Magazines

પ્લેન અને પોલિટિક્સ બંનેમાં ચઢાણ કરતાં ઉતરાણ અઘરૂં

By GS TEAM
17 Dec 20253 mins read
પ્લેન અને પોલિટિક્સ બંનેમાં ચઢાણ કરતાં ઉતરાણ અઘરૂં

- બખડજંતર - નટખટ નાગર

- એરલાઈન્સને  બદલે વિમાન કંપનીના નામમાંથી એર શબ્દનો છેદ ઉડાડી 'દેર' લગાડીને દેર-લાઈન્સ કરી નાખવું જોઈએ

'લાભુ, વિમાન હવામાં ઉડે, પણ જ્યારે વિમાન હવામાં ન ઉડે ત્યારે વિમાન કંપનીની આબરૂના લીરેલીરા ઉડે...'

'અરે ભાઈ, વિમાન કંપનીની ક્યાં વાત કરો છો? તાજેતરમાં વિમાન સંકટ સર્જાયું, હજારો મુસાફરો હાલાકીમાં મૂકાયા અને કેટલાય બીમાર અને અશક્ત લોકોએ પણ વિમાન મથકો પર નરકની યાતના વેઠવી પડી ત્યારે ત્રણેક દિવસે સરકાર સફાળી જાગી, બોલો! એટલે જ તો પરેશાનીમાં મૂકાયેલા પ્રવાસીઓએ સરકાર પર પણ પસ્તાળ પાડીને?'

'લાભુ, પસ્તાળ તો પાડે જ ને? પ્રજા-પ્રવાસીની દરકાર ન કરે એ કેવી સરકાર?'

'અરે ભાઈ, હું પોતે પુણેથી મુંબઈ પ્લેનમાં આવવા ગયો અને બે દિવસ સલવાઈ ગયો.'

'લાભુ, બે દિવસ સલવાઈને બેઠો રહ્યો એના કરતાં બે દિવસમાં ચાલીને મુંબઈ પહોંચી ગયો હોત, શું કહે છે?'

'ખરેખર, મુશ્કેલીમાં મૂકાયેલા હજારો પ્રવાસીઓની હાલાકી જોઈને મને વિચાર આવ્યો કે સરકાર બધાયનાં નામ બદલવામાં શૂરી છે તો એણે એરલાઈન્સને  બદલે વિમાન કંપનીના નામમાંથી એર શબ્દનો છેદ ઉડાડી 'દેર' લગાડીને દેર-લાઈન્સ કરી નાખવું જોઈએ.'

'લાભુ, તારી વાત સાવ સાચી છે. મને તો તું અને હું નાનપણમાં લીંબડી ગામના તળાવની પાળે બેસી કાગળના પ્લેન બનાવીને ઉડાડતા એ દિવસો યાદ આવે છે.'

'અરે ભાઈ, એ કાગળના વિમાનો કેવાં ફટાફટ ઉડતા! આ સાચાં વિમાનોએ જ બધો દાટ વાળ્યો છે. કોઈ એરલાઈન્સ સાચાં વિમાનો ટાઈમસર ક્યાં ઉડાડી શકે છે?'

'લાભુ, સરકાર ઉડાડવામાં પાછી પડે એવી નથી હો? મત મેળવવા પૈસા ઉડાડે છે, પદ મેળવવા માટે વિરોધીને ઉડાડે છે, લોેકોને ભરમાવવા માટે સાચી-ખોટી વાતો ઉડાડે છે...'

' સરકાર ભલે ઉડાડવામાં એક્સપર્ટ હોય, પણ વિમાન ઉડાડવામાં ફાવટ નથી લાગતી.'

'લાભુ, એટલે જ હવે આ જુદી જુદી દેર-લાઈન્સનાં વિમાનો મોડા પડે ને ત્યારે એરપોર્ટ પર પ્રવાસીઓની જાણકારી માટે કયું ગીત સિગ્નલ ટયુન રૂપે વગાડવામાં આવશે ખબર છે? આ ગીતઃ બડી દેર ભઈ પ્લેનવાલા  તેરી રાહ તકે ટૂરવાલા...'

