Magazines

આંગળીનો લિસોટો .

By GS TEAM
28 Nov 20256 mins read
આંગળીનો લિસોટો                                      .

- 'સાહેબ, કોઈ અસલી ચિત્ર ચોરી ગયું છે અને આ સ્ટેન્ડ ઉપરનું નકલી ચિત્ર તેની જગ્યાએ ગોઠવી ગયંક છે કે જેથી ચોરી થયાની કોઇને ખબર જ ના પડે.'

- માલિની સી. શાસ્ત્રી

મું બઇની ક્વીન્સ મેરી ગર્લ્સ હાઈસ્કુલમાં ગોપી સાતમા ધોરણમાં ભણતી હતી. તે ભણવામાં ઘણી હોશિયાર હતી. આમ છતાં તે બાલસહજ તોફાનો માટે જાણીતી હતી. શિક્ષકગણ તરફથી 'વાતોડિયણ, સતપતિયણ અને તોફાની બારકસ' જેવાં ઉપનામ તેને મળ્યાં હતાં, કારણ તેને એક કુટેવ હતી. વર્ગમાં બધી છોકરીઓ ચિત્રોમાં રંગ પૂરવામાં મશગૂલ હોય ત્યારે છાનીમાની પાછળથી જઇ તેમનાં ચિત્રોમાં આંગળીથી લિસોટો કરતી. એ તો સારું હતું કે ચિત્રોમાં ચૉકકલર્સનો ઉપયોગ થતો તેથી ચિત્રો બગડતાં નહીં. આમ છતાં ચિત્રશિક્ષિકા મિસ ગોમ્સની તે લાડકી હતી. કારણ? કારણ ગોપી સુંદર ચિત્રો દોરી શક્તી હતી. ચિત્રોમાં વિવિધ વિષયોની પસંદગી કરવામાં નાની ઉંમરથી જ તેનામાં કુદરતી આગવી સૂઝ હતી. રંગની મેળવણી તથા રંગપૂરણીમાં તે અજોડ હતી.

એક દિવસ મિસ ગોમ્સ ગોપીના આખા વર્ગને કેટલાક જાણીતા ચિત્રકારોનાં ચિત્રો નિહાળવા મુંબઇના મશહૂર મ્યુઝિયમની મુલાકાતે લઇ ગયાં. ત્યાં પહોંચતાં જ ચિત્રો જોવા ગોપીના પગ થનગનવા લાગ્યા. મિસ ગોમ્સે કડક શબ્દોમાં ચેતવણી આપતા બધી છોકરીઓને ઉદ્દેશીને કહ્યું- 'જુઓ, તમે બધાં એકબીજાના હાથ પકડીને ચાલજો. અજાણી વ્યક્તિ સાથે વાતો નહીં કરવાની. ચૉકલેટ, મસાલા પાન, બિસ્કીટ કે પ્રસાદ જેવી ખાવાની વસ્તુ કોઇ આપે તો તે નહીં ખાવાની. સમજ્યાં? હવે શિસ્તબધ્ધ રહીને ધીમેથી ચાલીને ચિત્રો જોવાનાં છે.' 

આ સાંભળીને ગોપીએ પૂછ્યું- 'મેડમ, આટલા મોટા મ્યુઝિયમમાં ફક્ત ચિત્રો જ જોવાનાં છે? મ્યુઝિયમમાં તો બીજું ઘણું બધું જોવાનું હોય છે તેવું મારા પપ્પા કે'તા'તા'. 

ગોપીની વાત સાંભળી બીજી છોકરીઓ તેની મશ્કરી કરતી હસવા લાગી. 

મિસ ગોમ્સે કહ્યું, 'તેમાં હસવાનું છે? ગોપીની વાત સાચી છે. ભારતના ઐતિહાસિક એવાં કાપડનાં નમૂનાઓ, હસ્તકલાના નમૂનાઓ, ચિત્રો, ચિત્રકારોની તસ્વીરો જેવી અનેક સંગ્રહીત જણસો ચોકસાઇથી જોજો. પણ ક્યાંય હાથ ના લગાડતા. આવતીકાલે, 'મ્યુઝિયમની મુલાકાતે' વિષય પર તમારે નિબંધ લખવાનો છે.' 

