ખોડામાંથી મુક્તિ મેળવો .

વાળની સ્વચ્છતાનો મુખ્ય આધાર છે શેમ્પૂ. શેમ્પૂ દ્વારા વાળ ધોવાથી તે ચમકદાર અને કોેમળ બને છે. તે ઉપરાંત શુષ્કતા, તેલ, ખોડો વગેરેને લીધે વાળમાં આવેલી ભૂખરાશને પણ તે દૂર કરે છે. વાળનું સૌંદર્ય તેમની સ્વચ્છતા અને સ્વચ્છતા માટે ઉપયોગમાં લેવાતાં શેમ્પૂ પર આધારિત હોય છે એટલા માટે શેમ્પૂની ગુણવત્તા, પસંદગી અને તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાની રીત તેમ જ સમયનું અંતર પણ ખૂબ જ મહત્ત્વ ધરાવે છે.
શેમ્પૂની પસંદગી અને ગુણવત્તા
સામાન્ય રીતે તૈલી, શુષ્ક અને સામાન્ય વાળ માટે ઉપલબ્ધ શેમ્પૂની બોટલ પરનાં લેબલમાં જ પૂરી જાણકારી આપવામાં આવે છે, પરંતુ જો વાળમાં ખોડો જેવી બીમારી હોય તો તેના માટે એન્ટી ડેન્ડ્રફ અને મેડિકેટેડ શેમ્પૂ પણ બજારમાં ઉપલબ્ધ છે.
વાળની મૂળ બનાવટ જાણી લીધા પછી શેમ્પૂમાં બીજી વસ્તુ પણ જોવી જોઈએ કે તે વાળને નુકસાન પહોંચાડયા વિના તેમને તેલ, ધૂળમાટી અને ચીકાશથી દૂર રાખે. ૧ વાર શેમ્પૂ લગાવવાથી જ વાળ સારી રીતે સ્વચ્છ થઈ જાય, ૨ વાર કે ૩ વાર લગાવવાની જરૂર ન પડે, વાળની ચમક જળવાઈ રહે અને સુકાયા પછી વાળને સેટ કરવામાં કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે.
ત્રીજી અને સૌથી મહત્ત્વની વાત એ છે કે શેમ્પૂને પ્રમુખતાના ધોેરણે જોઈ પારખીને ઉપયોગમાં લેવાનું વિચારતા હોય, તે છે શેમ્પૂની પી.એચ.અથવા એસિડ સમતોલન. જોકે બજારમાં મળતાં લગભગ દરેક શેમ્પૂમાં એસિડનું સમતોલન બરાબર જ હોય છે. આમ છતાં કોઈ શેમ્પૂનું પી.એચ.ફેક્ટર તેના એસિડ અને એલક્લાઈન (ક્ષાર) ડિગ્રીને દર્શાવે છે. જો પી.એચ.ફેક્ટર ૪ થી ૮.૫ ડિગ્રીથી ઓછું હોય તો એસિડ સમતોલન વધુ અને ૮.૫ થી ૧૧ ડિગ્રી કરતાં જો વધુ પી.એચ.વાળું શેમ્પૂ હોય તો તેમાં એલક્લાઈન ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. શેમ્પૂમાં પી.એચ. સમતોલન હોય તો તે વધુ લાભદાયક સાબિત થાય છે. આવા પ્રકારનું શેમ્પૂ સામાન્ય અને કોઈપણ પ્રકારનાં રંગ અને ડાઈ કરેલ વાળને ઓછું નુકસાન પહોંચાડે છે કારણ કે તે સૌમ્ય હોય છે. આવા પ્રકારનું શેમ્પૂ વાળની સ્વચ્છતા માટે તોે શ્રેષ્ઠ હોય જ છે. ઉપરાંત માથાની ત્વચા માટે પણ લાભદાયક છે. કારણ કે તેનાથી માથામાં ખોડો, ઉંદરી, ખંજવાળ વગેરે થતાં અટકે છે.
એ સિવાય વધુ પડતાં ફીણ આપતાં શેમ્પૂને ખૂબ જ સારું માની લેવાની ભૂલ ક્યારેય કરશો નહીં. કારણ કે એ ધારણા બિલકુલ ખોટી છે કે ઓછું ફીણ આપતાં શેમ્પૂ વાળની સારી રીતે સફાઈ કરતાં નથી અને વધુ ફીણ આપતાં શેમ્પૂથી વાળ વધુ સ્વચ્છ થાય છે.
જ્યારે હકીકતમાં સૌથી ઉત્તમ ગુણવત્તા ધરાવતા શેમ્પૂ બીજા સાધારણ શેમ્પૂની સરખામણીમાં હંમેશાં ઓછું જ ફીણ આપતાં હોય છે. એ ઉપરાંત જે સ્થળનું પાણી ખારું હોય ત્યાં પણ શેમ્પૂ ઓછુ ંજ ફીણ આપતાં હોય છે, પરંતુ એનો અર્થ એવો નથી કે શેમ્પૂમાં કોઈ ખામી છે.