'અરે, હવે તો એવું છે ને કે કોઈ માણસ પ્લેનમાં પ્રવાસ કરવા માટે એરપોર્ટમાં દાખલ થાય ત્યારથી તેના મનમાં એક જ ગીત ઘૂમરાતું હોય છેઃ દેર ના હો જાયે કહી દેર ના હો જાયે... (પ્લેન) આજા રે... મન મેરા ગભરાયે...'

'લાભુ, એવી કહેવત છે કે ઉપરવાલે કે દરબાર મેં દેર હૈ અંધેર નહીં,  પણ એરલાઈન્સના ધાંધિયા જોઈને કહેવત ફેરવીને કહેવી પડે કે, વિમાનવાલે કે દરબાર મેં દેર હૈ અંધેર ભી હૈ.'

'અરે ભાઈ, પુણે એરપોર્ટ ઉપર હું ખરેખરો  સલવાણો હતો ત્યારે ત્યાં એટલાં બધાં વિમાનોનો ભરાવો થઈ ગયો હતો કે બહારથી આવતાં વિમાનોના લેન્ડિંગ માટેની જગ્યા નહોતી રહી, બોલો!'

'લાભુ, આ તો બહુ કહેવાય હો? આવી પરિસ્થિતિમાં બહારથી આવતાં વિમાનોને ઉતરાણ કરવામાં કેવી મુશ્કેલી પડે!'

'પ્લેન જેવું જ પોલિટિક્સમાં છ,ે શું સમજ્યા? (ગાદી ઉપર) ચઢાણ સહેલું છે પણ (ગાદી ઉપરથી) ઉતરાણ કરવું બહુ જ અઘરૂં છે.'

'લાભુ, તેં તો ભાઈ પ્લેન અને પોલિટિક્સનો  ખરેખરો મેળ જમાવી દીધો હો!'

'તમને ખબર છે, પ્લેન ચઢાણ કરે ત્યારે અને ઉતરાણ કરે ત્યારે પેસેન્જરોએ ફરજિયાત કમરપટ્ટો બાંધી દેવો પડે છે?'

'લાભુ, પ્લેન અને પોલિટિક્સની વધુ એક સરખામણી કરવી હોય તો કહી શકાય કે પ્લેનમાં ચઢાણ વખતે અને ઉતરાણ વખતે પટ્ટા બાંધવા પડે છે, પણ પોલિટિક્સમાં ઊંચી સીટ પર ચડી ગયા પછી ઘણા નેતાઓ મુશ્કેરાટ પટ્ટો બાંધીને ચપોચપ બેસી જાય છે જેથી કોઈ ઉથલાવી ન  શકે. સીટને ચોટી રહેવાનો ઈતિહાસ ધરાવતા કેટલાય 'હિસ્ટ્રી-સીટરો' આપણે ક્યાં નથી જોયા?'

'હવે ધીમે ધીમે પ્લેનના ધાંધિયા ઓછા થયા છે એટલે મારી બેટર-હાફ (અડધી જ સારી) લીલાને લઈને પ્લેનમાં કાશ્મીર જવાનું વિચારૂં છું. કેટલો ખર્ચ થશે?'

'લાભુ, એક પણ પૈસાનો ખર્ચ નહીં થાય.'

'શું વાત કરો છો? કેમ એક પણ પૈસાનો ખર્ચ નહીં થાય? '

'લાભુ, તેં શું પૂછ્યું? કે લીલાને લઈને પ્લેનમાં કાશ્મીર જવાનું તું વિચારે છે, તો વિચારવામાં શેનો ખર્ચ થાય?'

ફન કી બાત

જેનાં વિમાન મોડા પડે એ દેર-લાઈન્સ, વેરઝેરને લીધે બાખડી પડે એ વેર-લાઈન્સ અનેૈ ચેર-ચોંટણિયા ચેર પર ચોંટી રહે એ ચેર-લાઈન્સ.

*** 

સઃ વિમાનની સફરમાં ત્રાસને એક શબ્દમાં શું કહેવાય?

જઃ સફરિંગ.

***

સઃ વિમાનોના ધાંધિયા જોઈને શું કહેવાય?

જઃ ભારત જેટ યુગમાંથી લેટ-યુગમાં આવી ગયું.

***

સઃ ઈંડિગો શબ્દનું પોસ્ટમોર્ટમ કરીએ તો શું અર્થ નીકળે?

જઃ આઈ-ડિડન્ટ-ગો.