હિંદી ફિલ્મમાં લાલા સાથેનો પહેલો સંવાદ : યહી હૈ ઝિંદગી

- દાસ્તાન-એ-સિનેમા
- ગુજરાતી ફિલ્મ 'લાલો : કૃષ્ણ સદા સહાયતે'એ કમાલ કરી છે. સામાન્ય બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મ એટલી હદે સફળ રહી કે, તેનું હિંદી વર્ઝન પણ રિલીઝ કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળતી સિદ્ધિ પાછળ શ્રી કૃષ્ણ સાથેનો સંવાદ કારણભૂત છે. આ પહેલી વખત નથી જ્યારે કોઈ ફિલ્મમાં લાલા સાથેનો સંવાદ દર્શાવવામાં આવ્યો હોય. ૧૯૭૭માં રિલીઝ થયેલી હિંદી ફિલ્મ 'યહી હૈ ઝિંદગી'માં પણ લાલા સાથેનો સંવાદ વાર્તાના કેન્દ્ર સ્થાને હતો. આ સંવાદ આજે પણ એટલો જ તર્કસંગત છે.
कर्मण्येवधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भूर्मा ते सड्गोडस्त्वकर्मणि ।।
- ભગવદ્ ગીતા ૨.૪૭
આજે સંવાદના અનેક માધ્યમો વિકસ્યાં છે, પરંતુ, ઈન્ટરનેટ પહેલાં, ટેલિવિઝન પહેલાં, સિનેમા પહેલાં, કહોને કે યુગો પહેલાં એક સંવાદ થયો હતો, જે માનવ ઈતિહાસનો સૌથી મહત્ત્વનો સંવાદ રહ્યો. જેણે જીવનમાં અન્ય કોઈ પુસ્તક ન વાંચ્યું હોય, પણ કુરુક્ષેત્રની રણભૂમિમાં અર્જુન અને તેમના સારથી શ્રીકૃષ્ણ વચ્ચેના સંવાદને વાંચી લીધો, સમજી લીધો અને જીવનમાં ઉતારી દીધો, તો તેનું જીવન સફળ. આ સંવાદ પરથી ભારતમાં અનેક નાટકો બન્યાં. અનેક ફિલ્મો બની. તાજેતરમાં સુપરડુપર હિટ રહેલી ગુજરાતી ફિલ્મ 'લાલો : કૃષ્ણ સદા સહાયતે' પણ તેનું ઉત્તમ ઉદાહરણ. આ ફિલ્મ દર્શકોને એટલી હદે ગમી કે, તેનું હિંદી વર્ઝન રિલીઝ કરવામાં આવ્યું. એક નીઓ-મિડલ ક્લાસ (ગરીબીમાંથી ઉપર આવેલો પણ મધ્યમવર્ગથી નીચેનો વર્ગ) પરિવારની કહાણીમાં લાલાની ભૂમિકા કઠણ દિલના વ્યક્તિને પણ રડાવે તેવી છે. સિનેમા હોલમાંથી જે કોઈપણ આ ફિલ્મ જોઈને બહાર નીકળ્યું તે કોઈ શીખ સાથે બહાર નીકળ્યું. ફિલ્મોમાં લાલા સાથે સંવાદ અગાઉ પણ થયા છે. અંધશ્રદ્ધા પર કટાક્ષ કરતી પરેશ રાવલ અને અક્ષયકુમારની 'ઓહ માય ગોડ' તો તમને યાદ જ હશે. પણ, હા, 'લાલો : કૃષ્ણ સદા સહાયતે' જેવી શીખ આપતી ઘણી ઓછી ફિલ્મો બની છે.
આ લિસ્ટમાં પહેલું વહેલું નામ આવે સંજીવકુમારની 'યહી હૈ ઝિંદગી'નું. ૪૯ વર્ષ પહેલાં બનેલી આ ફિલ્મ, 'લાલો : કૃષ્ણ સદા સહાયતે'ની જેમ જ જીવન જીવવાની કળા શીખવે છે. 'યહી હૈ ઝિંદગી' ૧૯૭૪માં બનેલી તમિલ ફિલ્મ 'કલિયુગ કન્નન'ની રીમેક છે. ફિલ્મમાં સંજીવકુમારે આનંદ નારાયણ અને વિક્રમ ગોખલેએ ભગવાન શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી છે. ઈન્દર રાજ આનંદ અને રાજ બલદેવ રાજ દ્વારા લખવામાં આવેલો તેમની વચ્ચેનો સંવાદ વિચારવા મજબૂર કરે તેવો છે.
