Get The App

ફટાકડા ઉદ્યોગ અંધકારના ઓળા હેઠળ

Updated: Sep 5th, 2021

GS TEAM

Google News
Google News
ફટાકડા ઉદ્યોગ અંધકારના ઓળા હેઠળ 1 - image


- ફટાકડાના ઉત્પાદન ખર્ચમાં ૪૫ ટકાનો વધારો છતાં ઉત્પાદકો નીચા ભાવે માલ વેચવા મજબૂર

દેશના ફટાકડા માટે પ્રખ્યાત તમિલનાડુના શિવકાશી શહેરમાં પ્રવેશતાની સાથે જ સલ્ફર, પોટેશિયમ નાઈટ્રેટ, એલ્યુમિનિયમ અને કાર્બનની સુગંધ અનુભવાય છે. દેશમાં ઉત્પાદિત ફટાકડાના જથ્થામાં દક્ષિણ ભારતનું આ શહેર આશરે ૯૦ ટકા હિસ્સો ધરાવે છે. જો કે, કોવિડ-૧૯ રોગચાળાએ શહેરના ફટાકડા ઉદ્યોગ પર ભારે અસર કરી છે. કોવિડ રોગચાળા પહેલા, લગભગ ૩ લાખ લોકો આ ઉદ્યોગ સાથે સીધા જોડાયેલા હતા અને લગભગ ૫ લાખ લોકો આડકતરી રીતે તેનો ભાગ હતા. ચેન્નાઇથી લગભગ ૫૪૦ કિમી દૂર શિવકાશી ફટાકડા માટે પ્રખ્યાત છે. પરંતુ હાલના દિવસોમાં આખા શહેરમાં શાંતિ છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શહેરમાં ઓછામાં ઓછા ૨૦૦ ફટાકડા એકમો બંધ કરવામાં આવ્યા છે. જે એકમો કાર્યરત છે તે પણ માત્ર ૨૦-૩૦ ટકા ક્ષમતા સાથે કાર્યરત છે તેમ આ ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું.

તમિલનાડુ ફટાકડા એમોરસ મેન્યુફેકચરર્સ એસોસિએશનના ડેટા અનુસાર, હાલમાં શિવકાશીમાં આશરે ૧,૦૭૦ ફટાકડા ઉત્પાદન એકમો છે. આ સંગઠન દાવો કરે છે કે કોવિડ પહેલા, આ ઉદ્યોગનું ટર્નઓવર વર્ષ ૨૦૧૯-૨૦માં ૩,૦૦૦ કરોડ રૂપિયા હતું. એવું નથી કે માત્ર કોવિડ રોગચાળાએ દેશના તહેવારોને અસર કરી છે અને લોકોના ઉત્સાહમાં ઘટાડો કર્યો છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (શય્) એ નબળી એર ક્વોલિટી ઇન્ડેક્સ (છઊૈં) વાળી જગ્યાઓ પર ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો છે. દેશના ૧૨૨ શહેરો આ શય્ પ્રતિબંધના દાયરામાં આવે છે.

ગયા વર્ષે ફટાકડા ઉદ્યોગનું કદ ૩૦ ટકા ઘટાડવામાં આવ્યું હતું અને આ વખતે તે વધુ ૨૦ ટકા ઘટે તેવી શક્યતા છે તેમ જણાવતા આ સુત્રોએ ઉમેર્યું હતું કે આ વર્ષે માત્ર ૫૦ ટકા વેચાણ (૧,૫૦૦ કરોડ રૂપિયા)ની અપેક્ષા છે. જો કે, સરકાર ફટાકડા ફોડવાની મંજૂરી આપે તો તે શક્ય બનશે.

ઇન્ડિયન ફટાકડા ઉત્પાદન સંઘના અંદાજ મુજબ, એનજીટી પ્રતિબંધથી પ્રભાવિત થયેલા ૧૨૨ શહેરો શિવકાસીના વાર્ષિક વેચાણમાં ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયાનો ફાળો છે.  હવે ફેકટરીઓ ખૂબ ઓછી ક્ષમતા સાથે કામ કરી રહી છે. જો વેચાણ નહીં વધે તો વધુ નોકરીઓ છીનવાઈ જશે.

ફટાકડા ઉત્પાદકોના જણાવ્યા મુજબ મહામારી પહેલા જે વ્યવસાય કરતા હતા તે હવે અડધાથી ઓછો છે. ૮૦ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપ્યા પછી પણ કોઈ ખરીદનાર આવતો નથી. ફટાકડામાં વપરાતા કાચા માલના ભાવ પણ વધી રહ્યા છે. ઉત્પાદકોના મતે એલ્યુમિનિયમના ભાવમાં લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે, જ્યારે કાગળ અને તેના ઉત્પાદનો પણ ૪૦-૬૦ ટકા મોંઘા થયા છે. સલ્ફરની કિંમત પણ ૧૦૦% વધી છે. કાચા માલની સરેરાશ કિંમત ૪૦-૫૦ ટકા વધી છે. તેનાથી ઉત્પાદન ખર્ચમાં ૪૫ ટકાનો વધારો થયો છે. આમ છતાં ઉત્પાદકો મહામારી પહેલાના ૪૦ ટકા નીચા ભાવે ફટાકડા વેચવા મજબૂર છે.  હવે તેમની તમામ આશાઓ દિવાળી પર ટકેલી છે. ઓણમ અને ગણેશ ચતુર્થી પરનો વ્યવસાય પહેલેથી જ પાયમાલ થઇ ગયો છે. હવે જો દિવાળી પર પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો શિવકાશીમાં અંધકાર છવાઈ જશે.

Tags :