Magazines

એ હીરા કે જે ખાસ ચમક્યા નહીં... રાહુલ રોય અને કુમાર ગૌરવ

By GS TEAM
14 May 20267 mins read
એ હીરા કે જે ખાસ ચમક્યા નહીં... રાહુલ રોય અને કુમાર ગૌરવ

દાસ્તાન-એ-સિનેમા

- કુમાર ગૌરવ ૧૯૮૧માં ફિલ્મ 'લવ સ્ટોરી'ની રિલીઝ બાદ રાતોરાત છવાઈ ગયો હતો, જ્યારે રાહુલ રોય ૧૯૯૦માં ફિલ્મ 'આશિકી' સાથે ઘરે ઘરે જાણીતો બન્યો હતો. આ બંને સિતારાઓને એક જ ફિલ્મ સાથે સુપરસ્ટાર જેવી જ પ્રસિદ્ધિ મળી ગઈ, પણ તે લાંબી ચાલી નહીં. એક પછી એક ફ્લોપ પ્રોજેક્ટ્સના કારણે બંને હાંસિયામાં ધકેલાયા. આજે કુમાર ગૌરવનાં ઠામઠેકાણાં વિશે કોઈ જાણતું નથી, જ્યારે રાહુલ રોય સામાન્ય ઈન્સ્ટાગ્રામ ઈન્ફ્લુએન્સર્સ સાથે રીલ બનાવતો સૌની નજરમાં આવ્યો અને ખૂબ ટ્રોલિંગનો શિકાર થયો છે ત્યારે એક નજર આ બંને 'વન હિટ વંડર'ની કહાણી પર... 

- શિયલ મીડિયા આવ્યા બાદ એક શબ્દ સૌથી વધુ સાંભળવા મળ્યો તો તે છે, ટ્રોલિંગ. આ શબ્દ વિશે આપણે ક્યારેય ખૂલીને વાત નથી કરતા, કારણ કે તેને ટીકાનું જ એક રૂપ માની લેવામાં આવ્યું છે. વાસ્તવમાં ટીકા અને ટ્રોલિંગ વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. જો ટીકાને ગંભીરતાથી લેવામાં આવે તો તે વ્યક્તિના ઘડતરનું કામ કરે છે. આપણે કોઈની ટીકા કરીએ ત્યારે માનીએ છીએ કે, સામેના વ્યક્તિનું ચોક્કસ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ. તે વ્યક્તિ માપદંડ પર ખરી ઉતરે તેની આપણને ચિંતા છે ત્યારે, આપણે તેની ભૂલ સુધારવા મથી રહ્યા છીએ. એક લેખકને પ્રામાણિક ટીકા મળે તો તે કંઈક શીખે છે. અભિનેતા ટીકાનો ઉપયોગ પોતાની એક્ટિંગમાં ધાર લાવવા કરે છે. કોઈ બિઝનેસમેન ટીકાનો ઉપયોગ પોતાના બિઝનેસને મજબૂત કરવા માટે કરે છે. ભલે પહેલી નજરે ડંખતી પણ ટીકા એક આદરનું રૂપ હોય છે. તે કહે છે કે, મે તમને એટલા ગંભીરતાથી લીધા છે કે, હું તમારા સ્તર વિશે એક અભિપ્રાય રાખું છું. 

બીજી તરફ છે, ટ્રોલિંગ. ટ્રોલિંગ એ ટીકાના વેશમાં જાહેર અપમાન છે. ક્રૂરતા છે. ટ્રોલ કરનાર ક્યારેય એવું ના વિચારે કે, મારો નિર્ણય સમજદારીભર્યો હતો કે નહીં. તેને તો એટલી જ ચિંતા હોય છે કે, આ વ્યક્તિને મે નાનપનો અનુભવ કરાવ્યો કે નહીં? એને નીચો પાડયો કે નહીં? સામાન્ય રીતે ટ્રોલિંગ એવી જ વ્યક્તિ કરે કે જે પોતે નબળી સ્થિતિમાં હોય. તેની પોતાની કોઈ ખાસ સિદ્ધિ ન હોય. તે પોતાના જેવા જ અન્ય નબળા વ્યક્તિઓનો સહારો લઈને બીજાને ખરાબ ફીલ કરાવે. 

