Magazines

સુકલકડી યુવકને સ્ટ્રોંગ દેખાડતી ફેશન .

By GS TEAM
23 Jun 20253 mins read
સુકલકડી યુવકને સ્ટ્રોંગ દેખાડતી ફેશન                          .

- પાતળા પુરુષો માટે વસ્ત્રોની સમસ્યા કેવું ફિટિંગ્સ રાખવું તેની રહે છે. તદ્દન ફિટ વસ્ત્રોમાં તેમનું શરીર નબળું દેખાય અને ખૂલતાં વસ્ત્રોમાં હવામાં ફરફરતા દેખાય. પાતળા પુરુષો આકર્ષક દેખાય ને પર્સનાલિટી સ્ટ્રોન્ગ દેખાય એ માટેના કેટલાંક કીમિયા અહીં આપ્યા છે. આ કીમિયા અપનાવવાથી એકવડું શરીર ધરાવનાર પણ આકર્ષક ને ભરાવદાર દેખાવ મેળવી શકે છે.

જ્યારે ટ્રાઉઝર ખરીદો કે બનાવડાવો ત્યારે તેના ફિટિંગ માટે ખાસ કાળજી રાખો. કમરથી જરાક ઢીલું હોય અને પગથી સાધારણ દૂર રહે એવું ચોકસાઈભર્યું ફિટિંગ રહે તેની કાળજી રાખો. ડેનિમના ટ્રાઉઝર આ માટે ઉત્તમ રહે છે. ટ્રાઉઝરનાં કપડાં ઘટ્ટ રંગના પસંદ કરવા અનિવાર્ય છે કારણ કે ઘટ્ટ રંગ શરીર ભરાવદાર હોવાનો આભાસ ઊભો કરે છે. 

* ટ્રાઉઝર માટેનું કાપડ પણ જાડું પસંદ કરો, પાતળું કાપડ પેન્ટને હવામાં ફરતું રાખશે અને તેથી પ્રભાવ ઊભો જ નહીં થઈ શકે. કપડું જાડું હોવાથી ટ્રાઉઝરનો ફોલ સરસ બેસે છે. તેથી પર્સનાલિટી ઘડાય છે.

* સૌથી મોટી મુશ્કેલી શર્ટના ફિટિંગમાં ઊભી થાય છે. એકવડા બાંધાના કારણે શર્ટના શોલ્ડર સાવ પાતળા હોવાથી ગમે તેવું શર્ટ પણ પ્રભાવશાળી દેખાતું નથી. એ માટે શર્ટમાં હંમેશાં ખભાના ભાગે પેડિંગ મૂકાવવું જોઈએ. તેથી શર્ટ આકર્ષક દેખાશે અને તમારું શરીર પણ સબળું દેખાશે.

* શર્ટના ફિટિંગમાં લેયરિંગ ખૂબ મહત્ત્વનું બનશે. વસ્ત્રોના સ્માર્ટ લેયરિંગથી જ તેનો પ્રભાવશાળી આકાર બને છે. શરીરના ચોક્કસ ભાગે તે ભરાવદાર દેખાય છે અને અન્ય ભાગે ફિટિંગ દેખાય છે, પરંતુ એક વાતનું ધ્યાન રહે કે દરેક લેયર સ્લિમ અને ફિટ રહે. ખૂલતા લેયરથી વળી લૂઝ ફિટિંગ દેખાશે. તેથી શરીરનો દેખાવ બેડોળ બની જશે. શર્ટ જો ટૂંકી બાંયોવાળા પસંદ કરતા હોવ તો તેની બાંયો ડબલ લેયરવાળી રાખો.

* એકવડુ શરીર હોય તો બને ત્યાં સુધી પરંપરાગત વસ્ત્રો ન પહેરવા જોઈએ. તેને બદલે નવા જમાના પ્રમાણેના ડિઝાઇનર વસ્ત્રોની પસંદગી કેળવો. જે પાતળા બાંધાની વ્યક્તિ માટે ઘણી ડિઝાઇન્સ મળી શકે છે. બ્રાન્ડેડ અને ડિઝાઇનર ગારમેન્ટમાં પાતળી વ્યક્તિઓ માટે ખાસ ધ્યાન રાખીને ફિટિંગ કરવામાં આવે છે માટે બીજી કડાકૂટ ન કરવી હોય તો બને ત્યાં સુધી બ્રાન્ડેડ કપડાં પર પસંદગી ઉતારો.

* શિયાળો દરેક માટે મનપસંદ ઋતુ છે. આ તુમાં ઠંડીથી બચવા કોટ, સ્વેટર, જેકેટ, મફલર જેવાં વસ્ત્રો પસંદ કરો. તેમાં પર્સનાલિટી આપોઆપ ખીલી ઊઠશે. આગળ આવી રહેલા ઉનાળામાં ટૂંકા અને મજબૂત ગરમ વસ્ત્રો તમારી પર્સનાલિટીને સૂટ કરશે.

* જિન્સનાં પેન્ટ-જેકેટ, કોન્ટ્રાસ ધરાવતાં ઘટ્ટ કલર, ઊભી પટ્ટીવાળી ડિઝાઇનવાળાં વસ્ત્રો તમારી પર્સનાલિટીને વધારે છે. આ તમામ તમારા શરીરને પાતળું ન દેખાડતાં સહેજ ભારે અને વજનદાર દેખાડે છે.

* પગરખામાં અણીવાળા શૂઝ કોઈ પણ ભોગે પસંદ ન કરો. આગળથી બૂઠા હોય એવી ડિઝાઇનના બૂટ પસંદ કરો.

* કમરપટ્ટો હંમેશાં પાતળો પસંદ કરો. એ તમારી કમરને પાતળી નહીં બતાવે, જાડો પટ્ટો તમારો આખો દેખાવ બગાડી શકે. તેનાથી દૂર જ રહો. નાની સાઇઝનો પટ્ટો જ તમારી પર્સનાલિટીને મેચ કરશે. 

ભારેખમ એક્સેસરી, ઘડિયાળ, સનગ્લાસ ન પહેરવા, ઓવર સાઇઝની બેગ પણ પસંદ કરવી નહીં. આ બધું જ નાનું, પાતળું, નાજુક પસંદ કરવું.