વૈશ્વિક સ્તરે સ્ટીલ-સિમેન્ટની માગ વધશે

- સ્ટીલની આયાત કરતા નિકાસ વધતાં ભારતે નેટ અક્સપોર્ટર તરીકેનું સ્થાન ફરી પાછું મેળવ્યું
દેશમાં તથા દરીયાપારના બજારોમાં આયર્ન એન્ડ સ્ટીલ બજારોમાં સમીકરણો બદલાતા જોવા મળ્યા છે. સામાન્યપણે ભારતમાં ચોમાસું શરૂથાય પછી બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રમાં ચહલપહલ ઘટી જતી હોય છે એ જોતાં દેશમાં વરસાદ આવે એ પૂર્વે બાંધકામ તથા ઈન્ફ્રાસ્ટ્રકચરના વિવિધ પ્રોજેક્ટો પુરા કરવાના કાર્યોમાં ગતી આવી હોવાનું જાણકારો જણાવી રહ્યા હતા તથા આના પગલે વિશેષરૂપે સ્ટીલ બજાર તથા સિમેન્ટ બજારમાં માગ બજારમાં વધતી જોવા મળી હતી. દરમિયાન, વૈશ્વિક સ્તરે ઈરાન, અમેરિકા, ઈઝરાયલના યુધ્ધના પગલે વિવિધ દેશોમાં હુમલાઓના પગલે ઈન્ફ્રાસ્ટ્રકચરને નોંધપાત્ર નુકસાન થયું છે એ જોતાં આગળ ઉપર યુધ્ધ સમાપ્ત થશે. ત્યારે આ ઈન્ફ્રાસ્ટ્રકચરને ફરી ઉભું કરવા માટૈ વૈશ્વિક સ્તરે સિમેન્ટ તથા સ્ટીલની માગમાં ખાસ્સી વૃધ્ધિ થવાનો અંદાજ વૈશ્વિક સ્ટીલ- સિમેન્ટ ક્ષેત્રના જાણકારો બતાવી રહ્યા હતા. દરમિયાન, તાજેતરમાં યુધ્ધના માહોલમાં દેશમાં ગેસની સપ્લાય પર અસર પડતાં તથા ગેસ સપ્લાયમાં ઘરગથ્થુ વપરાશકારોને પ્રાથમિકતા આપવામાં આવતાં ઔદ્યોગિક ક્ષેત્રોમાં ગેસની અછત વર્તાઈ હતી. જોકે હવે પરિસ્થિતિ બદલાઈ રહ્યાના સંકેતો મળ્યા હતા. ઈરાન યુધ્ધ પૂર્વે ભારતમાં એપ્રિલ ૨૦૨૫થી ફેબુ્રઆરી ૨૦૨૬ના ગાળામાં રોલ્ડ સ્ટીલની ઈમ્પોર્ટમાં આશરે ૩૬થી ૩૭ ટકાની વૃધ્ધિ થયાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ ૧૧ મહિનાના ગાળામાં દેશમાં આવા સ્ટીલની આયાત વધી ૬૦થી ૬૧ લાખ ટન થઈ છે. દરમિયાન દેશમાં આ ગાળામાં રોલ્ડ સ્ટીલનો વપરાશ ૭થી ૮ ટકા વધી ૧૪થી ૧૫ કરોડ ટન થયો હોવાનું સ્ટીલ ઉદ્યોગના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, ભારતે ૨૦૨૫-૨૬ના નાણાં વર્ષના અંતે ફિનિશ્ડ સ્ટીલના સંદર્ભમાં નેટ એક્સપોર્ટર તરીકેનુું સ્થાન પાછું મેળવ્યું છે. તથા આયાત કરતા નિકાસ વધુ થઈ છે.
દેશમાં આ ગાળામાં સ્ટીલ ઉત્પાદનમાં ૧૧થી ૧૨ ટકાની વૃધ્ધિ થઈ હતી તથા સ્થાનિક ઉત્પાદન વધી ૧૫થી ૧૬ કરોડ ટન નોંધાયું હતું. ભારતમાં દર વર્ષે સ્ટીલના ઉત્પાદનમાં સરેરાશ વાર્ષિક પાંચ ટકાની વૃધ્ધિ થાય છે. દેશમાં ૨૦૩૦- ૩૧ સુધીમાં સ્ટીલનું વાર્ષિક ઉત્પાદન વધારી ૩૦ કરોડ ટન સુધી લઈ જવાનો ટારગેટ સરકારે નક્કી કર્યો છે. દેશમાં ૨૦૨૪- ૨૫માં સ્ટીલનું ઉત્પાદન વધી ૨૦ કરોડ ૫૦ લાખ ટન નોંધાયું હતું. દેશમાં સ્ટીલ ઉત્પાદનમાં સર્જાતા પ્રદૂષણને ઘટાડવા ગ્રીન સ્ટીલનો કોન્સેપ્ટ વહેતો થયો છે. સ્ટીલના ઉત્પાદનમાં પ્રદૂષણ ઓછું કરતી પ્રક્રિયાઓ અપનાવી સ્ટીલનું જે ઉત્પાદન થાય છે એ સ્ટીલને ગ્રીન સ્ટીલ તરીકે ઓળખવામાં આવે છે.
દરમિયાન, ભારતમાં સ્ટીલ ઉત્પાદનમાં આગળ ઉપર હાઈડ્રોજનનો વપરાશ વધવાની શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. ભારત સરકારે હાઈડ્રોજનના આવા ત્રણ મોટા તથા ચાવીરૂપ પ્રોજેક્ટોને તાજેતરમાં મંજૂરી આપી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું. આ માટે સરકાર દ્વારા ૪૧૦ લાખ ડોલરનું ભંડોળ ફાળવવામાં આવનાર છે તથા ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટો તૈયાર થઈ જવાની શક્યતા બતાવાઈ રહી છે. ન્યુ તથા રિન્યુએબલ એનર્જી મિનિસ્ટ્રી હેઠળ આ પ્રોજેક્ટો સરકાર થઈ રહ્યા છે. આના પગલે લો- કાર્બન સ્ટીલનું ઉત્પાદન વધશે તથા પોલ્યુશન ઘટશે એવી ગણતરી લોખંડ બજારમાં બતાવાઈ રહી છે. ભારતમાં ૨૦૨૫- ૨૬ના નાણાંવર્ષમાં સ્ટીલ બજારમાં ભાવ એકંદરે દબાણ હેઠળ રહ્યા હતા અને હવે ૨૦૨૬- ૨૭ના નવા નાણાંવર્ષનો આરંભ થયો છે ત્યારે બજારમાં માગ તથા સપ્લાય કેવી આવે છે તેના પર બજારના ખેલાડીઓની નજર રહી છે.