તાજેતરમાં આવા જ ટ્રોલિંગનો શિકાર હિંદી ફિલ્મ કલાકાર રાહુલ રોય બન્યો. રાહુલ રોય કે જે એક સમયે એક આખી જનરેશનની કોલેજિયન કન્યાઓનો ક્રશ હતો. તેના જેવી હેરસ્ટાઈલ કરાવવા માટે વધુ રૂપિયા ચુકવવા પડતા. તેને ફિલ્મમાં ગિટાર વગાડતો જોઈને ઘણાને ગિટાર શીખવાનો ચસ્કો લાગ્યો હતો. આ જ રાહુલ રોય એક સામાન્ય કોન્ટેન્ટ ક્રિએટર સાથે પોતાના જૂના હિટ ગીતોની રીલમાં જોવા મળ્યો. આ રીલ એટલી હદે વાયરલ થઈ કે, તેના સાચા ફેન્સે ચિંતા વ્યક્ત કરી, જ્યારે કેટલાકે તેને ટ્રોલ કર્યો. ટ્રોલિંગનો શિકાર બન્યા બાદ છેવટે રાહુલ રોયે કહેવું પડયું, 'હું મારું કામ પ્રામાણિકતાથી કરી રહ્યો છું. મારે કેટલાક કાયદાકીય ખર્ચા ચૂકવવાના છે. આ આજની વાત નથી. મને બ્રેઈન સ્ટ્રોક થયો તે પહેલાંની આ વાત છે. જો તમે મારી સાદગી, પરિસ્થિતિ અથવા સંઘર્ષની મજાક ઉડાવી રહ્યા છો તો તે મારા વિશે ઓછું અને તમારા વિશે વધુ કહે છે. બ્રેઇન સ્ટ્રોક પછી મારા માટે સક્રિય રહેવું મહત્ત્વપૂર્ણ છે. હું જીવું છું ત્યાં સુધી કામ કરવા માગું છું. એવું કામ કે જે મારા મગજને સક્રિય રાખે અને મને જવાબદારીનો અહેસાસ કરાવે.' 

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'એલઓસી ઃ લીવ ધ બેટલ'ના શૂટિંગ દરમિયાન રાહુલ રોયને બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેના થોડા સમય બાદ તેને એફિસિયા (બોલવામાં તકલીફ) હોવાનું નિદાન થયું હતું. તે સમયે સલમાન ખાને તેના હોસ્પિટલનાં બિલો ભરવામાં મદદ કરી હતી, પરંતુ આ પહેલાંના તેના અનેક કાનૂની ખર્ચનાં બિલ માટે તે હાલ સંઘર્ષ કરી રહ્યો છે. જ્યારે ૧૯૯૦ તેની ફિલ્મ 'આશિકી' રિલીઝ થઈ ત્યારે તેને સુપરસ્ટાર માની લેવામાં આવ્યો હતો. આવું જ કુમાર ગૌરવ સાથે થયું હતું. તેનેી૧૯૮૧માં રિલીઝ થયેલી ફિલ્મ 'લવ સ્ટોરી' તે સમયે ચર્ચાસ્પદ અને સફળ રહી હતી, પરંતુ સમય જતાં આ બંને સ્ટાર્સ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી ફેકાઈ ગયા. 

'જ્યુબિલી કુમાર'નો પુત્ર કુમાર ગૌરવ 

૧૯૬૦ના દાયકામાં રાજેન્દ્રકુમાર હિન્દી સિનેમાના સૌથી મોટા સિતારાઓમાંના એક હતા. તેમની દરેક ફિલ્મ ઓછામાં ઓછી ૨૫ અઠવાડિયાં સુધી થિયેટરોમાં ચાલતી હોવાથી તેમને 'જ્યુબિલી કુમાર'નું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તેમણે આ કક્ષાની સફળતા પુત્રને પણ મળે તેના માટે તમામ પ્રયત્નો  કર્યા. તેમણે પુત્ર માટે ફિલ્મ પ્રોડયુસ કરી, સહાયકની ભૂમિકા ભજવી અને પુત્રને સ્ટાર તરીકે ઘડવા માટે રાહુલ રવૈલ જેવા યુવા ડિરેક્ટરની પસંદગી કરી. મ્યુઝિક ડિરેક્ટર તરીકે આર. ડી. બર્મનની પસંદગી કરી. તેમની યોજના કામ કરી ગઈ. ૧૯૮૧માં રિલીઝ થયેલી 'લવ સ્ટોરી' કુમાર ગૌરવ માટે અભૂતપૂર્વ સફળતા લઈને આવી. 

