જિંજર ઓઈલ : સ્વાસ્થ્ય સુખાકારી માટે માથાથી પગ સુધી લાભકારક
આપણી રોજિંદી રસોઈમાં આપણે હમેશાંથી આદુનો ઉપયોગ કરતાં આવ્યાં છીએ. ઘણાં લોકો ભોજન લેવાથી દસેક મિનિટ પહેલા આદુમાં થોડું નમક નાખીને ચાવી ચાવીને ખાઈ જાય છે. વાસ્તવમાં આદુનો ઉપયોગ માત્ર સ્વાદ માટે નહીં, બલ્કે સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. આહાર નિષ્ણાતો કહે છે કે આપણે ત્યાં રોજિંદા ભોજનમાં એક યા બીજી રીતે આદુનો ઉપયોગ કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ એ છે કે તે ભૂખ ઉઘાડે છે અને પાચનક્રિયા સરળ બનાવે છે. તેવી જ રીતે જિંજર ઓઈલ, એટલે કે આદુનું તેલ પણ આપણા આરોેગ્ય માટે અત્યંત લાભદાયક છે.
જિંજર ઓઈલનું મુખ્ય ઘટક હોય છે જિંજરોલ. તબીબો આદુના તેલને શરીરનું સશક્તિકરણ કરનાર ગણાવે છે. તેઓ કહે છે કે જિંજર ઓઈલ માથાથી પગ સુધી સમગ્ર શરીર માટે લાભકારક છે. તે શરીરમાંથી દાહ-બળતરા દૂર કરવામાં અને પીડામાં રાહત આપવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને કરીને સાંધાના દુખાવામાં.
ત્વચા નિષ્ણાતોના મતે જિંજર ઓઈલમાં દાહ-બળતરા દૂર કરનારા ઘટકો હોવાથી તે ત્વચા, વાળ અને સ્નાયુઓની સમસ્યા માટે ઉત્તમ ગણાય છે. આ તેલ ત્વચા, માથા અને સાંધાના દાહ સાથેના સોજામાં રાહત આપે છે. સંધિવા, કમરના દુઃખાવામાં પણ જિંજર ઓઈલ લાભકારક પુરવાર થાય છે. તેમાં રહેલા દાહ-શમન તત્ત્વો શરદી- તાવ ઈત્યાદિને કારણે થતી શ્વાસોચ્છવાસની સમસ્યામાં પણ રાહત આપે છે. તેનાથી શ્વાસનળી સાફ થઈ જવાથી દરદી માટે શ્વાસ લેવાનું આસાન બને છે.
તે રોેગપ્રતિકારક શક્તિમાં વૃધ્ધિ કરે છે તેથી દરદીને ફ્લુ સામે રક્ષણ મળે છે. એટલું જ નહીં, પાચન વિષયક સમસ્યાઓમાં પણ જિંજર ઓઈલ ગુણકારી પુરવાર થાય છે. તેનું કારણ એ છે કે જિંજર ઓઈલનો વપરાશ કરવાથી પેટમાં રહેલા ઝેરી તત્ત્વો શરીરમાંથી બહાર ફેંકાઈ જાય છે. તેનાથી આંતરડામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાનો નાશ થવાથી પાચન ક્રિયા સરળ બને છે. પરિણામે તેને કારણે થતી અકળામણ આપોઆપ દૂર થાય છે.
ત્વચા માટે પણ જિંજર ઓઈલ ગુણકારી બની રહે છે. તેમાં રહેલી એન્ટિઓક્સિડંટ પ્રોપર્ટીઝ ત્વચા પર પડતી કરચલીની પ્રક્રિયા ધીમી પાડે છે, ચામડીને કાંતિવાન બનાવે છે, ચહેરા પરના ખિલ દૂર કરે છે તેમ જ તડકામાં કાળી પડેલી ત્વચાનો મૂળ રંગ પાછો લાવવામાં મદદગાર બને છે.
વાળ માટે પણ જિંજર ઓઈલ એટલું જ ખપ લાગે છે. માથામાં થતી ફંગસ, બેક્ટેરિયા દૂર કરવામાં આ તેલ મહત્ત્વનો ભાગ ભજવે છે. પરિણામે માથાની ત્વચા સાફ થાય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડંટ તત્ત્વો વાળના મૂળને મજબૂત બનાવે છે તેથી કેશ ખરતા અટકે છે. જિંજર ઓઈલમાં રહેલા દાહ-બળતરા શાંત કરનારા તત્ત્વો માઈગ્રેન તેમ જ માથાના દુઃખાવામાં રાહત આપે છે.
આ તેલ થાક અને તણાવ હરવામાં મદદગાર બનતું હોવાથી અરોમાથેરપીમાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. તબીબો હે છે કે અરોમાથેરપીમાં જિંજર ઓઈલનો ઉપયોગ કરવાથી તમ્મરમાં પણ રાહત મળે છે.
ઘણાં લોકો સવારના ઉઠતાવેંત ઉબકા આવવાને કારણે વ્યાકુળતા અનુભવે છે. તેઓ પાણીમાં આદુના રસમાં થોડા ટીપાં નાખીને લઈ શકે.
- ઋજુતા