Magazines

ગોલ ગેડોટ : વન્ડર વુમનને મળ્યું યહૂદી 'નોબલ પ્રાઇઝ'

By GS TEAM
27 Nov 20252 mins read
ગોલ ગેડોટ  : વન્ડર વુમનને મળ્યું યહૂદી 'નોબલ પ્રાઇઝ'

હોલિવુડ સ્ટાર ગોલ ગેડોટ લાંબા સમયથી સ્ક્રીન પર શક્તિશાળી રોલ કરવા માટે પ્રસિદ્ધ છે, પણ તેને હાલમાં મળેલું સન્માન તેની અલગ પ્રકારની શક્તિની કદર માટે છે. આધુનિક ઈતિહાસમાં સૌથી ઝંઝાવાત ભર્યા સમય દરમ્યાન ઈઝરાયેલ માટે નૈતિક સાહસ, માનવીય પ્રતિબદ્ધતા અને અતૂટ સમર્થન માટે તેને એક એવોર્ડ આપવામાં આવ્યો છે. તે છે ઈઝરાયેલનું પ્રતિષ્ઠિત ૨૦૨૬ જેનેસીસ પ્રાઈઝ. આ ઇનામ એને આપવામાં આવ્યું છે, જેમણે વ્યાવસાયિક સિદ્ધિ હાંસલ કરી હોય, માનવતાના કાર્યોમાં યોગદાન આપ્યું હોય અને યહૂદી મૂલ્યો પ્રત્યે સમર્પિતતા દાખવી હોય. યહૂદી નોબલ તરીકે ઓળખાતા જેનેસિસ પ્રાઈઝ સાથે દસ લાખ ડોલરનું ઈનામ પણ હોય છે.  આ પૂરેપૂરી રકમ ગોલ ગેડોટે ઈઝરાયેલીની બિન સરકારી સંસ્થાઓને સમર્પિત કરી દીધી છે. 

એવોર્ડ સ્વીકૃતિના પોતાના હૃદયસ્પર્શી નિવેદનમાં ગેડોટે કહ્યું કે જેનેસિસ પ્રાઈઝ હાંસલ કરીને તેમજ મારા અગાઉ અભૂતપૂર્વ હસ્તીઓની હરોળમાં ઊભી રહીને હું ધન્યતા અનુભવી રહી છું. હું એક ગર્વિષ્ઠ યહૂદી અને ગર્વિષ્ઠ ઈઝરાયેલી છું. ઈઝરાયેલે અકલ્પનીય પીડા સહન કરી છે. હવે આપણે પાછા બેઠા થવું પડશે અને આપણા પરિવારો તેમજ સમુદાયોને ફરી ઊભા કરવા પડશે.    

ગાડોટની હિમાયત ખાસ કરીને ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ દક્ષિણ ઈઝરાયેલ પર ખોફનાક આતંકી હુમલા પછી વધુ પ્રબળ બની હતી. ત્યાર પછીના દિવસોમાં ગાઝામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલી મહિલાઓ પ્રત્યે વિશ્વનું ધ્યાન દોરવા પોતાના મંચનો ઉપયોગ કર્યો.

ગોલ ગેડોટનો પ્રભાવ માત્ર સિનેમાની સ્ક્રીન પૂરતો સીમિત નથી. આ હકીત  તેને મળેલા  જેનેસિસ પ્રાઈઝથી ફરી એક વાર સાબિત થઈ છે.