મ્યુઝિયમની અલગ અલગ ખંડો તરફ નજર જોતાં જ ગોપીનું હૈયું કલ્પનાની પાંખે જઇ બેઠું. તેણે સ્કેટિંગની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઇ ઘણા મેડલ્સ મેળવ્યા હતા. મ્યુઝિયમના ખંડોમાં લાકડાની ફરસ જોઇ તે વિચારવા લાગી- 'અહાહાહા! આ લાકડાની સખત ફરસ પર સ્કેટિંગ કરવાની મઝા તો જેણે માણી હોય તે જ સમજે.' 

ત્યારબાદ બે હાથ લંબાવી જાણે સ્કેટ્સ ઉપર સરકીને ગીત ગાતી ઉડતી હોય તેવી મુદ્રામાં તે ઉભી રહી. ત્યાં જ મિસ ગોમ્સ તેને શોધતાં એકદમ તેની પાસે આવી બોલ્યાં, 'અરે, આ શું ચાળા કરે છે? આ છેલ્લીવાર તને કહી દીધું કે જો તું અમારાથી છૂટી પડી જઈશ તો તને અહીં રાખીને જ હું જતી રહીશ. તું સારાં ચિત્રો દોરી શકે છે ને બેટા. તો ચાલ, આગલા ખંડમાં મશહૂર ચિત્રકારોનાં ચિત્રો જોવાનાં છે.' તેમ કહી ગોપીનો હાથ પકડી, બીજા ખંડમાં લઈ ગયાં.

મિસ ગોમ્સ એક એક કરી બધાં જ ચિત્રોની તથા ચિત્રકારોની માહિતી આપતાં હતાં ત્યાં જ ગોપીએ હાથ ઊંચો કરી પ્રશ્ન પૂછ્યો, 'મેડમ, આ ઉપર પેલું ફળોવાળું ચિત્ર છે તેના જ જેવું આ ઘોડી ઉપર ચિત્ર છે. આમ કેમ?' 

વાત સાચી હતી. મિસ ગોમ્સ બોલ્યાં, 'જુઓ, આ ભીંત ઉપર લટકાવ્યું છે તે અસલી ચિત્ર છે. જ્યારે ઘોડી ઉપર મૂકેલું ચિત્ર તેની નકલ છે. ચિત્રકલાનો અભ્યાસ કરનાર કોઈ વિદ્યાર્થી આ નકલ કરતો હશે - એવું લાગે છે.' 

'પણ આવી નકલ થઇ શકે?' ગોપીએ ઇંતેજારીથી પૂછ્યું. 

મિસ ગોમ્સ બોલ્યાં, 'જરૂર થાય, પણ મ્યુઝિયમના જવાબદાર અધિકારીની અગાઉથી પરવાનગી લેવી પડે. ચાલો, હવે બાજુના ખંડની મુલાકાત લઇએ.' 

બધાં આગળ વધ્યાં, પરંતુ ગોમ્સની નજર ચૂકવીને ગોપી ઘોડી ઉપરનું ચિત્ર જોવા ઊભી રહી.

ગોપીને આ ફળોવાળું ચિત્ર ખૂબ ગમ્યું હતું. કારણ કે તેમાં એક શરબતનો બાટલો, એક નાની છરી અને ફળો ભરેલી એક છાબડી આ બધું મળીને એક મનમોહક ગોઠવણી થઇ હતી. તેમાંય એ છાબડીનો હાથો વળાંકવાળો હતો ને હાથો કલાત્મક ગૂંથણીવાળો હતો. ગોપીએ તેની કુટેવ પ્રમાણે ઘોડી ઉપરના નકલી ચિત્ર ઉપર આંગળીથી લિસોટો કર્યો. 'ઓહ! રંગ તો હજી ભીના છે.' તે મનોમન બોલી ઉઠી, 'હવે શું થશે? કોઈ જોઈ તો નથી ગયું ને?' 

