ભવિષ્યનો ભય બુદ્ધિને ભરમાવે છે .

- સુપેરે જીવાતું જીવન પણ કોઈ અમંગળ એંધાણીના લીધે ઠોકરો ખાતું થઈ જાય છે અને ત્યારે ઉલઝનમાં ફસાયેલો માણસ ઉતાવળમાં અનર્થ કરી બેસે છે. તે ભૂલી જાય છે કે કરેલાં કર્મ પ્રમાણે જ ફળ મળવાનું હોય છે
ગાંધારી ગાંધાર દેશના રાજા સુબલની પુત્રી અને શકુનિની બહેન હતી. તે સુંદર, સુશીલ, ધર્મચારિણી, ગુણવતી અને પતિવ્રતા હતી. નાનપણમાં તેણે અનેક વ્રતો કરી ભગવાન શિવની આરાધના કરી હતી. (આરાધ્યં વરદં દેવં ભગનેત્ર હરં હરમ્, ગાંધારી કિલ પુત્રાણાં શતં લેભે વરં શુભા) તેની નિ:સ્વાર્થ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેને સો પુત્રોની માતા બનવાનું વરદાન આપ્યું હતું. જોકે આશીર્વાદરૂપે આ વરદાનની અગત્યતા તેને એ વખતે સમજાઈ નહોતી. છતાં તે ખુશ હતી કે શિવજીએ તેની ભક્તિ સ્વીકારી તેના પર વણમાગી કૃપા કરી હતી. આ વરદાનની ચર્ચા સાંભળીને ભીષ્મ પિતામહને પોતાના 'વંશ વિસ્તરની ખાત્રી' લાગતાં ભાઈ ધૃતરાષ્ટ્ર સાથે તેના વિવાહ કરાવ્યા. ભાવિ પતિ જન્મજાત અંધ છે એ જાણીને ગાંધારીએ પતિવ્રતા ધર્મવાળી કાયમ માટે આંખે પાટો બાંધી દીધો. ગાંધારી વિવાહ બાદ હસ્તિનાપુર આવી. અહીં તેનું જીવન અત્યંત સુખપૂર્વક વ્યતીત થતું હતું. તેને પળેપળ સ્વર્ગસુખનો અનુભવ થતો.
એક વખત મહર્ષિ વેદવ્યાસ થાકેલા હતા ત્યારે હસ્તિનાપુરના મહેમાન બન્યા. ગાંધારીએ ખૂબ જ આદરભાવથી તેમનો સત્કાર કર્યો. મહર્ષિ રોકાયા ત્યાં સુધી તેમની નાનામાં નાની જરૂરિયાતોનો ગાંધારીએ જાતે ખ્યાલ રાખ્યો. વેદવ્યાસ ગાંધારીની પરોણાચાકરીથી સંતુષ્ટ અને ખુશ થયા. વિદાય થતી વખતે ગાંધારીએ મહર્ષિના ચરણસ્પર્શ કર્યા. વેદવ્યાસ આશીર્વાદ આપતા હતા ત્યારે ગાંધારીએ એક વરદાનની ઇચ્છા વ્યક્ત કરી. (સા વવ્રે સદૃશં ભુર્ત: પુત્રાણાં શતમાત્મન:) 'મહર્ષિ મને મારા પતિ જેવા સો પુત્રો પ્રાપ્ત થાય એવું વરદાન આપો.' વેદવ્યાસ મર્માળુ હસ્યા અને 'તથાસ્તુ' કહી વિદાય થયા.
સમય વીતતો ગયો. ગાંધારી ગર્ભવતી થઈ. મનની બધી ઇચ્છા પૂરી થવાનો ભરોસો વધતો ગયો. જાણે તેને પાંખો ફૂટી. તે તેના આનંદી સ્વપ્ન આકાશમાં ઊડવા લાગી. જોકે વેદવ્યાસના આશીર્વાદ છતાં બે વર્ષ સુધી તેને પ્રસવ ના થયો. તેને ચિંતા થવા લાગી. એ દરમ્યાન સમાચાર મળ્યા કે કુંતીએ સૂર્ય સમાન તેજસ્વી બાળકને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળતાં જ ગાંધારી ઇર્ષાથી આકળવિકળ થઈ ગઈ. તેની દેરાણીને પહેલું માતૃત્વ પ્રાપ્ત થયું એ હકીકત તેને દઝાડવા લાગી. બેચેની વધતી ગઈ. તેને ભવિષ્યના વિચારો આવવા લાગ્યા. હવે હસ્તિનાપુરનો ભાવિ યુવરાજ કુંતીનો પુત્ર થશે ! તેનું સંતાન હસ્તિનાપુરના સિંહાસનથી વંચિત રહેશે ? હું મોટી છું - મારો પુત્ર યુવરાજ બનવો જોઈએ !! તે ક્રોધે ભરાઈ. અજંપો એટલો વધી ગયો કે તે સંયમ અને વિવેક ખોઈ બેઠી. તેણે તેના પેટ પર બે હાથથી મુઠ્ઠીઓથી પ્રહારો કર્યા !! તેના આક્રંદથી મહેલનો ખૂણે ખૂણો ધ્રુજી ગયો. તેના અતિ પ્રહારથી તેના પેટમાંથી લોખંડ જેવો ગર્ભપીંડ બહાર આવ્યો. આ ભારે પીંડ જોઈ ગાંધારી હૈયાફાટ રૂદન કરવા લાગી. ભવિષ્યનો ભય શ્રદ્ધાને ડગમગાવે છે. વિશ્વાસને ભ્રમિત કરે છે, જ્યારે ભયભીત વ્યક્તિ બુદ્ધિથી વિચારવાનું શરૂ કરે ત્યારે અંત:કરણમાં સ્થપાયેલી શ્રદ્ધા ટૂંટિયુંવાળી ખૂણામાં લપાઈ જાય છે. ભવિષ્યનો ભય જ્યારે માણસની બુદ્ધિને ભરમાવે ત્યારે તે શુભ સંકેતને સમજ્યા વગર વર્તમાનની ક્ષણોમાં દુ:ખી થાય છે.
