તેરે સૂર ઔર મેરે ગીત, દોનોં મિલકર બનેગી પ્રીત...

- સિને મેજિક-અજિત પોપટ
- તેરે સૂર ઔર મેરે ગીત, દોનોં મીલકર બનેગી પ્રીત... આ ગીતના અંતરામાં ભરત વ્યાસે કમાલ કરી હતી. નાયિકા કહે છે, મુઝ સે અગર દૂર જાઓગે તુમ, મુઝ સે અગર રૂઠ જાઓગે તુમ, મેરી મુહબ્બત મેં તાસીર હૈ, (તો) ખીંચકર મેરે પાસ આઓગે તુમ... મારા પ્રેમમાં પ્રમાણિકતા યા સચ્ચાઇની શક્તિ હશે તો તમે આપોઆપ મારી પાસે પાછા આવી જશો...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ જેમની રામરાજ્ય ફિલ્મ પૂરેપૂરી જોયેલી એ ફિલ્મ સર્જક વિજય ભટ્ટે ૧૯૫૦ના દાયકામાં બે સંગીત પ્રધાન ફિલ્મો આપી. પહેલી બૈજુ બાવરા (૧૯૫૨) અને બીજી ગૂંજ ઊઠી શહનાઇ (૧૯૫૯). બંને ફિલ્મોમાં ભારતીય ક્લાસિકલ મ્યુઝિકનો મહિમા રજૂ થયો અને બંને સુપરહિટ નીવડી. એનો અર્થ સ્પષ્ટ છે કે જેમને ક્લાસિકલ સંગીત નથી આવડતું એવા સંગીત રસિકો પણ ક્લાસિકલ સંગીત પર આધારિત ફિલ્મો માણી શકે છે. દરેક વ્યક્તિને રાગરાગિણીનું જ્ઞાન ન હોય એ સમજી શકાય એવી વાત છે. પરંતુ આપણા ફિલ્મ સંગીતકારોએ જુદા જુદા રાગરાગિણી પર આધાર રાખીને સુગરકોટેડ ટેબ્લેટની જેમ અત્યંત ગીતોની બંદિશો સરળ બનાવી. એનું પરિણામ એ આવ્યું કે એવરેજ ફિલ્મ રસિક પણ કેટલાક રાગરાગિણીને ઓળખતો થઇ ગયો. એટલે જ યુગસર્જક ક્લાસિકલ સિંગર ઉસ્તાદ અમીર ખાન કહેતા કે અમે વરસો સુધી રિયાઝ કર્યો છતાં ઘણીવાર અમે મહેફિલમાં જે તે રાગની હવા સર્જી શકતા નથી. બીજી બાજુ આ ફિલ્મ સંગીતકારો અઢી ત્રણ મિનિટના ગીતમાં તમારી સમક્ષ રાગને ખડો કરી દે છે. એટલે હું (ઉસ્તાદ અમીર ખાન) ફિલ્મ સંગીતકારોને અવતારી પુરુષો માનું છું.
ફિલ્મનું ટાઇટલ સૂચવે છે એમ ગૂંજ ઊઠી શહનાઇ મંદિરો અને દહેરાંસરોમાં વાગતા ચૌઘડિયાંમાં વપરાતા લોકવાદ્ય શરણાઇની વાત લઇને આવેલું. એક અનાથ બાળકને પ્રખર સંગીતજ્ઞા પોતે ગાઇને આ વાદ્ય પર એ ગાયનને ઊતારવાની તાલીમ આપે છે. ત્યારબાદ પ્રણય ત્રિકોણ સર્જાય છે. નાયક જેને ચાહે છે એને સહેલાઇથી પ્રાપ્ત કરી શકતો નથી એટલે શરાબના રવાડે ચડી જાય છે. કથાના ક્લાયમેક્સમાં પ્રિય પાત્ર સાથે નાયકનું મિલન થાય છે. બૈજુ બાવરા ફિલ્મમાં નાયક નાયિકા પૂરથી ઊભરાતી નદીમાં ગરક થઇ જતાં દેખાડેલાં. અહીં બંનેનું મિલન થાય છે. બંને ફિલ્મો વચ્ચે એટલો ફરક રહ્યો.
