Magazines

મૂઢ માણસો ઈશ્વરને શરણે નથી થતા! ક્યા માણસો ઈશ્વરને શરણે થાય છે??

By GS TEAM
4 Feb 20263 mins read
મૂઢ માણસો ઈશ્વરને શરણે નથી થતા! ક્યા માણસો ઈશ્વરને શરણે થાય છે??

ગીતામાં આસ્તિક અને નાસ્તિક બન્ને પ્રકારનાં માણસોને વર્ણવ્યા છે. ગીતામાં શાન અને વિજ્ઞાન નામનો સાતમાં અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાને સ્વમૂખે આની વ્યાખ્યા કરે છે.

''કોણ ઈશ્વરને ભજી શકતા નથી તેનાં માટે શ્રીકૃષ્ણ કહે છે.  (૧) જેનું જ્ઞાન માયા વડે હરાયેલું છે. (૨) મનુષ્યોમાં અધમ (૩) આસુર-દુષ્કર્મ કરનારા અને (૪) મૂઢજનો મને ભજતા નથી.'' આ લોકો માટે તેણે નરાધમ શબ્દ વાપર્યો છે. જે નાશવંત પદાર્થોમાં મમતા રાખે છે. અને નથી મળી શકવાની વસ્તુઓ અથવા જે ક્ષણિક દુ:ખ દેનારી વસ્તુઓ છે. તેના મમતા રાખે છે. તેની કામના કરે છે. જ્યારે તે ભગવાન સિવાયની બીજી સત્તાને મહત્ત્વ આપે છે.

તમોગુણી વ્યક્તિ સાર-અસાર, નિત્ય-અનિત્ય, સત્-અસત્, ગ્રાહ્યને ત્યાજય તથા કર્તવ્ય-અકર્તવ્ય વગેરે તરફ ધ્યાન ન આપનારા પરમાત્મા તરફ ધ્યાન દઈ શકતા નથી. તેઓ મૂઢ છે. જે પરમાત્માને શરણે કેવી રીતે જઈ શકે? અહીં ગીતામાં નરાધમ શબ્દ પણ વાપર્યો છે. એનો આશય એ છે કે દુષ્કૃત અને મૂઢ મનુષ્યો પશુઓથી પણ હીન છે. પશુઓ તો થોડાક પણ તેની મર્યાદામાં રહે છે, પરંતુ મનુષ્યો હોવા છતાં તે મર્યાદામાં નથી રહેતા. મનુષ્ય શરીર મળ્યું છે છતાં પાપ, અન્યાય વગેરે કરીને નરક તરફ પશુયોનિ તરફ જઈ રહ્યા છે.

''ગીતાના ૧૬માં અધ્યાય દૈવાસુર સંપતિ વિભાગયોગ આવા અહંકારી, ધમંડવાળા, કામીપુરુષ ક્રોધીપુરુષ બીજાના અનાચારોમાં રચ્યા પચ્યા બીજાની નિંદાકરનારા, અંતર્યામી પરમાત્માનો દ્વેષ કરનારા પાપાચારીને હું (ભગવાન શ્રીકૃષ્ણ) વારંવાર સંસારમાં રહેલી આસુરી યોનિઓમાં નાખું છું... હે કૌન્તેય ! એ મુર્ખાઓ મને પામ્યા વિના જ જનમોજનમ આસુરી યોનિને પામે છે અને પછી એનાથીય નીચ ગતિને-નરકોમાં પડે છે.''

જે લોકો 'માયા'-મોહથી ઢંકાયેલા જ્ઞાનથી તેઓનીવૃત્તિ પૈસા-રૂપિયા-સંપત્તિ વગેરેના સંગ્રહમાં અને માનવ અપમાન, યોગ્યતા, પ્રતિષ્ઠા, કીર્તિ, વગેરેમાં જ આસક્ત રહે છે. તેની પ્રાપ્તિ કરવામાં જ પોતાની ચતુરાઈ અને પ્રયત્નની સફળતા તથા પૂર્ણતા માને છે આ કારણે તેઓ એ સમજતા જ નથી કે જે અત્યારે નથી, તેની પ્રાપ્તિ થઈ જાય તો પણ અંતમાં તે નહિ રહે.

* મૂઢ :- પોતે જે ક્રિયા કરતો નથી અને ક્રિયા કરનાર શક્તિ ઈશ્વરને માનતો નથી તે મૂઢ છે. મૂઢ એ એક વિશેષ શબ્દ છે. મૂઢનો અર્થ માત્ર મૂર્ખ નથી થતો. મૂઢનો અર્થ મૂર્ખ નથી... કારણ કે મૂર્ખ અને બુદ્ધિમાન વચ્ચે જે અર્થ છે -  અંતર જે હોય છે તે સમજવા જેવું છે. જેને મૂર્ખ કહીએ છીએ તે થોડો ઓછો બુદ્ધિમાન છે. તેને થોડો ઓછો મૂર્ખ છે. બંને વચ્ચે અંતર માત્રાનું છે. ગુણનું નહીં. મૂઢનો અર્થ છે કે એવો માણસ જે ડાળ ઉપર બેઠો છે તેને તે કાપતો હોય છે.

એવી વ્યક્તિ જે પોતાના ઉપર જ ઘા મારીને જીવન બદબાદ કરે છે. મહેનત પણ કરતી હોય, તો તે પોતાને જ નુકસાન પહોંચાડવા માટે, તે વ્યક્તિ શ્રમ પણ કરતી હોય તો પોતાના ઉપર જ ઘાત કરતી હોય છે.

કાલિદાસનું પણ મૂઢ જેવું વર્તન હતું. તે વૃક્ષની ડાળ ઉપર તે બેઠો હોય છે તે જ ડાળ કાપતો હતો. પછી માં કાલીની ઉપાસનાથી મોટો જ્ઞાની થયા.

એટલે શ્રીકૃષ્ણ જ્યારે મૂઢ કહે છે, તો એવું નથી કે તે ગાળો આપે છે. એ સૂચના આપી રહ્યા છે કે પરમાત્મા આપણી પરમ સંપત્તિ છે તેને મૂકીને બીજે ભટકીએ છીએ તે આપણું મૂઢપણું છે. આદિ શંકરાચાર્યજીએ પણ કહ્યું છે કે 'ભજ ગોવિંદમ્ ભજગોવિંદમ્ ભજ ગોવિંદમ્ મૂઢમતે'. મૃત્યુ સમયે ઇશ્વર - ગોવિંદ સિવાય બીજું કોઈ રક્ષણહાર નથી આથી હે મૂઢ મતિ બુદ્ધિવાળા તમે ગોવિંદને ભજી લ્યો.