Magazines

મહેનતનું ફળ .

By GS TEAM
20 Feb 20262 mins read
મહેનતનું ફળ                                                   .

- સોનુ ખિસકોલી હસીને કહે, 'પોપટભાઈ, એમાં મારો આભાર માનવાનો ન હોય. હું તો મારી ટેવ મુજબ મહેનત કરતી હતી એનું ફળ આજે બધાને મળ્યું.'

- ગાયત્રી જાની 

એક જંગલમાં ખૂબ બધાં પશુપંખીઓ હતાં. સૌ હળીમળીને રહેતાં હતાં. પંખીઓ તો આખો દિવસ ખાઈ પીને મોજ કરે.  ફરે, ઉડે અને પછી પાછાં આવીને સૂઈ જાય. જંગલમાં એક ખિસકોલી રહેતી  હતી. એનું નામ સોનુ. એ રોજ ખાઈ લીધાં પછી પણ ખોરાકની શોધ માટે નીકળી જતી. જ્યાં પણ દાણા દેખાય એ લઈને પોતાનાં ઘરમાં ભેગાં કરતી. રોજ એ કંઈક ને કંઇક લઈ આવે. જે કોઈ સોનુ ખિસકોલીને જોઈ જાય એ અચુક કહે કે, 'તું નકામી મહેનત કર્યા કરે છે. અમને જો. અમે બધાં પેટ ભરીને કેવાં મોજ કરીએ છીએ!'

પરંતુ સોનુ ખિસકોલી કોઈનું સાંભળતી નહીં. 

એક વખત પોપટભાઈ એને કહેવા લાગ્યા, 'સોનુ, હવે અમારી જેમ જે મળ્યું એમાં મોજ કર, બહુ મહેનત ના કરીશ...'

'પોપટભાઈ, હું પણ મોજ કરું જ છું, પરંતુ થોડો સમય આ મારું ગમતું કામ પણ કરું છું.'

'એ નકામું કામ છે. આપણે રોજ જંગલમાંથી કંઈક ને કંઇક તો ખાઇ જ લઈએ છીએ, પછી શું કામ આટલી બધી મહેનત કરવાની?'

ખિસકોલીએ કંઈ જવાબ આપ્યો નહીં. એ પોતાનાં ઘરમાં જતી રહી. 

થોડો સમય વીત્યો. એક દિવસ વાતાવરણમાં અચાનક ફેરફાર થવા લાગ્યો. ચોમાસુ આવ્યું નહોતું તોય ખૂબ પવન વરસાદ પડયો. ઝાડ પરથી કેટલાંય  ફળ, ફૂલ નીચે પડી ગયાંં ને વરસાદના પાણીમાં વહી ગયાં. દિવસ-રાત એકધારો વરસાદ પડયો હોવાથી કોઈને ખાવાનું મળ્યું નહીં.

સોનુ ખિસકોલી સૌને કહે, 'તમે કોઈ ચિંતા કરતા નહીં. મારી પાસે ખૂબ બધા દાણા છે. હું આવી અણધારી પરિસ્થિતિ માટે જ જે દાણા ભેગા કરતી હતી...' 

આમ કહીને એણે  પોપટભાઈ અને બીજા પંખીઓને પોતે સંઘરેલા દાણા આપ્યા. સૌને ખૂબ રાહત થઈ. 

પોપટભાઈ ખિસકોલીને કહે, 'મેં તને ગમે તેમ કહ્યું હતું  છતાં તે અમારી મદદ કરી. તે બદલ તારો આભાર...'

સોનુ ખિસકોલી હસીને કહે, 'પોપટભાઈ, એમાં મારો આભાર માનવાનો ન હોય. હું તો મારી ટેવ મુજબ મહેનત કરતી હતી એનું ફળ આજે બધાને મળ્યું.'

બધાં પંખીઓ દાણા ખાતાં ખાતાં કહેવા લાગ્યાં, 'સોનુ, તારી વાત તો સાવ સાચી છે. મહેનતનું ફળ વહેલામોડું મળે જ છે!'