Magazines

પ્રભુ કહે છે, સદ્ગુરૂ જેવું સમાધાન બીજું કોઈ ના આપી શકે .

By GS TEAM
27 May 20262 mins read
પ્રભુ કહે છે, સદ્ગુરૂ જેવું સમાધાન બીજું કોઈ ના આપી શકે                       .

એક ચિત્રકાર, ખૂબ જ સરસ ચિત્રો બનાવે. તેના ચિત્તાકર્ષક ચિત્રોથી લોકો પાગલ થઈ જાય. એકવાર પ્રભુનું ચિત્ર બનાવવાનું મન થયું. ઘણું ફરીને આખરે પ્રભુને તે મળ્યો. પ્રભુનું ચિત્ર બનાવવા પ્રભુ પાસે સંમતિ માંગતા તેણે કહ્યું,'પ્રભુ તમે ખાલી ૫ મિનિટ માટે એકસરખી મુદ્રામાં બેસો, પછી કલાક બાદ પધારજો. આપનું ચિત્ર તૈયાર થઈ જશે. ભગવાને તેને ચિત્ર ન બનાવવા સમજાવ્યું કે,'ચિત્ર બરાબર નહીં તૈયાર થાય.' તો પણ તેણે જીદ કરી અને ચિત્ર બનાવવા માટે ખૂબ જ વિનંતી કરી.

પ્રભુ આખરે કંટાળ્યા. પરાણે ચિત્ર બનાવવા સંમતિ આપી. તે માટે ૫ મિનિટ બેસી પ્રભુ બહાર ગયા. કલાક પછી પ્રભુ પાછા પધાર્યા. ચિત્ર તો બરાબર જ બન્યું હતું. પણ આ વખતે પ્રભુએ પોતાની મુખાકૃતિ બદલી નાખી, અને ચિત્રકારને એ મૃખાકૃતિવાળું ચિત્ર બનાવવા પ્રભુએ કહ્યું. તેણે અલ્પ સમયમાં એ ચિત્ર પણ બનાવ્યું, તો પછી પ્રભુએ ત્રીજી મુખાકૃતિ કરી. આમ વારંવાર મુખાકૃતિ બદલાવાથી ચિત્રકાર થાકી ગયો.

આખરે કંટાળીને તે ફ્રેશ થવા માટે ૨ કલાક બહાર જતો રહ્યો. આ વખતે તેને કોઈ નવી તરકીબ એક મહાપુરુષ પાસેથી મળી. આ તરકીબની સામે પ્રભુ કોઈ સમસ્યા ઉભી જ નહીં કરી શકે, આમ ખુશ-ખુશાલ થતા તે પ્રભુ પાસે આવ્યો અને કહ્યું,' હવે હું એવો ઉપાય લઈને આવ્યો છું કે, આપ ગમે તેવી મુખાકૃતિ બદલશો, તો પણ તે તરત જ મારા ચિત્રમાં અંકિત થશે. હવે મને બદલાયેલી મુખાકૃતિને મારા ચિત્રમાં ઝીલતા સહેજ પણ વાર નહીં લાગે.'

પ્રભુએ વારંવાર મુખાકૃતિ બદલી, ચિત્રકારે માત્ર પડદો જ હલાવ્યો, અને ખરેખર ચિત્રમાં પ્રભુએ જેવી કરી હતી તેવી મુખાકૃતિ પ્રતિબિંબિત થતી હતી. પ્રભુ મુખાકૃતિ બદલતા, તો બદલાયેલી મુખાકૃતિ પણ ક્ષણવારમાં સામે આવી જતી, કારણકે પ્રભુનાં મુખની સામે ચિત્ર નહીં પણ દર્પણ હતું.

પ્રભુ હસતા-હસતા બોલ્યા,' આજે તને કોઈ સદ્ગુરૂ મળી ગયા લાગે છે, કારણકે ક્યાંય ન મળે, તેવું સમાધાન એક સદ્ગુરૂ જ આપી શકે છે.

- રાજ સંઘવી