શેમ્પૂનો ઉપયોગ કરવાની રીત અને સમયનું અંતર પણ ઓછું મહત્ત્વ ધરાવતાં નથી. શેમ્પૂ વાપરતા પહેલાં વાળની ગૂંચ કાઢી નાખવી જોઈએ અથવા સારી રીતે બ્રશ કરી લેવું જોઈએ. વાળમાં પડેલી ગૂંચને શેમ્પૂથી ધોતી વખેત મસળવાથી વધુ ગુંચવાઈ જાય છે.
શેમ્પૂનો ઉપયોગ કરતી વખતે એટલું ધ્યાનમાં રાખો કે જો વાળ નાના હોય એટલે કે ખભા સુધી લાંબા હોય તોે માથુ અને વાળ આગળની તરફ ઝુકાવીને ધોવામાં કોઈ પણ મુશ્કેલી હોતી નથી. પરંતુ જો વાળ ખભાથી લાંબા હોય તો સીધા ઊભા રહીને માથું ગરદન પીઠની તરફ ઝુકાવીને શેમ્પૂ કરવું વધુ યોગ્ય છે. જો વાળને આગળ લાવીને ધોેયાં પછી પાછળ વિરુધ્ધ દિશામાં કરવામાં આવે તોે તેમાં વધુ ગૂંચ પડી જાય છે.
વાળમાં ૨ કે ૩ વાર શેમ્પૂ લગાવવાનો નિયમ ક્યારેય લાગુ ન પાડશો. કારણ કે તેને લીધે વાળ વધુ શુષ્ક થઈ જાય છે.
સૌપ્રથમ વાળને ભીના કરીને શેમ્પૂને હથેળી પર લઈ બીજા હાથની આંગળીઓના વેઢાથી માથાની સંપૂર્ણ ત્વચા અને વાળ પર હાથથી મસળીને એક જ વારમાં ફીણ વાળીને સરખી રીતે ધોઈ લેવા એ શેમ્પૂ કરવાની સૌથી શ્રેષ્ઠ પધ્ધતિ છે, પરંતુ કેટલાક લોકોનું માનવું છે કે જ્યાં સુધી બે કે ત્રણ વાર શેમ્પૂ કરવામાં ન આવે ત્યાં સુધી તેમના વાળ સ્વચ્છ થતા નથી, પરંતુ આવું ત્યારે જ શક્ય બને કે જ્યારે વાળમાં તેલ ખૂબ હોય અથવા ૪-૫ દિવસ પછી ગંદકી, પરસેવો અને ધૂળમાટી સારી રીતે ભરાઈ ગયા બાદ માથું ધોવામાં આવતું હોય.
નોકરી કરતી યુવતીઓએ દરરોજ એક સારા શેમ્પૂને થોડા પાણીમાં ઘોેળીને જ પોતાના વાળ ધોવા જોઈએ, પરંતુ વાળમાં શેમ્પૂનું પ્રમાણ વાળની લંબાઈ અને વાળના જથ્થા અનુસાર લેવું જોઈએ. ઘરમાં રહેતી સ્ત્રીઓ એક દિવસ છોડીને વાળ ધોઈ શકે છે. ધ્યાનમાં રાખો, વાળ અને માથાની ત્વચા માટે, વાળમાં એકઠાં થતાં ધૂળમાટી, પરસેવો, પ્રદૂષણ ઉપરાંત તે બધાને લીધે પેદા થતી વાસ શેમ્પૂ કરતાં વધુ હાનિકારક હોય છે.
વાળને શેમ્પૂ કર્યા બાદ જો તમે કન્ડિશનર લગાવતાં હોય તો શેમ્પૂ અને કન્ડિશનરને પાણી દ્વારા વાળમાંથી સારી રીતે સાફ કરી લેવાં જોઈએ કારણ કે વાળમાં શેમ્પૂ અને કન્ડિશનરના કણ બાહ્ય પડ પર જો રહી જાય તો વાળમાં સ્વાભાવિક ચમક આવતી નથી.
બજારમાં મળતા જુદા જુદા પ્રકારનાં મોંઘા શેમ્પૂના ચક્કરમાં પડવા કરતાં, તમે તમારા વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે તમારા શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે પૌષ્ટિક ભોજન પર વધુ ધ્યાન આપો. કારણ કે આંતરિક પૌષ્ટિકતાની અસર બહારનાં વ્યક્તિત્વ પર સંપૂર્ણ રીતે દેખાય છે.
- મીનાક્ષી તિવારી