નાયક તરીકે જ્યુબિલી કુમારના હુલામણા નામે જાણીતો રાજેન્દ્ર કુમાર હતો. બે નાયિકા તરીકે અમિતા અને અનિતા ગૂહા હતી. રમૂજ અને અવરોધ રૂપે કોમેડિયન આઇ એસ જોહર હતા. ગીતો ભરત વ્યાસનાં અને સંગીત વસંત દેસાઇનું હતું. અહીં પણ સંગીતકારે લગભગ બધાં ગીતો રાગ આધારિત બનાવેલાં અને છતાં મબલખ કામિયાબી મળેલી. ફિલ્મ રજૂ થયાનાં વરસો પછી પણ ગીતો લોકજીભે રમતાં રહ્યાં. અહીં બે નહીં, ત્રણ ધુરંધરોની કલા માણવા મળેલી. ગુરુજી પોતે ગાઇને શિષ્યને શરણાઇ પર એ ગાયન ઊતારતાં શીખવે છે એવાં દ્રશ્યોમાં ઉસ્તાદ અમીર ખાનના કંઠે રાગરાગિણી રજૂ થયા અને એને ઉસ્તાદ બિસ્મીલ્લા ખાને શરણાઇ પર છેડયા. આ પહેલી જુગલબંધી. ફિલ્મની કથા આગળ વધે છે ત્યારે શરણાઇ અને સિતારની જુગલબંધી સંભળાય છે એ સિતાર ઉસ્તાદ અબ્દુલ હલીમ જાફરખાને છેડી હતી. (એ દિવસોમાં ઉસ્તાદ બિસ્મીલ્લા ખાન અને ઉસ્તાદ વિલાયત ખાનની શરણાઇ-સિતારની જુગલબંધીના કાર્યક્રમો દેશનાં વિવિધ શહેરોમાં બહુ થતા.)
શૃંગાર રસ પ્રધાન રાગ બિહાગમાં છ માત્રાના તાલ દાદરામાં એક અત્યંત હૃદયસ્પર્શી પ્રણયગીત રજૂ થાય છે. મુહમ્મદ રફી અને લતાએ ગાયેલા એ ગીતનું મુખડું હતું- તેરે સૂર ઔર મેરે ગીત, દોનોં મીલકર બનેગી પ્રીત... આ ગીતના અંતરામાં ભરત વ્યાસે કમાલ કરી હતી. નાયિકા કહે છે, મુઝ સે અગર દૂર જાઓગે તુમ, મુઝ સે અગર રૂઠ જાઓગે તુમ, મેરી મુહબ્બત મેં તાસીર હૈ, (તો) ખીંચકર મેરે પાસ આઓગે તુમ... મારા પ્રેમમાં પ્રમાણિકતા યા સચ્ચાઇની શક્તિ હશે તો તમે આપોઆપ મારી પાસે પાછા આવી જશો...
આપણા સંગીતમાં માંઝ ખમાજ નામનો એક રાગ છે. કેટલાક વિદ્વાનોના મતે આ રાગ સિતાર સમ્રાટ પંડિત રવિશંકરે રચ્યો હતો. અન્ય વિદ્વાનોના મતે આ રાગ સિતારના સઘન અભ્યાસી પંડિત નિખિલ બેનરજીએ રચ્યો હતો. બંને કલાકારો મૈહર ઘરાનાના ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના શિષ્યો હતા. ખેર, આપણે એ મલ્લીનાથીમાં ન પડીએ. આ રાગ માંઝખમાજમાં ઔર એક અદ્ભુત પ્રણયગીત મળે છે. ફરી એકવાર મુહમ્મદ રફી અને લતાજી. જીવન મેં પિયા તેરા સાથ મિલે હાથોં મેં મેરે તેરા હાથ મિલે.... અહીં થોડી ફાસ્ટ લયમાં તાલ કહેરવો વાપર્યો છે. પરંતુ તાલનો ઉપયોગ એવી રીતે થયો છે કે ગીત રજૂ થાય ત્યારે ઓડિયન્સને પણ બેઠક પરથી ઊઠીને નાચવાનું મન થાય.
સંગીતના (શરણાઇના) સૂરે પ્રણયને વધુ ઘટ્ટ બનાવવા ઔર એક પ્રણય ગીત ઉમેરાયું. લતા અને રફીના કંઠે રજૂ થયેલા આ ગીતમાં સાતેસાત સ્વરો શુદ્ધ હોય એવા રાગ બિલાવલ ઉપરાંત રાગ પહાડીની છાંટ હતી. લચકદાર ખેમટા તાલમાં ફરી એકવાર ઓડિયન્સ ઝૂમી ઊઠે એવી તર્જ હતી.
