Magazines

બેદાગ બ્યૂટી હવે હાથવેંતમાં .

By GS TEAM
28 Jul 20254 mins read
બેદાગ બ્યૂટી હવે હાથવેંતમાં                           .

- લેટેસ્ટ ટેકનોલોજીની મદદથી મસા, તલ, ખીલ કે પછી જન્મજાત નિશાન સરળતાથી દૂર કરી શકાય છે

ચહેરા કે શરીર પર વધારે પડતા મસા કે તલ, ખીલના નિશાન કે પછી દેખાય એવી રીતે કોઈ જન્મજાત નિશાન હોય તો વ્યક્તિને તેના સૌદર્યમાં જાણે કોઈ ઉણપ હોય એવી લાગણી થતી રહે છે. જોકે હવે ચિકિત્સા વિજ્ઞાાનમાં અનેક એવી લેટેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ છે જેની મદદથી બિલકુલ પીડા વગર અને એકદમ ઓછા સમયમાં સરળતાથી  ચહેરા કે શરીર પરના નિશાન દૂર કરી શકાય છે. એક જાણીતા ત્વચા વિશેષજ્ઞા અને લેસર નિષ્ણાંત સલાહ આપતા કહે છે કે ત્વચાને લગતી કોઈપણ ટ્રીટમેન્ટ કરાવતા પહેલાં સારા ત્વચા નિષ્ણાંતને બતાવીને એની સલાહ લઈ લેવી હિતાવહ છે. સામાન્ય રીતે શરીર પરથી તલ, મસા અથવા તો ત્વચાના અવક્ષેપો દૂર કરવાની ટ્રીટમેન્ટમાં સંખ્યા અને કદ પ્રમાણે ૧૫૦૦ રૂપિયાથી લઈને દસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ચહેરા પર ખીલના ડાઘ દૂર કરવાના પ્રત્યેક સિટીંગનો ખર્ચ પાંચ હજારથી બાર હજાર રૂપિયા સુધીનો થાય છે. આ ડાઘ દૂર કરવા માટે લેસર, પીલ્સ અથવા તો ડર્મ એબ્રેશન જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. શરીર પર રહેલા જન્મજાત નિશાન દૂર કરવા માટે એના વિસ્તાર પ્રમાણે પ્રત્યેક સેશન દીઠ  પંદર હજાર રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. આ સિવાય શરીરની સુંદરતા વધારવા માટે જે ટેટુ ચિતરાવવામાં આવે છે એની પાછળ છ હજારથી પંદર હજાર સુધીનો ખર્ચ થાય છે.

શરીર પર વધારે પડતા મસા કે તલ, ત્વચાના અવક્ષેપ, ખીલના નિશાન કે પછી દેખાય એવી રીતે કોઈ જન્મજાત નિશાન હોય તો એને સરળતાથી દૂર કરી શકાય છે. આ તમામ ખામીઓ દૂર કરવા માટે અલગ અલગ ટેકનીકનો વપરાશ કરવામાં આવે છે.  એક જાણીતા ત્વચા નિષ્ણાંત આ તમામ સમસ્યાઓ વિશે વિગતવાર વાત સમજ આપે છે.

તલ : ત્વચામાં રહેલા મોનોસાઇટ કોષો જ્યારે એકબીજા સાથે જોડાઈને એક જુથનું નિર્માણ કરે છે ત્યારે શરીરના હિસ્સામાં તલનું નિર્માણ થાય છે. સામાન્ય રીતે તલના કારણે કોઈ સમસ્યા ઉભી નથી થતી, પણ ઘણીવાર ત્વચાના કેન્સરની શરૂઆતમાં તબક્કામાં એકસાથે ઘણાંબધા તલ દેખા દેતા હોવાને કારણે એકસાથે અનેક તલની ઉત્પતિને ત્વચાના કેન્સરનું પ્રારંભિક લક્ષણ ગણવામાં આવ્યું હોવાને કારણે જો આવી સ્થિતિ ઉભી થાય તો થોડા સાવચેતીના આગોતરા પગલાં લઈ લેવા જોઈએ. સામાન્ય રીતે રેડિયો ફ્રિકવન્સી અથવા તો કાર્બન ડાયોક્સાઇડ લેસરનો ઉપયોગ કરીને તલની સારવાર કરી શકાય છે. રેડિયો ફ્રિકવન્સી ટેકનોલોજીમાં રેડિયો ફ્રિકવન્સી  તરંગોની મદદથી ગરમ કરેલા પાતળા વાયરની મદદથી તલને દૂર કરવામાં આવતો હોવાને કારણે તલના આસપાસના વિસ્તારમાં પણ કોઈ નુકસાન નથી થતું. આ ટેકનોલોજીની કોઈ આડઅસર ન હોવાને કારણે એ દર્દીઓમાં બહુ લોકપ્રિય છે.

