જેનેલિયા અને રિતેશ દેશમુખ : મરાઠી ફિલ્મો અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાનું મિશન

- મૈત્રી, વિશ્વાસ અને સહિયારા સ્વપ્નો પર બનેલો સંબંધ
- રિતેશ જણાવે છે કે પાર્ટનર સાથે કામ કરવા માટે એક અલગ જ મનોસ્થિતિની જરૂર પડે છે, એક બીજાના સબળા પાસા સમજવા પડે છે અને તમામ બાબત પર નિયંત્રણ મેળવવાની લાલચ રોકવી પડે છે.
- સિનેમાના વ્યસ્ત ક્ષેત્રમાં લગ્ન અને રચનાત્મક ભાગીદારી જાળવી રાખવા શેની જરૂર પડે છે? રિતેશ દેશમુખ અને જેનેલિયા દેશમુખ માટે તેનો જવાબ સાદગીમાં, વિશ્વાસ, હાસ્ય અને પારસ્પરિક આદર તેમજ એકબીજાને વિકસવાનો અવકાશ આપવાની સમજદારીમાં છે. 'રાજા શિવાજી'ની સફળતા પછી રિતેશ અને જેનેલિયા તેમની બે દાયકાની સફર વિશે મંથન કરતા જણાય છે, જે સંબંધ 'તુજે મેરી કસમ'ના સેટ પર સહજ મિત્રતાથી શરૂ થયો અને ઊંડા મૂળ ધરાવતી ભાગીદારીમાં વિકસીત થયો.
રસપ્રદ બાબત છે કે રિતેશ અથવા જેનેલિયા બંનેમાંથી કોઈએ પણ તેમના સંબંધમાં કોઈ પૂર્વધારણા નહોતી રાખી. તેમનું જોડાણ કોઈપણ નામ અથવા નિર્ધારીત યોજના વિના સહજ રીતે વિકસ્યું. રિતેશ યાદ કરે છે કે કેવી રીતે તેમની મૈત્રી પ્રેમમાં પરિવર્તિત થઈ, અને જેના મૂળ સહિયારા વિકાસની સમાન માન્યતામાં રહેલા હતા. જેનેલિયા ઉમેરે છે કે તેઓ ક્યારેય સીમાચિહ્ન અથવા ભાવિ લક્ષ્યાંકો નક્કી કરવા અટક્યા નહોતા, તેના સ્થાને તેમણે પ્રત્યેક પળને માણવાનું નક્કી કર્યું. તેમના પ્રારંભિક વર્ષો એકમેક સાથે હળવી મજાકમાં વિત્યા હતા, જે વલણ આજે પણ તેમની વચ્ચેના સમીકરણોની ઓળખ બની ગયું છે.
ફિલ્મ ઉદ્યોગનું સૌથી લોકપ્રિય કપલ હોવા છતાં તેમના સંબંધમાં વ્યક્તિગત ઓળખ જાળવી રાખવાની બાબત મહત્વની છે. પોતાની ઓળખને સન્માન આપવા અને પોતાના મંતવ્યો મુક્તપણે વ્યક્ત કરવાના પ્રોત્સાહન માટે જેનેલિયા રિતેશને શ્રેય આપે છે. તેમના વ્યાવસાયિક સહયોગમાં આ સંતુલન નજરે પડે છે. એક તરફ રિતેશ ફિલ્મસર્જનના રચનાત્મક પાસા તરફ ધ્યાન આપે છે તો જેનેલિયા વ્યવસ્થાપન સંભાળીને ફરજોના સ્પષ્ટ વિભાજનની ખાતરી કરે છે. રિતેશ જણાવે છે કે પાર્ટનર સાથે કામ કરવા માટે એક અલગ જ મનોસ્થિતિની જરૂર પડે છે, એક બીજાના સબળા પાસા સમજવા પડે છે અને તમામ બાબત પર નિયંત્રણ મેળવવાની લાલચ રોકવી પડે છે. સંતુલન જાળવી રાખવાના આ સભાન પ્રયાસને કારણે બંને જણા અંગત રીતે તેમજ વ્યાવસાયિક રીતે સતત પ્રગતિ કરતા રહ્યા છે.
રિતેશની કારકિર્દી પથમાં પણ આ પુનર્શોધનો પડઘો પડે છે. હિન્દી સિનેમામાં કોમેડી રોલ માટે વ્યાપક પ્રસિદ્ધિ મેળવનાર રિતેશે એક વિલનમાં પોતાના ઉગ્ર પરફોર્મન્સથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા. લગભગ એ જ સમયે તેણે 'લઈ ભારી' સાથે મરાઠી સિનેમા તરફ મહત્વનો વળાંક લીધો. રિતેશ જણાવે છે કે આ પરિવર્તન પાછળ તેના પિતા વિલાસરાવ દેશમુખના સરળ છતાં માર્મિક સવાલ જવાબદાર હતા, જેણે તેને મરાઠી ફિલમોમાં યોગદાન આપવાની અપીલ કરી. આ પળ તેના માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ જે તેને તેમનો પોતાનું પ્રોડક્શન હાઉસ મુંબઈ ફિલ્મ કંપની સ્થાપવા તરફ દોરી ગયું, જેણે ત્યાર પછી અનેક મરાઠી ફિલ્મોને ટેકો આપ્યો.