આનંદની વેઈટરથી હોટેલિયર સુધીની સફર
આ ફિલ્મનું મુખ્ય પાત્ર એટલે, આનંદ નારાયણ. તે એક રેસ્ટોરાંમાં વેઈટર તરીકે નોકરી કરે. તેના માથે પત્ની અને ત્રણ બાળકોની જવાબદારી. ઘરના બે છેડા ભેગા ન થાય, પરંતુ સપના જોવામાં કોઈ કરકસર નહીં. એટલે, લોટરીનો સહારો લીધો. પગાર આવે કે તરત લોટરીમાં નાખી દેવાનો. પછી ભલેને પુત્રની ફી માટે શેઠ પાસે ઉધાર માંગવા નીકળવું પડે. આમ છતાં, પોતાની પરિસ્થિતિ માટે ભગવાનનો વાંક કાઢવાનો એક પણ ચાન્સ ન ચૂકે. બીજી તરફ, તેની પત્ની ગાયત્રી શ્રી કૃષ્ણની ભક્ત. દરેક પરિસ્થિતિમાં ભગવાનનો આભાર માને. તે માનતી કે, ભગવાન જે કરે છે તે સારા માટે જ કરે છે.
આ પરિવારનો એક જાણવા જેવો કિસ્સો : આખું પરિવાર સાથે ભોજન લેવા બેઠું હતું. રુખી-સુખી રોટલી અને શાક ખાઈ રહ્યા હતા ત્યારે, આનંદ ભગવાનનો વાંક કાઢે છે. કહે છે કે, હે ભગવાન... આ શું આપ્યું? પત્ની કહે છે, આ તો ભગવાનનો આભાર માનો આપણને આ ખાવા તો મળ્યું. હજારોના નસીબમાં તો આ પણ નથી. આનંદ ગુસ્સામાં કહે છે, પણ લાખો લોકો એવા છે જે તેમના ભક્ત નથી છતાં ભગવાન તેમના પર મહેરબાન છે. તેમની પાસે અખૂટ સંપત્તિ છે. તેમનું શું..? અહીં, આનંદ ભૂલી જાય છે કે, આ તો તેમનું પાછલા જન્મનાં સારા કર્મોનું ફળ છે. લાલા પાસે સૌનો હિસાબ છે જ.
આનંદ-લાલાનો સંવાદ
આનંદની અન્ય એક વૃતિ હતી - 'આ મેં કર્યું ત્યારે થયું. બાકી, તો સંભવ જ નહોતું.' ઈશ્વર કૃપાનો તો તેણે છેદ જ ઉડાવી દીધો હતો. તેની પત્નીએ લાલા માટે એક ગલ્લામાં પૈસા ભેગા કર્યા હતા. તેની ઈચ્છા હતી કે થોડા રૂપિયા ભેગા થાય તો લાલાના નામે ગરીબોને ભોજન કરાવું. આનંદ પત્નીના પૈસા ચોરીને લોટરીમાં લગાડે છે. આ દરમિયાન તેનો લાલા સાથે સંવાદ થાય છે. ત્યારે પણ તે શેખીમાંથી ઊંચો નથી આવતો. આનંદ ભગવાનને કહે છે કે, આ ગલ્લામાંથી લીધા એ તો મારા રૂપિયા છે. એ તેં મને ક્યાં આપ્યા હતા? આ તો હું મહેનત કરી રહ્યો છું. બાકી, તારા ભરોસે શું થાય? ભગવાન તેની વાતો હસતા મોઢે સાંભળે છે. સામે વધુ આરોપ લગાવીને આનંદ કહે છે કે, તું તો પૈસાવાળાનો ભગવાન છે. તારા મંદિરમાં જે ધનવાન હોય તે જ દર્શન કરે છે. બાકી, મારા જેવા ગરીબે તો ભીડમાં બહારથી દર્શન કરવા પડે. ભગવાન કહે છે કે, આ જે અંદરથી મારાં દર્શન કરે છે તેમને મારી પ્રતિમાનાં સુંદર દર્શન થાય છે, જ્યારે જે બહારથી ભીડમાં દર્શન કરે છે તેને મારાં દર્શન થાય છે. પરંતુ, આનંદ સમજતો નથી.
એ ભગવાનને કહે છે કે, તું એક વખત આપી તો જો. હું મારા એક છોકરાને મોટો બિઝનેસમેન બનાવીશ. છોકરીને સારામાં સારા ઘરમાં પરણાવીશ, અને નાના દીકરાને સારામાં સારું ભણાવીશ. ભગવાન સામો પ્રશ્ન પૂછે છે કે, આ બધું તું જ કરીશ? ત્યારે, જવાબ આવે છે, હા હું જ કરીશ... તેં મારા માટે શું કર્યું છે? હું મારી અક્કલથી કરીશ. એક વાર પૈસા આવવા દો ને પછી જુઓ કમાલ. ભગવાન તેની નાદાની પર હસતા મોઢે જવાબ આપે છે કે, યાદ રાખજે. બધું મળશે કારણ કે, તે પણ પુણ્ય કર્યું છે, પરંતુ પુણ્યના ખાતામાં કંઈ નહીં બચે તો અક્કલનો ચેક બાઉન્સ થઈ જશે.