ગોપીએ ખાત્રી કરી લીધી, કારણ ચિત્રમાં ધાર્યા કરતા મોટો લિસોટો પડયો હતો. 'હા...શ' કરીને તેણે છાનામાના પેલી રંગવાળી આંગળી રૂમાલથી લૂછી કાઢી. પછી દોડીને તે પોતાના વર્ગની વિદ્યાર્થિનીઓ જ્યાં હતી ત્યાં પહોંચી ગઈ. ત્યાં જ મિસ ગોમ્સે બાજુના ખંડમાં જવાનો આદેશ આપ્યો.

આમ ઘણા બધા ખંડોમાં અસંખ્ય વિવિધ પ્રકારના નમૂનાઓ જોઇને છોકરીઓ અચરજ પામી તે અંગેની ચર્ચા કરતી હતી. ત્યાં જ મિસ ગોમ્સે કહ્યું- 'છોકરીઓ ચાલો. હવે આપણી મુલાકાત પૂરી થાય છે. હવે આપણે શાળાએ પહોંચી જવું જોઇએ.' 

બધી છોકરીઓ હવે બહાર જવાના દરવાજા તરફ આગળ વધી. તેઓ પેલા ચિત્રોવાળા ખંડમાં આવી. અહીંથી જ બહાર નીકળવાનો માર્ગ હતો.

પોતાના પરાક્રમની કોઇને ખબર તો નથી પડીને તે જોવા ગોપીએ ત્રાંસી નજરે આમતેમ જોવા માંડયું, પણ...પણ...આ શું? ઘોડી ઉપરનું ચિત્ર ક્યાં ગયું! પછી તેણે ભીંત ઉપર લટકાવેલા અસલી ચિત્ર તરફ જોયું. તો ત્યાં તેની આંગળીના લીસોટાવાળું ચિત્ર લટકતું હતું. તેણે વિચાર્યું- 'તો પછી અસલી ચિત્ર ક્યાં ગયું?' આ બધું એક ઝબકારામાં થઇ ગયું. તેણે વિચાર્યું- 'નક્કી કોઈ અસલી ચિત્ર ચોરી ગયુ લાગે છે. નક્કી પેલો ચિત્રકલાનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી ચોરી ગયો લાગે છે.' 

પલકવારમાં તેણે રાડારાડ કરી મૂકી, 'ચોરી થઇ છે... ચોરી! જુઓ, પેલું ઘોડી ઉપરનું ચિત્ર કોઇએ ભીંત પર લટકાવી દીધું છે અને પેલું અસલી ચિત્ર કોઈ ચોરી ગયું છે.'

 તેની બૂમાબૂમ સાંભળી ત્યાંના ચોકીદાર, કર્મચારીઓ તથા મ્યુઝિયમના ઉપરી અધિકારી આવી ગયા.  

'શી વાત છે બેટા?' 

ગોપીએ કહ્યું, 'સાહેબ, કોઈ અસલી ચિત્ર ચોરી ગયું છે અને આ ઘોડી ઉપરનું નકલી ચિત્ર તેની જગ્યાએ ગોઠવી ગયું છે જેથી ચોરી થયાની કોઇને ખબર જ ના પડે.'

ચશ્મા ચઢાવી અધિકારી સાહેબે ભીંત ઉપર લટકાવેલા ચિત્ર ઉપર નજર નાંખી. 'ખરેખર, આ બેબી સાચી છે. અસલી ચિત્ર ચોરાઈ ગયું છે. તમે બધાં અહીં જ ઊભાં રહો. પોલીસને સત્વરે જાણ કરવી પડશે.' 

એમ બોલીને ઉતાવળે પગલે  પોતાની ઓફિસમાં પહોંચીને એમણે પોલીસના વડાને ચોરીની જાણ કરી. તેથી મુંબઇ શહેરમાં બધે જ સંદેશા પહોંચી ગયા. વિમાનઘર, રેલવે સ્ટેશન, જળમાર્ગ, એસ.ટી.સ્ટેશન ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઈવે ઉપર નાકાબંધી કરવામાં આવી.

