ગાર્ડનિંગનો શોખ પૂરો કરો : સલાડ ગ્રીન્સની લહેજત માણો

- સલાડ ગ્રીન્સનાં શાકભાજી ઘરઆંગણે ઉગાડવાનો આનંદ અનેરો
રોજના ભોજનમાં સલાડ(સલડ-કચુંબર) એક મહત્ત્વનો ભાગ છે.સલાડ ન હોય તો ભોજનમાં કંઈક ખૂટતું હોય એવું લાગે. સલાડ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.સલાડ દ્વારા ભોજનમાં ખૂટતાં પોષક તત્વો ઉમેરી ભોજનને પૂર્ણ રુપે સમતોલ આહાર બનાવી શકાય.ભોજન દરમિયાન વચ્ચેવચ્ચે ખવાતું સલાડ વાનગીઓના મૂળ સ્વાદને સતત માણવા જરુરી હોવા સાથે તે ભોજનને વધુ રુચિકર તથા પાચ્ય અને પથ્ય બનાવે છે.શરીરનું આરોગ્ય જળવાય તે રીતે વજન ધટાડવા માટે પણ સલાડનો સહારો લેવાય છે.જોકે ભોજન સાથે સલાડ લેવાય કે ન લેવાય એ વિશે મતમતાંતરો છે એ એક અલગ બાબત છે. કોબી,ડુંગળી,કાકડી, ટમેટા, બીટ,ગાજર, કાચી કેરી, લેટિસનાં પાન, દાડમના દાણા, કેટલાંક ફળ અને ફણગાવેલાં કઠોળ સુધીની તરેહવારની ખાદ્ય ચીજો વેજીટેબલ સલાડ, ફ્ટ સલાડ,કઠોળનું સલાડ,સલાડ ગ્રીન્સ ના નામે ભોજનથાળનો શણગાર બને છે. અલબત્ત,આરોગ્યનાં કારણોસર ભોજનને સ્થાને પણ સલાડ ખવાય છે.સલાડમાં કાચાં શાકભાજી કે કાચાંપાકાં રાધેલાં શાકભાજી (જેમ કે લીલાં મરચાંવાળો ગાજર કે કોબીનો સંભારો)નો સમાવેશ હોય છે.
સલાડ ગ્રીન્સમાં સમાવેશ પામતાં શાકભાજીમાંનાં કેટલાંક તો ઘરઆંગણે ઉગાડી શકાય છે.સલાડ ગ્રીન્સ એટલે એવાં લીલાં શાકભાજી કે જે કાચેકાચાં ખવાય કે અન્ય ચીજોના સલાડમાં ભેળવીને પણ પીરસી શકાય.લીલાં શાકભાજીમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. ઘરનું આંગણું,વાડો,આસપાસની જમીનમાં આવાં શાકભાજીનાં બીજ પદ્ધતિસર વાવી દો,થોડોક સપ્તાહ રાહ જોવા સાથે બીજના ફૂટેલા ફણગાની માવજત કર્યે રાખો અને છેવટે સ્વમહેનતે ઘરઆંગણે ઉગાડેલાં શાકભાજીના સલાડની લહેજત માણો.
ઘરપરિસરમાં જમીન ન હોય તો પણ ''મેં ઉગાડયું છે'' એવો નિજાનંદ મેળવવા સલાડ ગ્રીન્સની ફૂદીનો,કોથમીર, અજમો જેવી કેટલીક ચીજો કૂંડા (ગાર્ડન પોટ)માં પણ ઉગાડી શકાય.કૂંડા કે અન્ય પાત્રની ઊંડાઈ છોડનાં મૂળ વધે તેટલી તથા તેમાંની માટી પોચી હોવી જોઈએ.
ઘરઆંગણે શાકભાજી ઉગાડવાં એટલા માટે ઘણું સહેલું છે કે એ માટે ખાતર કે પાણીની ઝાઝી જરૂર પડતી નથી. છોડની આસપાસની જમીન પોચી રહે અને તે સૂકાઈ ન જાય તેટલા પૂરતું પાણી અવારનવાર પીવડાવો તો ચાલે.શાકભાજી પૂર્ણપણે ઉગી ગયાનું જણાય તે સાથે તેને કાપી ઉપયોગમાં લો.એ પછી નવેસરથી બીજ વાવો જેથી શાકભાજીનો બીજો ફાલ લઈ શકાય.પ્રસ્તુત છે સલાડ ગ્રીન્સનાં ક્યાં શાકભાજી ઘરઆંગણે ઉગાડાય તેની અછડતી માહિતી :
(૧) બટરહેડ લેટિસ : આખુકર્ણી તરીકે પણ ઓળખાતા લેટિસ,લેટસ કે લેટયૂસ એટલે સલાડમાં વપરાતી એક ભાજી.આછાં લીલાં પાનવાળા આ વિલાયતી છોડનાં કાચાં પાન કચુંબર તરીકે ખવાય છે.ભોજનપ્રેમીમાં આ એક અતિ પ્રિય સલાડ ગ્રીન્સ છે. બટર લેટીસમાં માનવ સ્વાસ્થ્ય માટે લાભકારી અને વિવિધ રોગોને રોકવામાં સહાયરુપ ફાયટોન્યુટ્રિઅન્ટસ ભરપૂર પ્રમાણમાં છે.તેના નામમાંનો ''બટરહેડ'' શબ્દ જ સૂચવે છે કે તેનાં પાન કૂણાં અને નરમ હોય છે. ઠંડા હવામાનમાં તે સહેલાઈથી ઊગી શકે છે.તેને તૈયાર થતાં છથી સાત સપ્તાહ લાગે છે.