કુમાર ગૌરવે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, 'હું દિલ્હીમાં પ્રીમિયર માટે થિયેટરની અંદર ગયો. ત્યાં સુધી બધું બરાબર હતું. જેવો, હું બહાર આવ્યો કે લોકો મારા હાથ ખેંચવા લાગ્યા. કોઈ મારાં કપડાં ખેંચતા હતા, ફીમેલ ફેન્સ મને પકડવાનો પ્રયાસ કરતી હતી, કોઈ હાથ મિલાવવા પડાપડી કરતું હતું. ફોટોગ્રાફર્સ તો જાણે પાગલ થઈ ગયા હતા. તે સમયે મને સમજાતું નહોતું કે મારી સાથે આ શું થઈ રહ્યું છે...'

આ સફળતા કદાચ એટલા માટે પ્રાપ્ત થઈ કે, આ ફિલ્મમાં એવું બધું જ હતું જે તે સમયની જનરેશનને જોઈતું હતું. કાશ્મીરનાં લોકેશન, નારાજ માતા-પિતાથી ભાગવા તત્પર યુવાનો અને તેમાં ચાર ચાંદ લગાવતું આર. ડી. બર્મનનું મ્યુઝિક. તેમાં પણ નવોદિત કુમાર ગૌરવ અને વિજયેતા પંડિતની કેમિસ્ટ્રી ફિલ્મને અલગ લેવલ પર લઈ ગઈ હતી. 

આ ફિલ્મ સાથે લાગ્યું કે, કુમાર ગૌરવ, રાજેશ ખન્નાથી પણ મોટો સ્ટાર બનશે. જોકે તેની પૂનમ ધિલ્લોન સાથેની 'તેરી કસમ' (૧૯૮૨) એવરેજ રહી. તે જ વર્ષે તેમણે મ્યુઝિકલ ફિલ્મ 'સ્ટાર' માં કામ કર્યું જે ફ્લોપ રહી. તેની એક પછી એક ફિલ્મો આવતી ગઈ અને બોક્સ ઓફિસ પર પીટાતી ગઈ. પિતાએ ફરી એકવાર પુત્રની ગાડીને ૧૯૯૩માં માધુરી દીક્ષિત અને તેના સસરા સુનીલ દત્ત સાથેની ફિલ્મ 'ફૂલ' સાથે પાટા પર લાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ ફિલ્મ પણ ફ્લોપ રહી. ૧૯૮૬માં મહેશ ભટ્ટની ફિલ્મ 'નામ' દ્વારા તેને બીજી મોટી બોક્સ ઓફિસ સફળતા મળી. પરંતુ, ત્યારબાદ ગૌરવની કારકિર્દીનો ગ્રાફ સદંતર નીચે જતો રહ્યો. હાલ કુમાર ગૌરવ એક કન્સ્ટ્રક્શન કંપની ચલાવે છે. તેણે સુનીલ દત્ત અને નરગિસની પુત્રી નમ્રતા દત્ત સાથે લગ્ન કર્યાં છે. તે પ્રાઈવેટ લાઈફ જીવી રહ્યો છે. તેને પણ ખ્યાલ હશે કે, પેલું દિલ્હી પ્રીમિયર તેના સ્ટારડમની ટોચ હતી, એક સ્વપ્ન હતું, જે હવે ફરી શક્ય નથી. 

'આશિકી'ની રિલીઝ અને રાહુલ રોયનું સ્ટારડમ 

'લવ સ્ટોરી'ના નવ વર્ષ પછી, મહેશ ભટ્ટે મુંબઈમાં ઈન્દિરા રોયના ઘરે તેના યુવાન પુત્ર રાહુલ રોયને જોયો. મહેશ ભટ્ટ તે સમયે ગુલશનકુમારની કંપની માટે એક મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા બનાવી રહ્યા હતા. તેમને રાહુલના ચહેરામાં કંઈક ખાસ દેખાયું. કહેવાય છે કે રાહુલે સ્ક્રિપ્ટ પણ વાંચી નહોતી અને ભટ્ટે તેને કાસ્ટ કરી લીધો. ૧૯૯૦માં આવેલી 'આશિકી' માં રાહુલ રોય, અનુ અગ્રવાલ અને દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં હતાં. સંગીતકાર જોડી નદીમ-શ્રવણ, ગાયક કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલની ટીમે એવું મ્યુઝિક આપ્યું કે જે અમર બન્યું. તેનું મ્યુઝિક ૨૨ જુલાઈના રોજ રિલીઝ સાથે જ હિટ બન્યું. કેસેટ્સની સેલ્સ થોડા સમયમાં જ બે કરોડની પાર કરી ગયું હતું.  