અહીં એક આડવાત. બિસ્મીલ્લા ખાન એટલે મહેફિલનો જીવ. આ ફિલ્મ બનતી હતી ત્યારે વિજય ભટ્ટનો એક સ્ટુડિયો મુંબઇમાં ગામદેવી વિસ્તારમાં હતો. રોજ રાત્રે ત્યાં બિસ્મીલ્લા ખાનની મહેફિલ જામતી અને ફિલ્મ સંગીતના ધુરંધરો તેમજ ક્લાસિકલ સંગીતના ચાહકોની ભીડ જામતી. મહેફિલની પૂર્ણાહુતિ બિસ્મીલ્લા ખાન ભૈરવી રાગિણીની એક ધૂન દ્વારા કરતા. મજાની વાત એ બની કે શંકર જયકિસન ફેમ જયકિસનને આ ધૂન ગમી ગઇ. એણે પોતાની એક ફિલ્મના ગીત માટે આ ધૂન વાપરવાની તૈયારી કરી. વિજય ભટ્ટને આ માહિતી મળતાં તેમણે જયકિસનને સંદેશો મોકલ્યો કે આ ધૂન અમે ગૂંજ ઊઠી શહનાઇમાં વાપરવાના છીએ. એટલે તમે પ્લીઝ નહીં વાપરતા. જયકિસને ખેલદિલીથી એ વિનંતિ સ્વીકારી લીધી. એ ધૂન એટલે લતાએ ગાયેલું દિલ કા ખિલૌના હાય તૂટ ગયા, કોઇ લૂટેરા આ કે લૂટ ગયા... ઉસ્તાદ અમીર ખાનને મ્યુઝિક કોન્ફરન્સીસમાં ઝનક ઝનક પાયલ બાજેનું ગીત ગાવાની ફર્માયેશ થતી એમ બિસ્મીલ્લા ખાનને ભૈરવીની આ ધૂન સંભળાવવાની ફર્માયેશ ઠેર ઠેર થતી. પ્રણય હોય ત્યાં મિલનની સાથે જુદાઇ પણ આવે. દિલ કા ખિલૌના.. ગીત વિરહપ્રધાન હતું। ઔર એક અલૌકિક વિરહપ્રધાન ગીત મુહમ્મદ રફીના કંઠે રજૂ થયેલું. ક્લાસિકલ સંગીતના ચાહકોએ એક કરતાં વધુ ધુરંધર કલાકારોના કંઠે એક ઠુમરી અચૂક સાંભળી હશે પિયા કે મિલન કી આશ... અત્યંત કરુણ સ્વરો ધરાવતી આ ઠુમરી રાગ જોગિયા પર આધારિત છે. આ ઠુમરીની બંદિશ અને તાલને એઝ ઇટ ઇઝ રાખીને વસંત દેસાઇએ અહીં એક ગીત આપ્યું- કહ દો કોઇ ના કરે યહાં પ્યાર, ઇસ મેં ખુશીયાં હૈ કમ, બેસુમાર હૈ ગમ, એક હસીં ઔર આંસુ હજાર...
વિરહ તો બંને નાયિકાને નડે ને ! એટલે બે નારી કંઠે એક ગીત રજૂ થયું. અંખિયાં ભૂલ ગયી હૈ સોના, દિલ પે હુઆ હૈ જાદુ ટોના.... અહીં સંગીતકારે રાગમાલિકા જેવો પ્રયોગ કર્યો છે. લતા મંગેશકર અને ગીતા દત્તે ગાયેલા આ ગીતમાં રાગ ભીમપલાસી, કાફી અને ધાની ત્રણેનો ત્રિવેણીસંગમ કરીને તર્જ તૈયાર કરી છે. સીધાસાદા કહેરવા તાલમાં ગીત વહ્યે જાય છે. ઓડિયન્સ ગમગીન થઇ જાય એવી અસર આ ગીતમાં હતી.
છેલ્લું ગીત પણ લતા અને રફીના કંઠે ગૂંજ્યું. કેટલાક વાંકદેખા સમીક્ષકોએ એ ગીતને સંગીતકાર નૌશાદના એક ગીતની નકલ ગણાવી દીધું. નૌશાદનું ગીત કે એલ સાયગલના કંઠે રજૂ થયેલું- ગમ દિયે મુસ્તકિલ કિતના નાજુક હૈ દિલ, યે ન જાના, હાય હાય યે જાલીમ જમાના... વસંત દેસાઇએ રજૂ કરેલું ગીત એટલે તેરી શહનાઇ બોલે, સુનકર દિલ મેરા ડોલે, જુલમી કાહે કો સુનાયે ઐસી તાન રે... બંને ગીતના સ્વરોમાં થોડું સામ્ય છે પરંતુ નકલ તો નથી જ. આપણે એ મલ્લીનાથીમાં પડવું નથી.
ફિલ્મ સંગીત પ્રધાન હતી અને ૧૯૫૯માં સૌથી વધુ આવક ધરાવતી ફિલ્મોમાં એનો પાંચમો ક્રમ હતો. સોંઘવારીના એ જમાનામાં બ્લેક એન્ડ વ્હાઇટ હોવા છતાં આ ફિલ્મે એક કરોડ એંસી લાખનો બિઝનેસ કર્યો હતો. ફિલ્મ સાથે સંકળાયેલા તમામ કલાકારકસબીને જબરદસ્ત યશ મળ્યો હતો.









