બાપ એટલે : તું ચિંતા ના કર હું બેઠો છું... .

- જ્યારે આખી દુનિયા તમારી સામે આંગળી ચીંધતી હોય, ત્યારે એક જ વ્યક્તિ એવી હોય છે જે તમારી પીઠ પાછળ ખડકની જેમ ઊભી રહે છે અને કહે છે, ''તું ચિંતા ન કર, હું બેઠો છું ને!'' આ ''હું બેઠો છું'' એ ત્રણ શબ્દો કોઈપણ સંતાન માટે દુનિયાનું સૌથી મોટું લાઈફ ઈન્સ્યોરન્સ કવચ છે.
For rarely are sons similar to their fathers& most are worse, and a few are better than their fathers...
આપણી સમાજ વ્યવસ્થા અંગે ધ ઓડીસીના લેખક હોમરે ખૂબ જ મોટો કટાક્ષ કર્યો હતો. ઈનફેક્ટ માતા અને પિતા બંનેની સાથે કેવું વર્તન કરવાથી માંડીને કેવી રીતે વાતચીત કરવી, તેમનો આદર કેવી રીતે જાળવવો અને તેનાથી શું ફળ મળે છે તેવી તમામ બાબતોની ચર્ચા થઈ છે. આજે આ વાત એટલા માટે કાઢવી પડી કે, હમણાં જ આપણે ફાધર્સ ડે ઉજવી લીધો. મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઈન્સ ડે આ બધા જ દિવસોની ઉજવણી વિદેશી પ્રવાસીઓ જેવી છે. તેઓ ભારતમાં આવ્યા અને આપણને કંઈક નવું શીખવીને ચાલ્યા ગયા.
આપણા અસ્તિત્વનો જનક, આપણો પિતા અને તેના માટેનો ઉછીનો લીધેલો દિવસ પણ આપણે નિષ્ઠાથી ન ઉજવી શકીએ તો તેનાથી વધારે મોટી કરુણતા શું હોઈ શકે. મારું તો એમ માનવું છે કે, આવા દિવસો તેની રીતે આવે અને જાય પણ આપણો પિતા કે માતા માટેનો પ્રેમ, સ્નેહ, આદર બધું બાકીના ૩૬૪ દિવસ ક્યાં જાય છે. બાપાનો ત્રાસ છે તેવું લગભગ દરેક પેઢીના લોકોના મોઢે હોય છે. બીજી તરફ આપણા જ વેદો અને પુરાણો પિતાને સ્વર્ગ કહે છે. આપણું જ પદ્મપુરાણ કહે છે કે પિતા સ્વર્ગ છે, પિતા શ્રેષ્ઠ તપ છે અને તેની પ્રસન્નતા સાથે દેવો પણ પ્રસન્ન રહે છે. આ વાતને આપણે વાંચી, વિચારી કે સ્વીકારી નહીં શકીએ.
આમ જોવા જઈએ તો ભુલ આપણી જ છે. વાતવાતમાં પિતાને કઠોર, જડ અને જિદ્દી ચિતરવામાં આવે છે. સવાલ એ થાય કે ખરેખર પિતા એવા જ હોય છે? જો ખરેખર તે વ્યક્તિ એવી હોય તો એક દિવસ માટે પણ શું કામ તેના અસ્તિત્વની ઉજવણી કરવી? વાસ્તવિકતા એવી છે કે, પિતા અથવા તો પુરુષને કુદરતે શક્તિ આપી છે કે કોઈપણ સ્ત્રી સાથે રહીને તે પોતાના સંતાનોનું સર્જન કરી શકે છે પણ સંતાનો પાસે એવી કોઈ તાકાત નથી કે તે પોતાના સાચા પિતાનું સર્જન કરી શકે. આ પાત્ર હંમેશા ચોક્કસ હાંસિયામાં રહ્યું છે. તેને પરિવાર, સમાજ અને સંસ્કૃતિના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે.
