ અમીર ખાનસાહેબે જે જે ફિલ્મમાં પોતાનો કંઠ આપ્યો એ બધાં ગીતો હિટ નીવડયાં છે. અહીં ગીતનો લય રાગને ધ્યાનમાં રાખીને થોડો જલદ એટલે કે ફાસ્ટ રાખેલો અને વચ્ચે વચ્ચે ઉસ્તાદજી સરગમ અને તાનબાજી દ્વારા ગીતને વધુ આસ્વાદ્ય બનાવતા રહેલા. રસપ્રદ વાત તો એ કે ક્લાસિકલ સંગીતની બેઠકોમાં અને સંગીત મહોત્સવોમાં અવારનવાર ઉસ્તાદજીને આ ફિલ્મગીત ગાવાની ફરમાયેશ થતી અને ઉસ્તાદજીએ ગાવું પડતું.
પાછળથી ઉસ્તાદજીએ લતા અને હેમંતકુમાર સાથે 'ઔર એક ગીત મુરલી મનોહર કૃષ્ણ કનૈયા, જમુના કે તટ પે બિરાજે હૈં...' ગીતમાં પણ પોતાનો કંઠ આપેલો. કૃષ્ણલીલા પર આધારિત આ ગીત ગીતકાર દિવાન શરારે રચેલું. પરદા પર એક તરફ કથક નૃત્યના ટુકડા અને બીજી તરફ આ ગાયને ઓડિયન્સને રીતસર મંત્રમુગ્ધ કરી દીધેલું. (ક્રમશઃ)








