લોભીનાં દાન .
લોભીએ ખીલેથી વાછરડું છોડી શિષ્યોને હાથમાં રાંઢવું સોંપતાં કહ્યું, 'લો આ મારી વ્હાલામાં વ્હાલી વસ્તુનું હું આજે આશ્રમને દાન કરું છું. તમો સ્વિકારી મને મુક્ત કરો.'
'કોઈ ગામડામાં એક લોભી માણસ રહે. જે હદ બે હદ લોભી. ચંપલ સાથે રાખે પણ પહેરતો નહીં. ઘસાઈ જવાની બીકે શરીર પર કપડાં એકબાજુ મેલાં દેખાતાં વળી ફેરવીને પહેરે. ચોપડેલી રોટલી જો કોઈ કૂતરાંને ખવડાવે અને એ જોઈ જાય તો અંદરથી એમનો અંતરાત્મા, સળગી જતો.'
આવો લોભી એકવાર બીમાર પડયો. પણ ચમડી તૂટે પરંતુ દમડી ન છૂટે એ ન્યાયે દવાખાને તો જતો જ નહીં. કોઈ વળી એમને પરાણે દવાખાને લઈ ગયું. જ્યાં તપાસનાં અંતે બીલ જોઈ આ લોભીયાની બીમારી વધી ગઈ. હવે ઘણા વખતથી બીમાર લોભીયાને આંખાય શરીરે અશક્તિ દેખાવા લાગી.
વળી કોઇકે કહ્યું 'ફલાણા ઠેકાણે બાપુ માત્ર ફૂંક મારી રોગ મટાડે છે અને વળી કશું લેતા નથી. વાત સાંભળી લોભીયો લહેરમાં આવી ગયો. મફતમાં રોગ મટી જવાની વાતમાં જ અરધો રોગ મટી ગયો. અને જલ્દી ઊભો થયો. પેલા વાત કરનારને બતાવવા સાથે લીધો. ગામ બહાર જઈ ચંપલ પણ કાઢી હાથમાં લઈ લીધા કોઇકે પૂછતાં કહ્યું. સરખું ચલાતું નથી ને એટલે.'
વળી આ મફતનાં મહારાજનાં આશ્રમે પહોંચી ગયાં. જ્યાં આમની જેમ વગર પૈસે સાજા થવા માટે લાઈનો લાગી હતી. બધાને બાપું ફૂક મારતાં જાય. લોટામાંથી લઈ પાણી અંજલિ છાંટતાં જાય. આ બધો તમાસો જોતાં જોતાં લોભીયાનો વારો નજીક આવવા લાગતાં વળી લોભીયો કહે, 'હે ભાઈ, હું અબઘડી આવું.
તું લાઇનમાં રહીશ ?' પેલો કહે 'તારે ક્યાં જવું છે ?' લોભી કહે મારો દીકરા જેવો પાળેલો વાંછડો બીચારો ભૂખ્યો હશે. એમને નીરણ નાખી પાછો આવું. પેલો કહે, મૂરખ હવે એ ઘડીમાં મરી નહીં જાય. અહીં બેસ અને આમ લોભીને વળી ત્યાં બેસાડયો. ત્યાં તેમનો વારો આવ્યો. લોભીને ગળેથી પકડયો, ઘડીભર બાપુ જાણે યોદ્ધાઓ બાણ ચડાવતાં પહેલાં મંત્ર ભણે એમ મંત્ર બબડયા.
બાદમાં કાનમાં ફૂંક મારી વળી પાણીની છાલક નાખી. અને કહ્યું, 'જા વત્સ, તારો રોગ બે-ત્રણ દિવસમાં દૂર, પણ જો તારી વ્હાલી વસ્તુ શી છે ? એ મને જણાવ, એ તારે અહીં જગ્યામાં દાન આપવું પડશે.' લોભી કહે અરે બાપુ, બીજું આપું તો ન ચાલે ? તમો મોઢેથી માંગો એ આપું તો ન ચાલે ? બાપુ કહે નાં, તારી વ્હાલી વસ્તુનો જ તારે ત્યાગ કરવો પડશે. માટે સાજો થઈ જા એટલે અમને જાણ કરજે. સેવકો આવી લઈ જશે. અને વળી જોજે હોં કોચવાતા મને નહીં હોં નહીંતર ના પાડી દે. લોભી કહે 'નાં બાપુ, હવે ના પાડું તો મારુ કુળ લાજે.' કહેતો બાપુએ આપેલી ફાકી લઈ રસ્તે પડયો.
અને ભાઈ થોડા દિવસમાં ઋતુ ફરતાં લોભીયો માંદો મટી ગયો. એટલે એમણે પેલા માણસને બોલાવ્યો કે જે તેમની સાથે ગયો હતો. એમને આ લોભીયાએ કહ્યું, ભાઈ, બાપુ ચમત્કારી હોં, થોડીવારમાં તો સારૂં થઈ ગયું. પણ હવે બીજો રોગ ઊભો થયો એનું શું ? પેલો માણસ કહે વળી શું રોગ આવ્યો ? લોભી કહે એમણે કહ્યું હતું કે તારી વ્હાલી વસ્તું અમને આપવી પડશે, તો હવે જાણી લે, મને મારા દીકરા કરતાં આ બે વરસ પહેલાં વિયાએલી ગાયનું વાછરડું બહુ વ્હાલું છે. હું એમને રેઢું મેલી ક્યાંય નથી જતો પણ જીભ કચરાવી છે તો મહારાજને જાણ કરો લઈ જાય. વળી તમને ય ખબર છે કે ત્યાં પણ હું આ વાછરડાં માટે ઘેર આવવા તૈયાર થયો હતો.
પેલો માણસ કહે, 'હા, એ બરાબર પણ વાછરડું આપતાં શરમ નહીં લાગે? સંન્યાસી આ વાછરડાનું શું કરશે ?'
લોભી કહે 'હવે ઈ આપણાથી નાં પૂછાય ને, નહીંતર મેં તો એમને કહ્યું જ હતું ને કે ભૈ બીજું માંગી લ્યો, પણ બાપુ માન્યા જ નહીં. એટલે મારે દીધે જ છૂટકો, કહેતો લોભી એકટીંગ સાથે આસું સારી બેઠો.' પેલો વળી બધી બીના પામી જઈ આશ્રમે જાણ કરી કે તમોને દીધેલ દાન લઈ જાવ. એટલે પેલા તો હોંશે હોંશે સેવકો આવ્યા. લોભીએ ખીલેથી વાછરડું છોડી શિષ્યોને હાથમાં રાંઢવું સોંપતાં કહ્યું, 'લો આ મારી વ્હાલામાં વ્હાલી વસ્તુનું હું આજે આશ્રમને દાન કરું છું.
તમો સ્વિકારી મને મુક્ત કરો.' ત્યારે પેલા શિષ્યો વળી બોલ્યા, ભાઈ તું મુક્ત થયો પણ હવે અમો બંધાણા. આ વાંછરડાને તો ક્યાંક પાંજરા પોળમાં જ મૂકવા જવાનો રહ્યો. પણ સાથે બાપુનેય કહેતા જઈએ કે બાપુ હવે રોકડા લેવાનું શરૂ કરો. અને આ ધંધો બંધ કરો. નહીંતર આવા લોભીનાં દાન આવી જશે ને તો તમારેય છૂટવા કોઈ મોટા સંત પાસે જવું પડશે !
- ભરત એલ. ગોઠડીયા