પિતા બન્યા બાદ તે નથી હસી શકતો કે નથી રડી શકતો. તેને અસિમિત વ્હાલ કરવામાં પણ સંકોચ કરવો પડે છે અને અસિમિત પીડા વ્યક્ત કરવામાં પણ સંકોચ રાખવો પડે છે. નાનકડી દીકરી સાથે રમતો અને આનંદ કરતો પિતા લોકોને ગમે છે અને તેવી જ રીતે દીકરીને સાસરે વળાવતો અને રડતો પિતા પણ સમાજમાં ચોક્કસ સ્થાન ધરાવે છે પણ આ બે તબક્કાઓ વચ્ચે તેણે કેવા સંઘર્ષ કર્યા છે તે કોઈ જોતું નથી અને જોતું હોય તો જણાવતું નથી કે જાણવા માગતું પણ નથી. તેણે ચોક્કસ મહોરું પહેરીને આખી જિંદગી પોતાનું પાત્ર ભજવવું પડે છે. સમયાંતરે તેની સમાજ, પરિવારમાં એન્ટ્રી અને એક્ઝિટ થયા કરે છે. સંતાનના જન્મ સાથે તેનામાં રહેતા પિતૃત્વનો જન્મ થાય છે. જીવનના અંતિમ શ્વાસ સુધી તે પોતાનું પાત્ર ભજવતો રહે છે પણ આ પાત્રને ક્યારેય જશ મળતો નથી.
સમસ્યા એ છે કે, આ જગતમાં 'મા' વિશે ઘણું લખાયું છે, ઘણું ગવાયું છે. માતાનો પ્રેમ હિમાલયની નદીઓ જેવો પવિત્ર અને નિર્મળ છે, પણ પિતા? પિતા એ પોતે જ હિમાલય છે - અડીખમ, શાંત, ગંભીર અને પરિવારને દરેક સ્થિતિમાં રક્ષણ આપતો એક અદ્રશ્ય કિલ્લો. માતા જો ઘરનું ગૌરવ છે, તો પિતા એ ઘરની સત્તા અને અસ્તિત્વ છે. મહાભારતના વનપર્વમાં જ્યારે યક્ષે યુધિષ્ઠિરને પૂછયું કે, ''આકાશથી પણ ઊંચું કોણ છે?'' ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે સચોટ ઉત્તર આપ્યો હતો :
'માતા ગુરુતરા ભૂમે: પિતા ઉચ્ચતરશ્ચ ખાત્ ।'
તેનો અર્થ એવો છે કે, માતા ભૂમિ (પૃથ્વી) કરતાં પણ ભારે છે અને પિતાનું સ્થાન આકાશ કરતાં પણ ઊંચું છે. આકાશ જેમ અનંત છે, તેમ પિતાનો ત્યાગ અને પ્રેમ પણ અનંત છે.
આપણે જ્યારે નાના હોઈએ છીએ ત્યારે પિતા દુનિયાના સૌથી શક્તિશાળી માણસ લાગે છે. આપણને લાગે છે કે તેમની પાસે દરેક સમસ્યાનો ઉકેલ છે, તેમની પાસે અખૂટ પૈસા છે. પણ જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, ત્યારે સમજાય છે કે પિતા કોઈ સુપરમેન નહોતા, તેઓ તો એક સામાન્ય માણસ હતા જે આપણી જીદ પૂરી કરવા માટે અસામાન્ય મહેનત કરતા હતા. આપણા શરીર પર શોભતા ઈસ્ત્રીટાઈટ બ્રાન્ડેડ કપડાં, હાથમાં ઝગારા મારતા લેટેસ્ટ સ્માર્ટફોન પાછળ મહેનત અને પીડાની કરચલીઓ છુપાવનારા અને ડફોળ બનીને વૈતરું કરનારા પિતાના પરસેવાની કમાણી હોય છે. પિતા પોતાના માટે ક્યારેય નવો શર્ટ ખરીદતા પહેલાં દસ વાર વિચારશે, પણ સંતાનના સ્કૂલના યુનિફોર્મ કે દિવાળીના કપડાં માટે ક્યારેય આનાકાની નહીં કરે. માતા રડીને પોતાનું દુ:ખ હળવું કરી શકે છે, પણ પિતા? પિતા ક્યારેય સંતાનો સામે રડી શકતા નથી. પુરુષાર્થની ગરમીમાં અને જવાબદારીના બોજ નીચે પિતાના આંસુ અંદર જ સુકાઈ જાય છે.