આનંદના જીવનમાં પરિવર્તન
સમયનું ચક્ર બદલાય છે. આનંદને લોટરી લાગે છે. એ રૂ. ૧૦,૦૦૦ જીતે છે. આ જીત તેની જિંદગી બદલી નાખે છે. પહેલાં એક નાનકડો સ્ટોર ખરીદે છે ત્યારબાદ, જે શેઠને ત્યાં નોકરી કરતો હતો તે રેસ્ટોરાં ખરીદે છે. દીકરાની ૨૦ રૂપિયાની ફી માટે ઉધાર ન આપનાર શેઠ તેની પાસે નોકરી માંગતો થઈ જાય છે. આનંદ કાફે, આનંદ બેકરી, આનંદ લોજ, આનંદ હોટલ્સ, આનંદ ઈન્ટરનેશનલ ફાઈવસ્ટાર હોટલનું એક મોટું સામ્રાજય ઊભું થાય છે. એટલું મોટું નેટવર્ક કે જે ધ્વસ્ત ન થઈ શકે. ભગવાને તેનું કહ્યું તું તેવું જ થયું. તેનું પુણ્યનું બેલેન્સ જેટલું જમા હતું, તે બધું તેને એક સાથે મળ્યું. પરંતુ, હવે ખાતું 'નીલ' થઈ ગયું. બેલેન્સ શૂન્ય. આ વચ્ચે કર્મ પણ ખોટા એટલે થાય શું..? આનંદની પડતીની શરુઆત થાય છે.
જે દીકરાને તે મોટો બિઝનેસમેન બનાવવા માંગતો હતો. તે મોટો બિઝનેસમેન બને છે, પરંતુ એ આનંદ સામે જ બળવો કરે છે. પિતાની મિલકત પડાવવા લાગે છે. જે પુત્રીને મોટા ઘરમાં પરણાવવા માંગતો હતો. તેનું એક મોટા ઘરમાં નક્કી પણ કરી નાંખે છે, પરંતુ પુત્રીનું ઘોડાવાળા સાથે લફરું બહાર આવે છે અને તે પ્રેગનન્ટ બને છે. જે દીકરાને તે ભણાવવા માગતો હતો તે દારુ-જુગાર-છોકરીઓના લફરાઓમાં બરબાદ થઈ જાય છે. મહેલમાં ૧૦ ઓશિકા સાથે સૂતા આનંદને ઊંઘ નથી આવતી. દવાઓ જ તેનો સહારો બને છે. તેને યાદ આવે છે કે, એક સમયે આખું પરિવાર સાથે ભોજન લેતું. આજે તો પરિવાર જેવું કંઈ રહ્યું જ નથી. તેને પોતાની ભૂલનો અહેસાસ થાય છે. તે બે પુત્રો અને પુત્રીને બોલાવીને પોતાની તમામ મિલકત તેમને આપી દે છે. તેમને કહે છે કે, આ બધું તમે લઈ લો, મારે કશું નહીં જોઈએ. પહેલાં ખબર હોત કે, આ બધી મતલબ વગરની વસ્તુઓ છે, તો પહેલાં જ તેમનો ત્યાગ કરી દેત. આમ, ભગવાને તેને કહેલી વાત સાચી ઠરે છે. બધું સમાપ્ત થઈ જાય છે, પ્રેમ નહીં. આ તમામ અડચણો વચ્ચે પણ જેનો તેણે ક્યારેય આભાર ન માન્યો તે પત્ની તેની સાથે અડીખમ ઊભી હતી.
લાલાએ આપેલી શીખામણ
આ ફિલ્મના માધ્યમથી લાલાએ આપણને ઘણું બધું શીખવ્યું છે. પહેલી શીખ એ કે, સખત મહેનત કરવી, પરંતુ, નમ્રતા પણ રાખવી. આનંદ મહેનતથી પોતાનું સામ્રાજ્ય ઊભું કરે છે, પણ અહંકારને કારણે સર્વસ્વ ગુમાવે છે. તેની પત્ની શીખવે છે કે હંમેશા ભગવાનનો આભાર માનવો. ક્યારેક કોરી રોટલી ખાવાનો વારો આવે તો પણ ભગવાનનો આભાર માનવો. આજે આપણી કસોટી છે, કાલે તે હજાર હાથથી આપશે. ફિલ્મ શીખવે છે કે, મૂલ્યો વિનાની સંપત્તિ કોઈ કામની નથી.