રિતેશ માટે આ પગલુ માત્ર વ્યાવસાયિક જ નહિ પણ ખાસ અંગત પણ હતું. તેના મતે પ્રાદેશિક ફિલ્મોમાં સંસ્કૃતિ, ભાષા અને વિરાસતનો સાર હોય છે, જે તત્વો વૈશ્વિકરણ તરફની રેસમાં હાંસિયામાં ધકેલાઈ જતા હોય છે. મરાઠી ફિલ્મોમાં રોકાણ કરીને તેનો હેતુ વાર્તા કહેવાની પરંપરાગત શૈલી જાળવી રાખવાનો તેમજ સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવવાનો છે. રિતેશના મતે સિનેમા, થિયેટર અને સાહિત્ય જેવા કલાના પ્રકારો ભાષા ટકાવી રાખવા તેમજ લોકકથા અને પરંપરામાં સમાવિષ્ટ મૂલ્યો આગળ વધારવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.
જેનેલિયાનો અભિગમ પણ આ માનસિકતા માટે પૂરક સાબિત થયો છે. દેશ વ્યાપી ટ્રેન્ડ લોકપ્રિય બન્યો તેના ઘણા સમય અગાઉથી જ બહુવિધ ફિલ્મ ઉદ્યોગમાં કામ કર્યું હોવાથી તેણે વૈવિધ્યસભર કથાનકોની સમૃદ્ધિ આત્મસાત કરી છે. વિવિધ ભાષાઓમાં કામ કરવાના અનુભવે તેની સંસ્કૃતિઓ અને કથાનકોની સમજને વધુ વિસ્તૃત કરી છે, જેનો ઉપયોગ તે હવે તેમના જ પ્રોડક્શન સાહસોમાં કરી રહી છે. જેનેલિયાના મતે અભિનયનું મૂળ અનુભવોમાં સમાયેલું છે અને વિવિધ ભાષી તેમજ સાંસ્કૃતિક સંદર્ભોમાં કામ કરવાથી આ કલા વધુ ગાઢ જ બની છે.
સિનેમામાં તેમની પસંદગીમાં પણ અવસર અને ઈરાદા વચ્ચેના સ્પષ્ટ ભેદ પ્રતિબિંબિત થાય છે. રિતેશ સ્પષ્ટતા કરે છે કે હિન્દી ફિલ્મોમાં તેણે ઓફર થતા રોલમાંથી પસંદગી કરવાની હોય છે જ્યારે મરાઠી સિનેમામાં તેને શરૂઆતથી જ પ્રોજેક્ટને આકાર આપવાની સ્વતંત્રતા હોય છે. જે બે ઉદ્યોગો વચ્ચેના કામ વચ્ચે મહત્વનો તફાવત છે. જેનેલિયાની પોતાની સફરમાં કારકિર્દીની ટોચે મહત્વનો વિરામ સમાવિષ્ટ હતો, જ્યારે તેણે પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરવા ફિલ્મોથી અંતર બનાવી લીધું. લગભગ એક દાયકા પછી રિતેશ દ્વારા દિગ્દર્શિત 'વેદ' સાથે તેની વાપસી ભાવનાત્મક અને વ્યાવસાયિક સીમાચિહ્ન હતું. પોતાની વાપસી માટે સતત પ્રોત્સાહન આપવા તેણે રિતેશને શ્રેય આપ્યું જેણે તેને અભિનય પ્રત્યેના લગાવની યાદ અપાવી. બીજી તરફ રિતેશને જેનેલિયાની માતૃત્વ અને પારિવારીક ભૂમિકાથી પાર તેની ઓળખ સાથે તેને જોડવાનું જરૂરી માન્યું. રિતેશ માટે એક કલાકાર તરીકે વ્યક્તિની પુનર્શોધ અંગત જવાબદારીઓ સ્વીકારવા જેટલી જ મહત્વની છે.
ફિલ્મો ઉપરાંત કપલની રમતિયાળ કેમિસ્ટ્રીને સોશિયલ મીડિયામાં નવુ મંચ મળ્યું છે, જ્યાં તેમની રમૂજી રીલો દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. તેમનો રમતિયાળ અંદાજ તેમના પારિવારીક જીવનમાં પણ વર્તાય છે. જેનેલિયા તેમના બાળકો, ખાસ કરીને બુદ્ધિચાતુર્યની બાબતમાં પિતાના પગલે ચાલનારા નાના પુત્ર રાહીલ વિશે અવનવી વાતો કરે છે. આ પળો હાસ્યથી ભરેલા એક પરિવારને પ્રતિબિંબિત કરે છે, જ્યાં રમૂજ તેમના સંબંધનો આધાર બન્યું છે.
રિતેશના મતે ફિલ્મ ઉદ્યોગમાં સદ્ભાવના પણ ઠાંસી ઠાંસીને ભરી છે. તે જણાવે છે કે આદર અને સહાનુભૂતિ ખૂબ જ મહત્વના છે કારણ કે તે ઘણીવાર આપણને અનપેક્ષિત રીતે પાછા મળે છે. ફિલ્મના સેટ પર પ્રત્યેક સભ્યનું અભિવાદન કરવાથી લઈને પ્રત્યેક યોગદાન માટે કદર કરવા સુધી, રિતેશ કૃતજ્ઞાતા અને અન્યોને સહાય કરવાનો અભિગમ ધરાવે છે. રિતેશ જણાવે છે કે અતિશય સ્પર્ધાત્મક ગણાતા આ ઉદ્યોગમાં અનેક કલાકારો એકબીજા પ્રત્યે ઉદારતા અને સમર્થન દર્શાવતા રહે છે.