જ્યારે આખી દુનિયા તમારી સામે આંગળી ચીંધતી હોય, ત્યારે એક જ વ્યક્તિ એવી હોય છે જે તમારી પીઠ પાછળ ખડકની જેમ ઊભી રહે છે અને કહે છે, ''તું ચિંતા ન કર, હું બેઠો છું ને!'' આ ''હું બેઠો છું'' એ ત્રણ શબ્દો કોઈ પણ સંતાન માટે દુનિયાનું સૌથી મોટું લાઈફ ઈન્સ્યોરન્સ કવચ છે. પિતા ક્યારેય પ્રેમ વ્યક્ત કરી શકતો નથી, તે તો માત્ર કરીને બતાવે છે કે, તેને કેટલો પ્રેમ છે. તેના આ ત્રણ શબ્દોમાં સકલ બ્રહ્માંડનો નાદ હોય છે જે આપણને આશીર્વાદ સમાન લાગે છે.
આપણે બધા જ જાણીએ છીએ કે, માતાનો પ્રેમ વાચાળ હોય છે. તે વહાલ કરે, લાડ કરે, માથે હાથ ફેરવે અને રસોઈ બનાવીને ખવડાવે. પિતાનો પ્રેમ મૌન હોય છે. તમે મોડા ઘરે આવો ત્યારે હોલમાં જાગતી મમ્મી બેઠી હોય પણ રૂમમાં જાતો બાપ બેઠો હોય તેને આપણે ક્યારેય જોતા નથી. પરીક્ષાનું રીઝલ્ટ સારું આવે ત્યારે મમ્મી તમે ભેટી પડે, હેતથી નવડાવી દે પણ પિતા આવું ન કરી શકે. તે દૂર ઊભા રહીને ગર્વ કરે, મનમાં હરખના આંસુ સારે અને વટથી પોતાની આસપાસના લોકોને પેંડા અને મીઠાઈ વહેંચે. જ્યારે તમે બીમાર હો ત્યારે તમારા માથે પોતા મુકવા કે તમને દવા આપવા તમારી માતા જ આવે. તેમ છતાં અડધી રાત્રે રૂમમાં છાનામાના આવીને તમારા કપાળ પર હાથ મૂકી તાવ ચેક કરે, એ પિતા. આ પ્રેમમાં એક ગંભીરતા હોય છે, કારણ કે પિતા જાણે છે કે જો પોતે ઢીલા પડી જશે તો આખું ઘર તૂટી જશે. તેના માટે એક ઉર્દુ શાયરે લખ્યું છે,
અઝીઝ-તર મુઝે રખતા હૈ વો રગ-એ-જાં સે,
યે બાત સચ હૈ મિરા બાપ કમ નહીં માં સે...
આજે આપણે આધુનિક યુગમાં જીવી રહ્યા છીએ. આપણી પાસે વ્હોટ્સએપ સ્ટેટસ મૂકવાનો સમય છે, ફેસબુક પર 'હેપ્પી ફાધર્સ ડે' લખવાનો સમય છે, પણ શું આપણી પાસે પિતાની બાજુમાં બેસીને બે મિનિટ વાત કરવાનો સમય છે? વૃદ્ધાવસ્થામાં પિતાને મોંઘી ભેટ-સોગાદો નથી જોઈતી. તેમને માત્ર તમારો થોડોક સમય જોઈએ છે. જે પિતાએ આપણી તોતડી ભાષા સાંભળવા માટે કલાકો વિતાવ્યા હતા, આજે તેમના ધ્રુજતા અવાજની લાગણીનો આપણે અનુવાદ કરી શકીએ તો પણ ઘણું છે. જે ખભા ઉપર બેસીને આખું જગત જીતવાના સપનાં જોયા હતા તે ખભે હાથ મુકીને તેમની લાગણી સમજીશું તો પણ એ માણસ પોતાની જાતને સિકંદર માનશે. વ્યક્તિ જ્યાં સુધી બાપ નથી બનતી ત્યાં સુધી તેન આ વાત સમજાતી નથી. પિતાને એક દિવસની ઉજવણી કે ભેટ નહીં આપોને તો ચાલશે પણ તેણે શું ગુવાવ્યું છે તેની દરકાર કરીને તેનું માન જાળવશોને તો પણ તેનું જીવન ઉત્સવમય બની જશે. પિતૃઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકાતું નથી. પરંતુ, આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે તેમના જીવનના ઉત્તરાર્ધમાં તેમને ક્યારેય એકલતા ન લાગવા દઈએ. પિતા અને સંતાનો વિશે ચાર્લ્સ વેડ્સવર્થે અદભુત વાત કરી છે,
By the time a man realizes that maybe his father was right, he usually has a son who thinks heüs wrong.