આ ઘટના બની ત્યારે મહર્ષિ વેદવ્યાસ અચાનક હસ્તિનાપુર પધાર્યા. ગાંધારીનો વિલાપ સાંભળી આશ્વાસન આપ્યું. હૈયાધારણ આપી. કહ્યું. (વિતથં નોકતપૂર્વં મે સ્વૈરેષ્વવિ કુતોન્યથા) 'હે સુબલકુમારી જાણે-અજાણે મજાકમાં પણ મારા મોંએથી ખોટી વાત નીકળતી નથી. પછી તેં વિશ્વાસ કેમ ના રાખ્યો ? મેં આપેલા વરદાનની વાત જૂઠી કેવી રીતે થઈ શકે ? તેં વરદાન માંગ્યું, મેં વરદાન આપ્યું. તારે વરદાનની સત્યતા પર શ્રદ્ધા રાખવી જોઈએ.' ત્યારબાદ વેદવ્યાસે ગર્ભપીંડને પવિત્ર જળથી સાફ કરી તેના સો ટુકડા કરી ગુપ્ત સ્થાનમાં સો નાના નાના માટલામાં રખાવડાવ્યા. અને પવિત્ર જળથી સિંચન કરવા કહ્યું. બે વર્ષ બાદ એ અલગ અલગ પીંડમાંથી સો પુત્રોનો જન્મ થયો. પહેલો જન્મ દુર્યોધનનો થયો અને છેલ્લે ગાંધારીની મનોકામના પૂર્ણ કરવા એક પુત્રી દુ:શલાનો જન્મ થયો.
અહીં સમજવા જેવી વાત એ છે કે ગાંધારીને બે વરદાન અગાઉથી પ્રાપ્ત થયેલાં હતાં. એક ભગવાન શિવે તેની ભક્તિથી પ્રસન્ન થઈ સો પુત્રોના આશીર્વાદ આપ્યા હતા અને મહર્ષિ વેદવ્યાસે પણ તેની સેવા કરવા બદલ તેના પતિ જેવા સો પુત્રોનું વરદાન આપ્યું હતું. છતાં ગાંધારી ભવિષ્યના દેખીતા ભયથી ચિંતિત થઈને ઉતાવળમાં પોતાના જ ગર્ભ પર પ્રહાર કરી બેઠી.
માણસ જ્યારે ભવિષ્યની ચિંતા કરીને ભયભીત બને ત્યારે તેની બુદ્ધિ પ્રમાણે તેની નજરમાં પોતાની સલામતી પ્રથમ સ્થાને રાખે છે. ભય, શંકા અને અવિશ્વાસને કારણે તેનું માનસિક જોમ અને હીર ચુસાઈ જાય છે. માણસ પોતાની બુદ્ધિથી જ્ઞાનમૂલક અને પરિવર્તન લાવવાની શક્તિના પ્રભાવથી ભવિષ્યને કાબૂમાં લેવા પ્રયત્ન કરે છે. ભવિષ્યના ભયનું દબાણ વધે ત્યારે ઉચાટ, ઉગ્રતા, અજંપો અને ક્રોધનું પ્રમાણ સહજ રીતે વધી જાય છે. સુપેરે જીવાતું જીવન પણ કોઈ અમંગળ એંધાણીના લીધે ઠોકરો ખાતું થઈ જાય છે અને ત્યારે ઉલઝનમાં ફસાયેલો માણસ ઉતાવળમાં અનર્થ કરી બેસે છે. તે ભૂલી જાય છે કે કરેલાં કર્મ પ્રમાણે જ ફળ મળવાનું હોય છે. આવી વ્યક્તિને પરમ શક્તિની અસીમ કૃપાનો કદી અનુભવ થતો નથી.
- સુરેન્દ્ર શાહ








