Magazines

'સેફ હેવન' દુબઈ પરના સંકટથી ફિલ્મસ્ટાર્સ થયા દુ:ખી દુ:ખી!

By GS TEAM
21 May 20262 mins read
'સેફ હેવન' દુબઈ પરના સંકટથી ફિલ્મસ્ટાર્સ થયા દુ:ખી દુ:ખી!

- યુદ્ધની અસર એકલા ભારતના ઉદ્યોગ-ધંધા પર જ નહિ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ થઈ છે. સૌ જાણે છે કે મુંબઈના મોટા ફિલ્મસ્ટાર્સના દુબઈમાં કાં તો આલિશાન ઘર છે અથવા બિઝનેસ છે

દુનિયાનો લગભગ કોઈ એવો દેશ નહિ હોય જેને અમેરિકા-ઈરાન યુદ્ધની માઠી અસર ન થઈ હોય. ખાસ તો એટલા માટે કે ઈરાને યુએસના લશ્કરી મથકો ધરાવતા યુએઈના અબુ ધાબી અને દુબઈ જેવા ઘટક દેશો પર મિસાઈલ હુમલા કરી ઓઈલ અને ગેસની સપ્લાય બંધ કરી દીધી છે. વિમાનોની આવજા પણ ખોરંભે ચડી છે. યુદ્ધની અસર એકલા ભારતના ઉદ્યોગ-ધંધા પર જ નહિ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ થઈ છે. સૌ જાણે છે કે મુંબઈના મોટા ફિલ્મસ્ટાર્સના દુબઈમાં કાં તો આલિશાન ઘર છે અથવા બિઝનેસ છે. જ્યારે અમુકના બાળકો દુબઈની ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ભણે છે. એ બધાની મુંબઈ-દુબઈ વચ્ચેની આવજા સદંતર બંધ છે. બોલિવુડના સ્ટાર્સ દુબઈને 'સેફ હેવન' (સુરક્ષિત સ્વર્ગ) ગણતા હતા પણ વિનાશક વોરને કારણે એની સલામતિ સામે મોટુ જોખમ ઊભુ થયું છે. હાલ યુએસ, ઈઝરાયેલ અને ઈરાને તલવારો મ્યાન કરી છે, પરંતુ સમાધાન માટે ચાલતી વાટાઘાટોમાં તસુભાર પ્રગતિ નથી થઈ રહી. એટલે યુદ્ધનો હાઉં હજુ ગયો નથી.

દુબઈ દુનિયાનું એક સૌથી વિશાળ શોપિંગ અને બિજનેસ હબ બની ગયું હોવાથી છેલ્લા થોડા વરસોથી શાહરુખ ખાન, સલમાન ખાન, આર. માધવન, લારા દત્તા, સંજય દત્ત, સોનુ સૂદ અને વિવેક ઓબેરોયના મુંબઈ-દુબઈ વચ્ચેના આંટાફેરા વધી ગયા હતા.

કિંગ ખાન અને મલયાલમ સિનેમાના સુપરસ્ટાર મામ્મુટીના દુનિયાની સૌથી ઊંચી ઇમારત બુર્ઝ ખલિફામાં આલિશાન અપાર્ટમેન્ટસ છે. સલમાન, માધવન, વિવેક ઓબેરોય અને ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિને પરણેલી લારા દત્તાના પણ દુબઈમાં ઘર છે. ફરદીન ખાન  અને સંજય દત્તના બાળકો દુબઈની મોંઘીદાટ સ્કૂલોમાં ભણતા હોવાથી તેઓ હાલતા-ચાલતા મુંબઈથી ફ્લાઈટ પકડીને દુબઈ ઉપડી જાય છે. જ્યારે સંજુબાબાની પત્ની માન્યતા યુએઈમાં સારો એવો બિઝનેસ ચલાવે છે. આ બધા સેલિબ્રિટીઝ દુબઈ જઈ શકતા ન હોવાથી દુખી છે. એમના બાળકોનું શિક્ષણ તો બગડી જ રહ્યું છે પણ એ ઉપરાંત જાતજાતના શોરૂમના ઉદ્ઘાટનો કરીને અને ઈવેન્ટસમાં હાજરી આપીને થતી એમની આવક પણ ઝુંટવાઈ ગઈ છે. એમણે તકિયામાં મોં છુપાવીને રડવાનો વારો આવ્યો છે.

વિવેક ઓબેરોયને એના રિયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટ બિઝનેસને કારણે દુબઈ પ્રત્યે ખાસ લાગણી છે. એક્ટર દુબઈને પોતાનું ઘર જ ગણે છે. એની જેવા બીજા ઘણાં એક યા બીજા કારણસર દુબઈને મિસ કરી રહ્યા છે.  આવો જ એક દુબઈ પ્રેમી સ્ટાર અનામ રહેવાની શરતે પોતાની વ્યથા ઠાલવતા કહે છે, 'અમારા સેફ હેવન પર મોટી આફત આવી છે. દુબઈમાં ક્યારે બધુ નોર્મલ થશે કોણ જાણે?'