(૨) કોબી : કોબીને ફૂદીના,સુગંધિત સદાબહાર જડીબુટ્ટી રોઝમેરી અને અજમા સાથે ઉગાડવી જોઈએ. કોબીમાં વિટામિન ઈ,સી તથા કેલ્શિયમ પ્રચુર પ્રમાણમાં હોય છે. કૂંડામાં કોબીનાં બીજ મોડામાં મોડાં જૂનના અંત સુધીમાં વાવવાથી તેનો સારો ફાલ ઊતરે છે.
(૩) એન્ડિવ : મૂળ ભૂમધ્ય સમુદ્રના વિસ્તારના આ છોડનાં કડવાં પાન સલાડમાં વપરાય છે.આમાં વિટામિન સી અને એ પુષ્કળ પ્રમાણમાં હોય છે.આ વનસ્પતિ લેટિસ કૂળની છે.એને કોફીમાં ભેળવાતી ચિકોરીના તાજ તરીકે પણ ઓળખવામાં આવે છે.એન્ડિવને કૂંડામાં કે એવા અન્ય કોઈ ઊંડા પાત્રમાં ઊગાડી શકાય અને એ માટે વસંત તુ યોગ્ય સમય છે.
(૪) કાકડી : કાકડીના યોગ્ય ઉછેર માટે પુષ્કળ સૂર્ય પ્રકાશ અને સેન્દ્રિય ખાતર જરુરી છે. ઘરઆંગણે ઉગાડવા વેલા પર નહીં પરંતુ છોડ પર થતી કાકડીની જાત પસંદ કરવી જોઇએ. કાકડી એન્ટીઓક્સિડન્ટ (એવો પદાર્થ જે શરીરમાંથી હાનિકારક ફ્રિ રેડિકલ નામના પદાર્થને દૂર કરવામાં તથા શરીરના કોષોને થતું નુકસાન અટકાવવામાં સહાય કરે છે)તથા વિટામીન એ,સી,ડી અને ઈથી સમૃદ્ધ હોય છે. વાવ્યા પછી બે થી અઢી મહીનામાં કાકડી મળવાની શરૂઆત થાય છે.
(૫) મૂળા : ઘરઆંગણે ઉગાડી શકાય એવાં અતિ અનુકૂળ સલાડ ગ્રીન્સમાં મૂળાનો સમાવેશ થાય છે.થોડીક જમીન કે કૂંડામાં ય આ કંદમૂળ ઝડપથી ઊગી નીકળે છે. વિટામીન સી,ફાઈબર,એન્ટીઓક્સિડન્ટસથી સમૃદ્ધ મૂળા થોડીક તીખાશ ઉમેરવા સાથે સલાડનો કકરું બનાવે છે.મૂળાને તૈયાર થતાં ત્રણથી ચાર સપ્તાહ લાગે છે.
(૬) પાલક : લોહ તત્વ (આયર્ન), પોટેશિયમ, ફોલિક એસિડ તથા વિટામિન એ અને સીથી ભરપૂર પાલકને ઉગવા માટે ઠંડું હવામાન વધુ અનુકુળ છે.કૂંડામાં પણ તેને ઉગાડી શકાય છે.
બજારમાંથી ખરીદીને લેવાય તેની તુલનાએ સલાડ ગ્રીન્સનાં કેટલાં શાકભાજી પોતાના ઘરઆંગણે ઉગાડવાનો આનંદ અનેરો છે. જાતે ઉગાડેલાં શાકભાજી ભલે જથ્થામાં થોડાંક હોય, ક્યારેક જ હોય પરંતુ જ્યારે એને સલાડ ગ્રીન્સ સ્વરૂપે ખાવ ત્યારે તમને એ વધુ સ્વાદિષ્ટ લાગશે કેમકે એ શાકભાજીનો ઉછેર તમે કર્યો છે,એની માવજત તમે કરી છે,એની સારસંભાળ તમે રાખી છે,આ રીતે એની સાથે તમારો સંબંધ છે,એક પોતીકાપણું છે અને આ તમામ ભાવ શાકભાજી જેવી સર્વસામાન્ય (કામન) ચીજને પણ વધુ આસ્વાદ્ય બનાવશે.અને એ સાથે જ ગાર્ડનિંગનો શોખ પોષાવા ઉપરાંત સલાડ ગ્રીન્સની લહેજત પણ માણવા મળશે એ નિશ્ચિત છે.
- મહેશ ભટ્ટ