ત્વચાના અવક્ષેપો : મોટાભાગના ત્વચાના અવક્ષેપો અત્યંત નાના હોય છે અને લગભગ ચાલીસ વર્ષની વય પછી દેખા દે છે. મોટાભાગના ત્વચાના અવક્ષેપો શરીરની ત્વચાને ચોટેલા હોય છે. સામાન્ય રીતે વધારે વજન ધરાવતી અથવા તો ડાયાબિટીસના રોગથી પીડાતી વ્યક્તિને આ સમસ્યા વધારે સતાવે છે. સામાન્ય રીતે ડોક્ટરો સલાહ આપે છે કે જ્યાં સુધી દેખાવમાં બહુ ખરાબ ન લાગતા હોય અથવા તો બીજી સમસ્યા ઉભી ન કરતા હોય ત્યાં સુધી આ ત્વચાના અવક્ષેપો ને છંછેડવા ન જોઈએ. જોકે આ અવક્ષેપોના રંગ કે આકારમાં થોડો પણ ફેરફાર દેખાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈેએ. આ અવક્ષેપોને ડોક્ટરની સલાહના આધારે કાર્બન ડાયોક્સાઇડ લેસરની મદદથી સરળતાથી કાઢી શકાય છે.

મસા : મસાએ વાઇરસને કારણે થતી સમસ્યા છે. વાઇરસને કારણે શરીરના કોઈ ભાગ પર દુખાવો ન થાય એવી રીતે ત્વચાના કોષોનો વિકાસ થાય ત્યારે મસાનું નિર્માણ થાય છે. મોટાભાગના મસા કોઈ નુકસાન નથી કરતા,પણ ઘણીવાર એના કારણે દેખાવમાં મોટું પરિવર્તન આવી જતું હોય છે. જોકે કેટલાક મસામાં ખંજવાળની સમસ્યા પણ સતાવી શકે છે. પગના તળિયે થતા મસાને કારણે ચાલવામાં તકલીફ થઈ શકે છે. સામાન્ય રીતે રેડિયો ફ્રિકવન્સી ટેકનીકની મદદથી એક જ સિટિંગમાં આ મસાને દૂર કરી શકાય છે, પણ જો એકવાર દૂર કરાવ્યા પછી તે ફરી થાય તો ફરી વખત ટ્રીટમેન્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. ઘણીવાર આ મસા પર પ્રવાહી નાઇટ્રોજન લગાડીેને ખાસ પ્રકારની ક્રાયોથેરપી પણ કરવામાં આવે છે.

ખીલના નિશાન : સામાન્ય રીતે ખીલના નિશાન ચહેરા પર જ પડતા હોય છે. આ ખીલના નિશાનની સારવાર કરતા પહેલાં એ સક્રિય તો નથી ને એ વાત ખાસ ચકાસી લેવી પડે છે. સામાન્ય રીતે આ નિશાન દૂર કરવા કેમિકલ પીલ અથવા તો ડર્મ એબ્રેશન જેવી ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે. આ નિશાન કેટલા વિસ્તરેલા છે એના આધારે સિટિંગ્ઝની સંખ્યા નક્કી કરવામાં આવે છે. આ સારવારમાં કેટલાક દર્દીઓને જો હાઇપર પિગ્મેનટેશનની અસર થઈ જાય તો એને થોડાક દિવસો સુધી સુર્યપ્રકાશના સીધા સંપર્કમાં ન આવવાની સૂચના આપવામાં આવે છે.

જન્મજાત નિશાન : શરીર પર રહેલાં જન્મજાત નિશાન પ્રોફેશનલ ત્વચા નિષ્ણાંત કે પછી પ્લાસ્ટિક સર્જન જ દૂર કરી શકે છે. આ લોકો આ નિશાન દૂર કરવા માટે નિશાનના રંગના આધારે અલગ અલગ પ્રકારના લેસર કિરણોનો ઉપયોગ કરે છે.

ટેટુ : શરીર પર કાળા રંગની શાહીથી બનાવવામાં આવેલા ટેટુ ખાસ પ્રકારના લેસરથી સરળતાથી દૂર કરી શકાય છે. જોકે આ કામ કોઈ ડર્મેટોલોજિસ્ટ કે પછી કોસ્મેટોલોજિસ્ટ જ કરી શકે છે.