Magazines

આપીને જા કે મૂકીને જા, હે માનવ નિર્ણય તારો

By GS TEAM
25 Mar 20262 mins read
આપીને જા કે મૂકીને જા, હે માનવ નિર્ણય તારો

હે પુણ્યશાળી-ભાગ્યવાન માનવી તને દેવઅંશો સમાન દુર્લભ માનવદેહ મળ્યો. પરમાત્માએ તારા જન્મ સમયે હથેળીઓ ખાલી આપી - 'શૂન્યસર્જન'. હે માનવી વિતેલ સમયની જીવનયાત્રામાં તે જ્ઞાાન-શિક્ષા અને સંસ્કાર ગ્રહણ કર્યા સાથે સાથે સ્વનાં પુરુષાર્થ અને પ્રારબ્ધબળે ધનસંપત્તિ-ધનકમાણી કરી - ઘરપરિવાર પાલનપોષણની સાંસારિક ફરજે ! ભૌતિક સુખ-સ્મૃદ્ધિની સુખઘેલછામાં 'નાણાં કોથળી સર્વસ્વ'ની ખોટી સમજણે નીતિ કે અનીતિનાં માપદંડો-મૂલ્યો બાજુ રાખી વિપુલ ધનસંચય-ધનસંગ્રહ કરવા જીવન પર્યન્ત પ્રયત્નશીલ-ઉદ્યમી રહ્યો ! વર્તમાન ભૌતિકયુગમાં ઘણાં માનવીઓ એવાં ખોટાં ભ્રમમાં જીવે છે કે ઘરપરિવાર અને ભાવિવંશજો માટે અઢળક સંપત્તિ-ધનસમૃદ્ધિ એકત્ર કરું જેથી ભાવિ પેઢીને વારસામાં સાત પેઢી સુધી ખૂટે ન તેવું ધન ભેગું કરું - ધનસંચય કરું - આ મિથ્યા કે વ્યર્થ વિચારસરણી વાસ્તવમાં બની રહે ! આ વિચાર, વૃત્તિ અને પ્રવૃત્તિની સાચી સમજ નથી કે આ ધનસંગ્રહ-ધનઆસ્થા-લાલસા મૃત્યુ સમયે શૂન્ય બની રહે છે. પૃથ્વીલોકમાંથી ધનદૌલત સાથે લઈ જવાની કોઈ વ્યવસ્થા કે વિકલ્પ નથી ! મૃત્યુ સાથે જગતનાં તમામ વ્યવહારો શૂન્ય બની રહે છે. રોજિંદી ભાગદોડમાં સંચય કરેલું સઘળું સર્વસ્વ નિરર્થક વણવપરાયેલું અહીં જ પડી રહે છે.

વાસ્તવમાં સમજણ કેળવીએ તો માનવીએ પ્રાપ્ત કરેલ વિદ્યા, શિક્ષા કે કૌશલ્ય પરિવારમાં તેમજ અન્ય વ્યક્તિઓને કે સમાજમાં વહેંચવી જોઈએ જેથી પરિવાર અને સમાજનું ઘડતર થાય. વિદ્યા, પ્રવચનરૂપે કે લેખનસ્વરૂપે સૌ માનવોમાં વહેંચવી એ મનુષ્યનો જીવનવૈભવ બની રહે. ધન સંદર્ભે સમજણ કેળવીએ તો ઘરપરિવાર ગુજરાન તેમજ ભાવિ માટેની મર્યાદિત ભંડોળ સિવાયનાં વધારાનાં નાણાં કે ધનસંપત્તિ સમાજમાં જનકલ્યાણમાં સદુપયોગ કરવા રહ્યાં.

હે બુદ્ધિમાન-મનુષ્ય-નિર્ણય તારે કરવો રહ્યો જીવનયાત્રામાં-પ્રથમ વિકલ્પે-ધનસંપત્તિ-દાન-સેવાધર્મ-માનવકલ્યાણ-જીવદયા-કથા શ્રવણના સત્કાર્યે-સન્માર્ગે ઉપયોગ કરવો જેની ફળશ્રુતિરૂપે પરમાત્માએ આપેલ મહામૂલો માનવઅવતાર સાર્થક અને પરિપૂર્ણ બની રહે ! બીજા વિકલ્પે ધનસંપત્તિ સંચય અને સંગ્રહ ના લોભી, બંધિયાર અને સાંકડા વિચારે ભેગું કરેલ ધન અહીંનું અહીં જ મૂકીને જીવન પૂર્ણ કરવું.

સર્જનાત્મક ટિપ્પણ :

મૃત્યુદિને માનવી કમાયેલ નાણાંનું વ્યાજ કે સરકારી પેન્શન વાપરી શકતો નથી. સાથે સાથે જીવનયાત્રાનાં અંતિમ શ્વાસે ધનસંગ્રહ કરેલ નાણાંનું મૂલ્ય 'માટીનાં ઠીકરાં' જેવું મૂલ્યહીન બની રહે છે. આવો આપણે સૌ મનુષ્ય સમજણ કેળવીએ - દાનપુણ્ય, સત્સંગ, સેવાકાર્યો, માનવતા-જીવદયા અને ધર્મપ્રેરિત કાર્યોને રોજિંદી જીવનશૈલીનો હિસ્સો બનાવી જીવનયાત્રા સાર્થક-મોક્ષદાયી અને મુક્તિમાર્ગી બનાવી પ્રભુને વ્હાલાં અને પ્રિય બનીએ !

''તારા જન્મ સમયે

જે હથેળી ખાલી આપી,

તારા મૃત્યુ સમયે

મેં હથેળી ખાલી રાખી.''

'શૂન્યથી સર્જન-શૂન્યમાં અંત.'

- કમલેશ હરિપ્રસાદ દવે