Magazines

ફિલ્મસ્ટાર્સના નવા વર્ષમાં નવા નવા સંકલ્પોઃ હરો-ફરો અને મોજ કરો

By GS TEAM
22 Jan 20262 mins read
ફિલ્મસ્ટાર્સના નવા વર્ષમાં નવા નવા સંકલ્પોઃ હરો-ફરો અને મોજ કરો

ફિલ્મી દુનિયામાં કામ કરનારી દરેક વ્યક્તિની કિસ્મત ક્યારે ચમકે તેનું કંઇ કહેવાય નહીં, પણ સંઘર્ષ કરતાં કરતાં પણ પોતાના ધ્યેય પાર પાડવાનું દરેક જણ ઇચ્છતા હોય છે. ફિલ્મી દુનિયામાં રોજિંદા સંઘર્ષની વચ્ચે પણ ઘણા ફિલ્મ સ્ટાર્સ નવું વર્ષ આવે એટલે આ કામ તો કરવું જ છે તેવા સંકલ્પો કરે છે. ૨૦૨૬માં પણ ઘણાં ફિલ્મ સ્ટાર્સ આવા સંકલ્પ કર્યા છે. આવો જાણીએ કોણે કેવા કેવા સંકલ્પો કર્યાં છે

સૌમ્યા ટંડન 

આવતાં વર્ષ માટે મારું ધ્યેય દર મહિને એક પુસ્તક વાંચવાનો ક્રમ ચાલુ રાખવાનું છે. મેં મારી જાતને વચન આપ્યું છે કે હું આ વર્ષે તો દર મહિને એક પુસ્તક વાંચીશ જ. બીજી વધારે મહત્વની વાત હું ફરી કવિતાઓ લખવાનું શરૂ કરવા માંગું છું. 

રસિકા દુગ્ગલ 

હું ઘણાં સમયથી મારે કરવાના કામોની મોટી યાદી લઇને ફરૂં છું. મારા કરવાના કામોમાં ઓનલાઇન મોડર્ન હિસ્ટરી કોર્સ કરવાથી મ્યુઝિકના લેસન ફરી શરૂ કરવા સુધીની બાબતોનો સમાવેશ થાય છે. હું સ્પોર્ટ્સ કરવા માંગું છું તેમ જ ડાન્સ ક્લાસ પણ જોઇન કરવા માંગું છું. જો હું આ યાદીમાંથી માત્ર બે કામ પણ સારી રીતે કરી શકીશ તો હું માનીશ કે મારું આ વર્ષ સારું ગયું. 

અપારશક્તિ ખુરાના 

સારું કામ કરવા ઉપરાંત હું આ વર્ષે મારા ખાનપાન અને ઉંઘની ટેવો સુધારવા માંગું છું. સારી ઉંઘ ન થાય તો તેની અસર તબિયત પર થતી હોય છે. આપણે ઘણીવાર પાયાની બાબતોને જ અવગણતાં હોઇએ છીએ. આ વર્ષે હું મારા કામ અને આરોગ્યને સંતુલિત કરવા માંગું છું. 

સિદ્ધાર્થ નિગમ 

આ વર્ષે મારો સંકલ્પ સરળ છેઃ વિકાસ કરો અને એવું કામ કરો કે તેની અસર લાંબો સમયપડે. વળી આ વર્ષે હું સંપત્તિ અને કાર પણ ખરીદવા માંગું છું. હું મારા નાણાંનું બહેતર રોકાણ કરી તેના પર બહેતર વળતર મેળવવા માંગું છું.  

રાહુલ વૈદ્ય 

આ વર્ષે મારો એકમાત્ર સંકલ્પ મારી તબિયત સુધારવાનો છે. હું શારીરિક અને માનસિક રીતે ફીટ રહેવા માંગું છું. મારે ફરી ધ્યાન ધરવું છે. હું કામ સબંધિત ટ્રાવેલ ઉપરાંત  રમણીય જગ્યાઓના પ્રવાસો કરવા માંગું છું. મારે આ વર્ષે હરિદ્વાર અને ઋષિકેશ જેવા યાત્રાધામોની યાત્રા કરવી છે અને જાપાનનો પ્રવાસ પણ કરવો છે. 

મદાલસા શર્મા 

મને ફરવાનો ઘણો શોખ છે. મેં  અને મારા પતિએ ૨૦૨૬માં ઘણી ટ્રીપો કરવાનું નક્કી કરી લીધું છે. મને આ ટ્રીપ વિશે વાત કરતાં પણ મજા આવે છે. આ વર્ષે હું મને આનંદ આપે તેવી નાની નાની બાબતો પર વધારે ધ્યાન આપવા માંગું છું.