ફિલ્મ રિલીઝ પહેલાં જ તેનાં ગીતો 'નઝર કે સામને', 'ધીરે ધીરે સે', 'તૂ મેરી ઝિંદગી હૈ' ઘરે ઘરે ગુંજતાં થઈ ગયાં હતાં. મહેશ ભટ્ટ એ વાત કદાચ અન્ય કરતાં વધુ સારી રીતે સમજી ગયા હતા કે ફિલ્મ રિલીઝ થાય તે પહેલાં મ્યુઝિક જ અડધું કામ કરી દે છે. ફિલ્મની રિલીઝ બાદ રાહુલ રોયની દીવાનગી જોવા મળી. ચારેતરફ, બસ રાહુલ રોયના જ ચર્ચા. એવું લાગવા માંડયું કે, તેની સામે કોઈ છે જ નહીં. 

આ શરૂઆતની સફળતા બાદ રાહુલ રોય 'જુનૂન' (૧૯૯૨), 'દિલવાલે કભી ના હારે' (૧૯૯૨) અને 'ગુમરાહ' (૧૯૯૩) જેવી ફિલ્મોમાં જોવા મળ્યો. પણ તે પછીની ફિલ્મો બોક્સ ઓફિસ પર ન ચાલી. મહેશ ભટ્ટે તેને બીજી બે ફિલ્મોમાં ચાન્સ આપ્યો, પણ તેનો જાદુ ઓસરી ગયો હતો. હેરસ્ટાઈલ ફેશનમાંથી બહાર થઈ ગઈ. તે ધીમે ધીમે એક એવો ચહેરો બની ગયો કે જેને ભૂલાવી દેવામાં આવ્યો હતો. વર્ષો પછી તે ૨૦૦૬માં રિયાલિટી શો 'બિગ બોસ'ની પહેલી સિઝનમાં જોવા મળ્યો. આ સિઝન જીત્યો, પરંતુ આ જીત પણ વિસરાઈ ગઈ. આજે ફરી એકવાર રાહુલ રોય કામ માટે સંઘર્ષ કરતો જોવા મળી રહ્યો છે. 

કબીરની શીખ કે જે રાહુલને મળી 

કબીર કહેતા કે, 'માયા મરી ન મન મરા, મર મર ગયે શરીર'. તેને બોલિવુડની પ્રસિદ્ધિ સાથે સરખાવીએ તો ખ્યાલ આવે કે, માયા આંખે પાટા બાંધી દે તેવી હોય. તે સત્ય જેવી લાગે, પણ હોય નહીં. ૧૯૮૧માં દિલ્હીમાં ફિલ્મના પ્રીમિયર સમયે કુમાર ગૌરવને ખબર ન પડી કે, આ માયા તો ક્ષણિક છે. ૧૯૯૦માં રાહુલ રોયની ફિલ્મ હિટ ગઈ પછી તેને પણ ખબર નહીં પડી હોય કે, આ તો માયા છે. જેટલા તેઓ માયાની પાછળ ભાગ્યા, એટલા જ પોતાનાથી દૂર થતા ગયા. આજે રાહુલ રોય ઈન્સ્ટાના માધ્યમથી ફરી બેઠો થવાનો પ્રયત્ન કરી રહ્યો હોય તો તે યોગ્ય છે, પરંતુ જો તે ફરી ફેમસ થવાનો પ્રયત્ન કરી રહ્યો હશે તો તકલીફ, કારણ કે આ બધું જ માયા છે. એટલે જ મુંબઈને માયા નગરી કહેવામાં આવે છે. 'યે હૈ બમ્બઈ નગરિયા તું દેખ બબુઆ..' હંમેશા, પોતાને પૂછતા રહેવું કે, જેની પાછળ ભાગી રહ્યાં છીએ એ માયા તો નથી ને?