Magazines

ગાંધીજીએ વારતા કહી : સંઘર્યો સાપ પણ કામનો

By GS TEAM
1 Aug 20253 mins read
ગાંધીજીએ વારતા કહી : સંઘર્યો સાપ પણ કામનો

- સરદારે વળતી વારતા કહી : સંઘર્યો સાપ મુક્તિ અપાવે 

- એક વારતા સૂફિયાણી ને બીજી વારતા ફિસિયાણી

- ચંદનહાર કરતાં ચંદન સાપ જ સમડીને તો વધુ ગમે ને?

- હરીશ નાયક

ગાંધીજીએ વારતા શરૂ કરી. વારતા સાંભળવા તૈયાર થઈને બેઠા હતા તરુણો, યુવાનો, આધેડો, વૃદ્ધો. એ બેઠકમાં કંઈક નેતાઓ હતા. વલ્લભભાઈ પટેલ તેમાંના એક. યરવડા જેલનું વાતાવરણ. અવકાશનો સમય. પ્રાર્થના બોધ વચનો, ભાષણ, આઝાદીનાં ગીતો બધું પત્યું પછી શ્રોતાઓ કહે : બાપુ, આજે વારતા કહો.

બાપુ હસીને પૂછે, 'હું? વારતા કહું?'

સાંભળનારા કહે : 'હા બાપુ. તમે જ વારતા કહો, વારતા કહો.'

બાપુએ અચ્છા વાર્તાકારની જેમ વારતા શરૂ કરી : 'એક હતો વાણિયો. તેના ઘરમાં નીકળ્યો સાપ. તેણે તો હો-હા કરી મૂકી. લોકો ભેગા થયા. સાપને માર્યો. પછી સાપને ફેંકવો ક્યાં? વાણિયો કહે : 'છાપરે જ ફેંકો.'' નવાઈ તો લાગી બધાંને પણ વાણિયાએ કહ્યું તેમ જ કર્યું. સાપને ફેંક્યો છાપરે. આપણું શું જાય છે?

'... હવે બન્યું એવું કે રાણી નદીમાં સ્નાન કરવા ગઈ. ઘરેણાં કાઢીને મૂક્યા હતા કિનારે. એક સમડીએ તે જોયા. ચળકતી વસ્તુ કોઈક જીવ હશે માનીને સમડીએ ઝાપટ મારી. રાણીનો ચંદનહાર ઉપાડી લીધો.'

ચંદનહાર લઈને સમડી આકાશમાં ઊડતી હતી અને તેની નજર પેલા સાપ પર પડી. વાણિયાના છાપરા પર ફેંકાયેલા મરેલાં સાપ પર. ચંદનહાર કરતાં ચંદન સાપ જ સમડીને તો વધુ ગમે ને? તેણે હાર મૂકી દીધો. સાપ ઉપાડી લીધો. ઉડી ગઈ.

બીજે દિવસે વાણિયાએ છાપરે જોયું તો ચંદનહાર, સાપને બદલે ચંદનહાર.

એવામાં રાજ્યના સિપાહીઓ રાણીનો હાર શોધતા હતા. વાણિયો જાતે હાજર થયો : ' આ રહ્યો રાણીબા આપનો ચંદનહાર. આજ ને? રાણી રાજી થઈ. પહેલાં શંકા ગઈ કે આ વાણિયો હાર લાવ્યો ક્યાંથી? પણ પછી તેનું સ્વાગત કર્યું. સારું એવું ઇનામ આપ્યું. મારા સાથીઓ ! આ વારતા મેં બાળપણમાં સાંભળી હતી. એ ઉપરથી જ કહેવત પડી કે : 'સંઘર્યો સાપ પણ કામનો. હું તમને નાની નાની વસ્તુઓ, સાબુની ઠીકરી કે નાનકડી પેન્સિલ સંઘરવાનું કહું છું ને ! તેનું કારણ આ વારતા. સંઘર્યો સાપ પણ કામનો.''

સાંભળનારા નાના મોટા બધાં રાજી થયા. એક સિવાય. એ હતા સરદાર.

'હવે હું વારતા કહું છું..' વલ્લભભાઈએ શરૂઆત કરી. શ્રોતાઓને તો મઝા જ પડી ગઈ. બધાં સરદાર તરફ ફરીને બેઠા.

સરદાર કહે : 'બાપુની વારતા ખોટી છે. બાપુ આવી વારતા કહે? વારતા તો આમ છે. સાંભળો ! એક હતો વાણિયો. તેને ઘરે સાપ નીકળ્યો. વાણિયો અહિંસક હતો. સાપને મારે શું કામ? તેણે એક ટોપલો ઉપાડયો. સાપ ઉપર ઢાંકી દીધો. ઉપર વજન માટે મૂકી દીધી ટોપલી.'

આવ્યો એક ચોર. તપેલી ઉપાડી નીચે મૂકી. ટોપલા નીચે જરૂર કંઈક ઢાંક્યું છે. ખાવાનું છે. સમજીને તેણે ટોપલો ઊંચો કર્યો. ખાવાનું મળે તો ખાવું નહિ તો જે મળે તે હાથ કરવું.

પેલો વાણિયો ઊંઘમાં બોલતો હતો : 'ના બિલાડી. ટોપલા હેઠળ નહિ. ત્યાં તારા કામનું કંઈ નથી. ત્યાં તો ખાલી પેટી છે. મારી કિંમતી ચીજવસ્તુની. ના બિલાડી ના...'

ચોરને ખાતરી થઈ ગઈ કે ટોપલાં હેઠળ માલ છે. તેણે તો નાખ્યો હાથ, ફૂં..ઉ..ઉ..ઉ..! કરડયો સાપ. ચોર મરી ગયો. વાણિયાએ લોકોને ભેગા કર્યા. ચોર ખૂંખાર ચોર હતો. તેનો કડપ ભારે હતો. બધાં જ ડરતાં. એ ચોર મરાયો એથી લોકો રાજી થયા. લોકોને કાયમની નિરાંત થઈ.

વાણિયાએ સાપને માર્યો નહિ. સાપ પાસે કામ લઈ લીધું. તેને ગામ લોકો પાસે પકડાવી દીધો. એક માટલામાં સાપને પૂર્યો. માટલાનું મોઢું બંધ કર્યું. સાપને એના પર્યાવરણમાં છોડી દીધો.

થોડીક ક્ષણો થોભી કથાકાર સરદાર કહે : 'લોકોએ ખાધું પીધું અને રાજ કર્યું. '

સરદાર એટલે હાસ્ય.

સરદાર એટલે ગેલ ગમ્મત અને રસ્તો.

સરદાર એટલે વ્યૂહરચના.

સરદાર એટલે માર્ગદર્શન.

વારતા સાંભળી બધા હસ્યા.

બંને વારતા મનોમન જ સરખાવવા લાગ્યા. (તમેય સરખાવજો) એક વારતા વાણિયાની હતી. એક વારતા પટેલની હતી. ગાંધીજીને પણ કહેવું જ પડયું : 'હું કંઈ એને સરદાર અમસ્તો કહું છું. પણ એ વારતાઓનો સરદાર હશે, એ વાત આપણે આજે જ જાણી.'

તે દિવસની પ્રાર્થનાસભા વારતાસભા ખૂબ જ ઝામી. આનંદવિનોદના માહોલમાં જ જેલ મહેફિલ પૂરી થઈ.