Magazines

દોસ્તી અને મુસાફરીની કહાણી એટલે ફરહાન અખ્તરની દિલ ચાહતા હૈ

By GS TEAM
7 May 20268 mins read
દોસ્તી અને મુસાફરીની કહાણી એટલે ફરહાન અખ્તરની દિલ ચાહતા હૈ

- દાસ્તાન-એ-સિનેમા

- ફરહાન અખ્તરે સિદ્ધાર્થનું પાત્ર હૃતિક રોશન માટે લખ્યું હતું. તેણે રોલ કરવાની ના પાડતાં ફરહાન અભિષેક પાસે પહોંચ્યો હતો. અભિષેક પણ પ્રોજેક્ટમાંથી ખસી ગયો એટલે આમિર ખાનની એન્ટ્રી થઈ.

- ફરહાને યુવાનોને સ્પર્શતા મુદ્દા ઉઠાવવા માટે ત્રણ અલગ અલગ પર્સનાલિટીનો ઉપયોગ કર્યો - આકાશ, સમીર અને સિદ્ધાર્થ, એટલે કે અનુક્રમે આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના.

કહેવાય છે કે, કોઈ માણસને ઓળખવો હોય તો તેની સાથે મુસાફરી કરવી. અને એ પણ જેવી તેવી નહીં, આરામદાયક નહીં. સૌથી કઠિન. કોઈ પર્વત ચઢવો. ત્યારે જોવું કે, આ મુશ્કેલી વચ્ચે પણ તે પ્રકૃતિ સાથે કેવી રીતે વાત કરે છે? આ મુસાફરી દરમિયાન જોવું કે, કોઈ વ્યક્તિ કે જે તેની મદદ કરવાની ક્ષમતા નથી ધરાવતી, તેને તે મદદ કરે છે કે નહીં? એ જોવું કે, જ્યારે તેનું શરીર થાકી જાય છે, હારી જાય છે, ત્યારે તે કેવી રીતે વર્ર્તે છે? જ્યારે તે કોઈ સુંદર વસ્તુ જુએ છે ત્યારે તેની આંખો શું કહે છે? આ લાંબી મુસાફરી બાદ એક વાત પાક્કી કે, તમને સાચા અર્થમાં મિત્ર મળશે અથવા તો અનુભવ. તમે એકબીજાની વધુ નજીક આવશો અથવા ફરી એકબીજા સાથે વાત કરવાનું ટાળશો. એકબીજા વિના ચેન નહીં પડી અથવા મનમાં આ પ્રવાસના કડવા અનુભવો યાદ આવશે. એટલે, હા... કોઈની સાથે એક 'કમ્ફર્ટેબલ-કોઝી' કેફેમાં રોજ કોફી ગટકાવશો, કોઈ કોન્સર્ટમાં જશો, મૂવી જોશો, પાર્ટી કરશો, લેટ નાઈટ ડ્રાઈવ કરશો તો પણ વ્યક્તિ વિશે એટલી ખબર નહીં પડે, જેટલી તેની સાથે કરેલી એક મુસાફરી કહી જશે. કેફેમાં તો કમ્ફર્ટનો બધો જ બંદોબસ્ત છે. કોન્સર્ટમાં ફેવરિટ સિંગર અને ફ્રેન્ડ્સનો સાથ છે. મૂવીમાં ફેવરિટ એક્ટર-એક્ટ્રેસ છે. સ્ટોરી છે. પાર્ટીમાં તો મ્યુઝિક-ફૂડ એમ બધું જ છે. લેટ નાઈટ ડ્રાઈવમાં મ્યુઝિક છે. રાતની નીરવ શાંતિ છે. કારની કમ્ફર્ટ છે, પરંતુ એક એવી મુસાફરી કે જે કમ્ફર્ટથી થોડી દૂર હોય. એ અલગ લેવલનો 'સોશિયલ એક્સપિરિમેન્ટ' છે. જે તમને સાચા વ્યક્તિની ઓળખ કરાવશે. 