થોડીવારમાં અધિકારી સાહેબ પાછા આવ્યા. સાથે એક સરસ મઝાના રંગીન પૂંઠાવાળું પુસ્તક લેતા આવ્યા.તેઓ કહે, ' લે બેટા, આ તારું ઇનામ... પણ એ તો કહે કે તે અસલી નકલી ચિત્રનો ભેદ કેવી રીતે શોધી કાઢ્યો?' 

ગોપીએ પોતાના પરાક્રમની વિગતવાર વાત કરી. તે સાંભળીને અધિકારી સાહેબે ફરીથી તે નકલી ચિત્ર ઉપર નજર ઠેરવી. બધાંએ પેલો લાંબો લિસોટો જોયો. 

'શાબાશ ગોપી!' મિસ ગોમ્સ બોલ્યાં. 

એટલામાં સમાચાર આવ્યા કે પોલીસની ઝડપી કાર્યવાહીને લીધે અસલી ચિત્રનો ચોર ચિત્ર સાથે પકડાઈ ગયો હતો. તે ચોર બીજો કોઈ નહીં પણ ચિત્રકલાનો અભ્યાસ કરતો અને અસલી ચિત્રની નકલ કરતો પેલો વિદ્યાર્થી જ હતો.

અધિકારી સાહેબે ગોપીનો વાંસો થાબડતા કહ્યું, 'આ ઉપરાંત બીજું ખાસ ઇનામ તને મળશે. બોલ બેટા, તારે શું જોઇએ છે?' 

આ સાંભળી ગોપી શરમાઈ ગઇ અને કંઇ બોલી ન શકી. 'બોલ, બોલ, બેટા, આજે હું તારા પરાક્રમથી ખૂબ જખુશ થયો છું,' અધિકારી સાહેબે ફરીથી કહ્યું. 

આમ છતાં ગોપી કંઇ જ ના બોલી, પરંતુ તેની ખાસ બેહનપણી તારિકા બોલી- 'સાહેબ, તેને સારામાં સારી કંપનીના 'રોલર સ્કેટ્સ' ખરીદવાની ખૂબ ઇચ્છા છે તેવું તે મને વારંવાર કહેતી હોય છે.તેને સ્કેટિંગની ઘણી સ્પર્ધાઓમાં મેડલ્સ મળ્યા છે. તેનાં મમ્મી સતત માંદાં રહેતાં હોવાથી ખૂબ બધી દવાઓનો ખર્ચ થાય છે. તેથી તેના પપ્પા આવાં મોઘાં સ્કેટ્સ અપાવી શક્તાં નથી.'

અધિકારી સાહેબ બોલ્યા, 'ગોપી, તને સારામાં સારી કંપનીના ઉત્તમ ગુણવત્તાવાળા રોલર સ્કેઇટસ મળશે જ!' પછી તેમણે તેમના મદદનીશ કર્મચારીને બોલાવી એક જોડી રોલર સ્કેટ્સ મ્યુઝિયમ તરફથી ખરીદીને ગોપીની સ્કૂલે મોકલી આપવાની સૂચના આપી. 

ગોપી તો જાણે આકાશમાં ઉડતી હતી. તે વિચારતી હતી કે મ્યુઝિયમમાંથી તે કોઇને સ્કેટ્સ મળતાં હશે! 

મિસ ગોમ્સે બધી છોકરીઓને સ્કુલબસમાં બેસવાનો આદેશ આપ્યો. ત્યાં જ મ્યુઝિયમના કર્મચારીઓ આઈસક્રીમ કપ્સ લઇને આવી ગયા. મિસ ગોમ્સે સ્કુલના પ્રિન્સિપાલને ફોન કરી આખો કિસ્સો કહી સંભળાવ્યો. બસમાં બેસી આઈસક્રીમ ખાતાં ખાતાં છોકરીઓ ખુશ થઇ કિલકારીઓ કરવા લાગી. 

જ્યારે બસ સ્કૂલ પર પહોંચી ત્યારે કમ્પાઉન્ડમાં સ્કૂલનાં પ્રિન્સિપાલબહેન તથા આખો શિક્ષકગણ ગોપીને ફૂલહારથી આવકારવા ઊભાં હતાં...