Magazines

મૉન્સૂનની મોસમમાં ફર્નિચર-કેર .

By GS TEAM
4 Aug 20252 mins read
મૉન્સૂનની મોસમમાં ફર્નિચર-કેર                          .

- કિંમતી ફર્નિચરને ભેજથી બચાવવા કરો 'ઓઈલિંગ', 'વેક્સિંગ'

ઘરમાં રાચરચીલું વસાવવાનું જેટલું આસાન છે  તેનાથી મુશ્કેલ છે તેની જાળવણી. વળી  ચોમાસામાં તેની ખાસ કાળજી કરવી પડે છે. જો તમારું ફર્નિચર કાષ્ટનું હોય, તેના એંગલ અથવા મિજાગરા લોખંડના હોય તો તેને કાટ લાગી જવાનો  ભય રહે છે. કાષ્ટના રાચરચીલા પર માત્ર ભીનું  કપડું ફેરવી દેવાથી ચોમાસામાં તેના પરનો ભેજ જલદી સુકાતો નથી. આને કારણે લાકડું ઝડપથી ખરાબ થઈ જવાનો ભય રહે છે. બહેતર છે કે આવી મોસમમાં તેની ખાસ સંભાળ લેવામાં આવે.

સૌથી પહેલાં તો ચોમાસામાં તમારા ફર્નિચરનું  ઓઈલિંગ કરો અથવા વેક્સિંગ કરો. આમ કરવાથી તેને ઝડપથી ભેજ નહીં લાગે. વેક્સિંગ માટે સ્પ્રે-ઓન વેક્સનો  ઉપયોગ કરવો. તેનાથી મીણની ફિનિશિંગ સારી આવે છે.

જરૂરી નથી કે આખા ચોમાસા દરમિયાન ઘરમાં તડકો ન જ આવે. કાષ્ટના ફર્નિચર પર તડકો પડવાથી તેનો રંગ ઉડી જાય છે. અથવા ઝાંખો પડી જાય છે. તેથી આવા રાચરચીલા પર તડકો ન પડે તેની કાળજી લેવી. લાકડાનું ફર્નિચર જ્યાં તડકો ન આવે એવી જગ્યાએ જ ગોઠવવું. જો તે શક્ય ન હોય તો બારી પર પડદો લગાવી દો. આમ કરવાથી ફર્નિચરને લાંબા સમય સુધી  જાળવી શકાય છે.

જો ફર્નિચરને ખસેડવાની જરૂર પડે તો તેને યોેગ્ય રીતે ખસેડો. જેમ કે ટેબલને ટોપથી ઊંચકવાને બદલે પાયા પાસેથી ઊંચકો. તેવી જ  રીતે ખુરશીને સીટથી  ન ખસેડો.

કાષ્ટના ફર્નિચર પર કોઈ પણ રીતે પાણી ન પડે તેનું ધ્યાન રાખો. ફ્લાવરવાઝમાં ભરેલું પાણી કે પાણીનો જગ કાષ્ટના ટેબલ પર ન રાખો. જો ફૂલદાની અથવા ગુલદસ્તો લાકડાના ટેબલ પર મુકો તો તેની નીચે મેટ અચૂક ગોઠવો. 

લાકડાના ફર્નિચર પર બહુ ધૂળ જામી ગઈ હોય તો હળવા ભીના કપડા વડે  લૂછ્યા પછી એકદમ  કોરા કાપડથી લૂછી લો.

ઘરમાં સાફસફાઈ કરતી વખતે  ફર્નિચરને ઘસડવાને બદલે ઊંચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ મુકવાથી તેને ઓછું નુકસાન પહોંચે છે. એટલું જ નહીં, ફરસ પર પણ ઘસરકા નથી પડતા.