ગાયત્રીની સાધના નિષ્ફળ જતી નથી .

ગાયત્રી ઉપાસના નિષ્કામ ભાવનાથી કરવામાં આવે કે સકામ ભાવનાથી કરવામાં આવે, પણ તેનું ફળ અવશ્ય મળે છે. ભોજન સકામ ભાવનાથી કરવામાં આવે કે નિષ્કામ ભાવનાથી કરવામાં આવે પણ ભૂખ તો શાંત થાય છે. પરિણામે તેમાથી રક્ત પણ અવશ્ય થાય છે. જે ગીતા આદિ શાસ્ત્રોમાં નિષ્કામ કર્મ પર ભાર મૂકવામાં આવ્યો છે તેનું કારણ ઉચિત રીતે કરાયેલા કર્મથી પણ આપણું ધારેલું ફળ મળી જ જાય એવું બનતું નથી.
કેટલીકવાર કર્મના ભોગ આટલા પ્રબળ અને સુનિશ્ચિત હોય છે કે એમને રોકવાનો-ટાળવાનો સંભવ હોતો નથી. એવા કઠણ પ્રારબ્ધોના બંધનમાં મોટા મોટાઓને પણ બંધનો અને તેની યાતનાઓ ભોગવવી પડે છે.
રામનું વનગમન, સીતાનું હરણ, કૃષ્ણનું શિકારીના હાથે ઘાયલ થઈને સ્વર્ગે સીધાવવું, હરિશ્ચન્દ્રને સ્ત્રી-પુત્ર વેચવા પડયા, નળે કરેલો દમયંતિનો ત્યાગ, પાંડવોનું હિમાલયમાં ગળાઈ જવું, શબ્દવેધી બાણ મારવામાં કુશળ પૃથ્વીરાજનું મલેચ્છોના કેદી થઈને મરવું, આવી અસંખ્ય ઘટનાઓ ઇતિહાસમાં જોવા મળે છે.
આથી આશ્ચર્ય થાય કે આવા લોકો પર પણ વિપત્તિઓ શા કારણે આવી પડી ? એનાથી વિપરીત એવી ઘટનાઓ પણ છે કે સાવ તુચ્છ અને દુ:ખી પરિસ્થિતિના લોકોને મોટા મોટા અને ઊંચા પદો મળ્યા છે. કેવળ દૈવી સહાયતા વડે જ તેમને વિનાશ્રમે આટલો ઉત્કર્ષ પામેલા જોઈને આપણે આશ્ચર્યમાં ડૂબી જઈએ છીએ. આવી પરિસ્થિતિનું સમાધાન પ્રારબ્ધના ભલાબુરા ભોગોને આધારે જ થઈ શકે છે. જે બનવાનું હોય તે બન્યા જ કરે છે. પ્રયત્ન કરવા છતાં પણ તે ટળી શકે એમ નથી.
અહીં એવો સંદેહ ઉત્પન્ન થાય છે કે, જો પ્રારબ્ધ જ પ્રબળ હોય તો પછી પ્રયત્ન કરવાથી શો લાભ ? એના સમાધાનમાં સમજવું જોઈએ કે જીવનમાં બધા જ કાર્યો કંઈ પ્રારબ્ધ પર જ નિર્ભર હોતા નથી. જીવનનો મોટોભાગ એવો હોય છે કે જેમાં તાત્કાલિક કર્મોનું ફળ મળતું રહે છે. ક્રિયાનું પરિણામ તરત જ મળી જાય છે. પણ કદી કદી એમાં અપવાદ આવતા રહે છે. સારું કરવા જતા બૂરુ થાય છે, અને બૂરુ કરવા જતા સારું થાય છે. એવા અપવાદો હંમેશા હોતા નથી, પણ કદી કદી જ જોવામાં આવે છે. જો એવી જ ઊંધીચત્તી ઘટનાઓ રોજ બન્યા કરે તો દુનિયાની બધી જ વ્યવસ્થા બગડી જાય, કર્તવ્ય માર્ગ જ નષ્ટ થઈ જાય. કર્મ અને ફળનું બંધન કદી નજરે ન પડતું હોય તો લોકો કર્તવ્યનો માર્ગ છોડી દઈને 'થવાનું હશે તે થશે' એમ માનીને ભાગ્યને ભરોસે બેસી રહેવાની જ નીતિ અપનાવી લે. અને તેથી જગતમાં ઘોર અવ્યવસ્થા ફેલાઈ જાય. એવું હંમેશા બનતું નથી