'ભાવનો' ભૂખ્યો છે ભગવાન .

ઈશ્વર ચૈતન્યરૂપે સર્વમાં છે. બધું ઈશ્વર છે. તેવી નિષ્ઠા રાખી, અનુભવ કરવાની આદત પાડવા જેવી છે. એવી આદત જેને પડે, તેની પ્રત્યેક ક્રિયા, ભક્તિમય અને જ્ઞાાનમય બને છે. हरि व्यापक सर्वत्र समाना प्रेमे ते प्रगट हो हिं मैं जाना (પ્રભુ સર્વત્ર વ્યાપક છે તે પ્રેમે પ્રગટ થાય છે)
અધિકારી જ્ઞાાની-મહાત્માઓ સર્વમાં ભગવદ્દ્રષ્ટિ રાખે છે. સર્વને જોનાર સર્વનો સાક્ષી એવા પરમાત્માના સ્વરૂપમાં દ્રષ્ટિ સ્થિર રાખે છે.
એક મહાત્મા હતા. તેમને જે જે દેખાય તે બધું ઈશ્વર સ્વરૂપ જ દેખાતું. તેમની પાસે એક ગૃહસ્થ આવ્યો. ને વિનંતી પૂર્વક કહ્યું, ''મારે ઈશ્વરનાં દર્શન કરવાં છે.''
મહાત્માએ કહ્યું, તમે પણ ઈશ્વર છો એમ માનો. ગૃહસ્થ કહે, ''પણ હું ખાત્રીથી કહું છું કે હું ઈશ્વર નથી.''
મહાત્માએ કહ્યું, ''તમારે ઈશ્વરનાં દર્શન કરવાં છે ? તમે ઈશ્વર નથી તો તમારા સિવાયનું, જેજે દેખાય તે ઈશ્વર છે એમ માનો. જગતમાં જે પણ કંઈ દેખાય તેમાં ઈશ્વર દર્શન કરો. તેમ માની સદ્વ્યવહાર કરો.
ગૃહસ્થે તેમ કર્યું. તેથી તેનું પાપે અટકી ગયું. મારા વિના બધું ઈશ્વર છે તેવી નિષ્ઠા રાખવાથી તેનું પાપ અટકી ગયું. વ્યવહાર શુધ્ધ થયો.
ફરીથી તે ગૃહસ્થ મહાત્મા પાસે આવ્યો. તેણે કહ્યું બધે ઈશ્વર છે તેવું કરવાથી મને શાંતિ તો મળી છે. પણ, કોઈવાર એવી શંકા મને થાય છે કે આ દેખાય તે ઈશ્વર નથી.
મહાત્માએ કહ્યું, ''તને લાગે છે કે જે દેખાય છે તે ઈશ્વર નથી તો હવે એવો નિ:શ્ચય કરં, કે જે દેખાય છે.''
તે ઈશ્વર નથી. એમ માની સર્વનો ''મોહ'' છોડી દે. સંસારમાં જે દેખાય છે તેની સાથે પ્રેમ કરીશ નહિ. સંસારના દ્રશ્ય પદાર્થ સાથે પ્રેમ કરીશ નહિ. જે સંસારના દ્રશ્ય પદાર્થ છે તેની સાથે નહિ, પણ, સર્વના દ્રષ્ટા ઈશ્વર સાથે પ્રેમ કરે.
આમ મહાત્માએ બે માર્ગ બતાવ્યા : (૧) જે બધું દેખાય છે તે ઈશ્વર છે (૨) જે ન દેખાય તે ઈશ્વર છે.
સંસારમાં ડૂબેલા માટે તો ભક્તિ માર્ગ જ સારો છે. આ બધું દેખાય છે તે ઈશ્વરમય છે. એવું સમજી સદ્વ્યવહાર કરે. નરસિંહ મહેતાએ કહ્યું છે કે, 'અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે.'
ભગવાનને પ્રસન્ન કરવા બહુ ભણવાની, બહુ પૈસાદાર થવાની કે ઉચ્ચકુળમાં જન્મ લેવાની જરૂર નથી. ભગવાનને પ્રસન્ન કરવા શુધ્ધ પ્રેમની જરૂર છે. પ્રેમ પૂર્વક સેવા-સ્મરણ કરવાની સર્વત્ર અને સર્વમાં રહેલાં છે એમ માની કરેલો સદ્વ્યવહાર ભક્તિ બને છે.
ગજેન્દ્ર (હાથીનો) મગરે પગ પકડયો. છૂટાય તેમ ન હતું. હાથી ભણેલો ન હતો... તપશ્ચર્યા પણ ન હતી. અષ્ટાંગયોગની સાધના પણ ન હતી કેવળ તેની શુધ્ધ ભક્તિથી પ્રભુ પ્રસન્ન થયા હતા ને મગરથી તેને છોડાવ્યો હતો.
પરમાત્માને કોઈ વસ્તુની ભૂખ નથી. ફક્ત પ્રેમની ભૂખ છે. તેથી ભક્તોએ..સંતોએ... મહાત્માઓએ ગાયું છે કે,
''ભાવનો ભૂખ્યો છે ભગવાન''....