પણ કદી કદી એવા અપવાદો જોવામાં આવે છે ખરા. આવા પ્રસંગે અકાટય પ્રારબ્ધની જ પ્રબળતા સમજવી જોઈએ. ધારેલું ફળ ન મળે તો પણ ગાયત્રી સાધનાનો શ્રમ વ્યર્થ જતો નથી. એનાથી બીજા પ્રકારના લાભો તો પ્રાપ્ત થાય જ છે. જેમ કોઈ યુવક બીજા યુવકને કુસ્તીમાં પછાડવાને માટે વ્યાયામ અને પૌષ્ટિક ભોજન કરીને પોતાનું શરીર સુદ્રઢ બનાવવાની ઉત્સાહપૂર્વક તૈયારી કરે અને પૂરી તૈયારી પછી કદાચ સામાને હરાવી ન શકે તો તેણે એવું ન સમજી લેવું જોઈએ કે તેની તૈયારી ફોગટ ગઈ છે. તે તો તેનો ફાયદો તો બતાવશે જ. શરીરની સુદ્રઢતા, ચહેરાની કાંતિ, અંગોની સુડોળતા, ફેફસાની મજબૂતી, બલવીર્યની અધઇકતા, નીરોગીતા, દીર્ધ જીવન, કાર્યક્ષમતા, બળવાન સંતાનો વગેરે લાભો તો મળે જ છે. ગાયત્રી સાધનાનું પણ આવું જ છે.
ગાયત્રી સાધકોમાં પણ ઘણા બાળક અને રોગીના જેવી બુદ્ધિવાળા હોય છે. તેમની નજરે તો તેમની કામના યોગ્ય હોય છે પરંતુ ઇશ્વર જાણે છે કે કયા પ્રાણીઓને કઈ વસ્તુ ઉપયોગી છે. તે પોતાના પુત્રોને એમની યોગ્યતા, સ્થિતિ અને આવશ્યકતાને અનુકૂળ વસ્તુઓ જ આપે છે. અસફળ ગાયત્રી સાધકોમાં સંભવ છે કે કોઈને બાળબુદ્ધિની માંગણીને લીધે અસફળ થવું પડયું હોય!
માતા પોતાના એક બાળકને રમકડા અને મીઠાઈ આપીને વહાલ કરે છે અને બીજા બાળકને હોસ્પિટલમાં ઓપરેશનની પીડા આપવાને લઈ જાય છે, અને કડવી દવા પીવડાવે છે. બાળક આ વર્તનને માતાનો પક્ષપાત, અન્યાય, નિર્દયતા અથવા જે ચાહે તે કહી શકે છે. પણ માતાના હૃદયમાં બન્ને બાળકો માટે સરખો જ પ્યાર હોય છે. આપણી નિષ્ફળતાઓ, હાનિઓ તથા યાતનાઓ પણ કેટલીકવાર આપણા લાભને માટે જ હોય છે. માતા આપણી મોટી આપત્તિઓને નાના કષ્ટ દ્વારા નિવારવા માગતી હોય છે.
દુ:ખ દારિદ્રય, રોગ, ક્લેશ, અપમાન, શોક, વિયોગ આદિ આપીને પણ આપણા ઉપર તે પોતાની મહાનકૃપાનું પ્રદર્શન કરે છે. કડવી દવાઓ પીવડાવીને આપણાં શરીરમાં છૂપાયેલા ભયંકર વ્યાધિઓનું શમન કરી ભવિષ્યમાં પૂર્ણ નિરોગી રાખવાનો પ્રયત્ન કરે છે. જો એવો અવસર આવે તો ગાયત્રી સાધકે પોતાનું ધૈર્ય ન છોડવું જોઈએ, અને નિરાશ ન થવું જોઈએ. સ્મરણ રાખવું જોઈએ કે માતાના ખોળામાં પોતે નિશ્ચિંત થઈ ચૂક્યો છે. તેથી સંકટમાં માતાથી એ છૂપું રહેતું નથી કે પુત્રને વસ્તુત: કઈ વસ્તુની આવશ્યકતા છે. એ જ આવશ્યકતા એની દ્રષ્ટિએ ઉચિત છે, એનાથી તે પોતાના બાળકને વંચિત રહેવા દેતી નથી.
ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ ।।
- હરસુખલાલ ચુનીલાલ વ્યાસ