ફરહાન અખ્તરે ૨૦૦૧માં પોતાની પહેલી ફિલ્મ 'દિલ ચાહતા હૈ' બનાવી ત્યારે આ પ્રકારની મુસાફરી પર જ ભાર મૂક્યો હતો. આ ફિલ્મમાં ત્રણ મિત્રોની ગોવા ટ્રીપે ગોવા ટુરિઝમ માટે જેટલો પ્રચાર કર્યો તેટલો કદાચ ગોવાના ટુરિઝમ મંત્રાલયે પણ નહીં કર્યો હોય. આ ફિલ્મ બાદ ફ્રેન્ડ્સ માટે ગોવા ટ્રીપ 'ટુ ડુ લિસ્ટ'માં પહેલા નંબર પર આવી ગઈ. આ ફિલ્મમાં તેમની ગોવા ટ્રીપમાં પાર્ટી હોય છે, મસ્તી હોય છે, એમ બધું જ હોય છે. પણ, ખાસ વાત તેમના પ્રસિદ્ધ ચાપોરા કિલ્લાના દ્રશ્યમાં જોવા મળે છે. જ્યારે આ મિત્રો પાસે કોઈ જ કમ્ફર્ટ નથી, ત્યારે ખુલ્લા દિલથી વાત થાય છે. ત્રણેય મિત્રો જાણે છે કે, તેઓ અલગ અલગ મુસાફરી પર છે. કોઈ જીવનના એક ચેપ્ટરમાં છે તો કોઈ બીજા. કોઈ અહીં અટવાયું છે તો કોઈ ત્યાં. કોઈએ એક સમસ્યાનો સામનો કરવાનો છે તો કોઈએ બીજી. એક એવો સમય આવશે જ્યારે આપણે આપણી મુસાફરી પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ત્યારે, આ સાથ કદાચ થોડા સમય માટે છૂટશે. તે સમયે કોઈ 'હાર્ડ ફિલિંગ્સ' નહીં રાખવી. આ સામાન્ય લાગતી વાત દરેક દોસ્તીમાં જોવા મળે. અને જો દોસ્તી સાચી હોય તો ફરી મુલાકાત થાય બાકી આગળ કીધું એમ. કમ્ફર્ટ વિનાનો એક પ્રવાસ જ પૂરતો છે. આ મુસાફરી બાદ ત્રણેય મિત્રો પોતપોતાની સમસ્યાનો સામનો કરવા લાગી જાય છે. ફરહાને દરેક મિત્રને સ્પર્શતા મુદ્દા ઉઠાવવા માટે ત્રણ અલગ અલગ પર્સનાલિટીનો ઉપયોગ કર્યો - આકાશ, સમીર અને સિદ્ધાર્થ. 

આકાશના રોલમાં આમિર 

આમિર ખાને અનેક હિંદી ફિલ્મો કરી, પણ 'દિલ ચાહતા હૈ' જેવી એકેય નહીં. આ કદાચ આમિરની પહેલી ફિલ્મ કે જેની રિલીઝ બાદ તેના લૂકની કોપી થઈ. સ્કૂલો-કોલેજોમાં જેને જુઓ તેની સ્પાઈક હેર સ્ટાઈલ અને નીચેના હોઠ નીચે ટચુકડી ત્રિકોણાકાર 'ગોટી' બિયર્ડ. જુવાનિયાઓએ આ લૂક માટે એટલી હદે હેર-જેલ વાપર્યું કે, તેને બનાવતી કંપનીઓને જલસો પડી ગયો. અને હા, કેર-ફ્રી વ્યક્તિના લૂક માટે તે પરફેક્ટ હેરસ્ટાઈલ હતી. 

આકાશ એટલે એક એવી વ્યક્તિ કે જે પ્રેમને ક્યારેય ગંભીરતાથી નથી લેતી. કોઈ તેની નજીક આવવાનો પ્રયત્ન પણ કરે તો તેનો મજાક ઉડાવીને તેને દૂર કરી દે. જે આ ફિલ્મમાં તેને આ...આ...કા..શ કહેતી કોલેજ ફ્રેન્ડ તારાના રૂપમાં જોવા મળે છે. હવે, આ વ્યકિત શાલિની (પ્રિટી ઝિંટા)ને મળે છે. જે પ્રેમ, કમિટમેન્ટથી ડરતો, દૂર ભાગતો તે પહેલી નજરે પ્રેમમાં પડે છે. કંઈ વિચાર્યા વિના, પહેલી જ નજરમાં આઈ લવ યુ કહી દે છે. પરિણામ તેની સૂજેલી આંખોમાં જોવા મળે છે, જે શાલિનીના મંગેતરે તેને ગિફ્ટમાં આપી હતી. હા, તેણે આકાશને જબરજસ્ત મુક્કો માર્યો હતો. આ તેનો પહેલી જ મુલાકાતમાં પ્રેમનો એકરાર અપરિપક્વતાની નિશાની હતી. 

આ એકરાર બાદ તેના જીવનની સાચી મુસાફરી શરૂ થાય છે. તે જીવન પ્રત્યે થોડો ગંભીર બને છે. ઓસ્ટ્રેલિયા જાય છે. આ દરમિયાન શાલિની સાથે ફરી મુલાકાત થાય છે. અનેક વખતની મિટિંગ બાદ સમજાય છે કે, સાચો પ્રેમ કોને કહેવાય. તે શાલિનીને બીજી વખત આઈ લવ યુ કહે છે ત્યાં સુધીમાં થોડું મોડું ચોક્કસ થયું હોય છે, પરંતુ તે એક પરિપક્વ વ્યક્તિ બન્યો હોય છે. તે જાણે છે તેના શબ્દોની તાકાતને. અને એ પણ જાણે છે કે, તે શું વાયદો કરી રહ્યો છે. 

સમીરના રોલમાં સૈફ અલી ખાન

સૈફ અલી ખાને અનેક ફિલ્મો કરી. તે સમીરના રોલમાં જેવો સેટ થયો, તેવો કદાચ બીજા રોલમાં નથી થયો. સમીર એટલે હંમેશા પ્રેમમાં હોય તેવી વ્યક્તિ. તેને પ્રેમ એવી રીતે થાય જેવી રીતે સીઝન બદલતા લોકોને શરદી. એક કંટ્રોલિંગ ગર્લફ્રેન્ડ, વિદેશી મહિલા બાદ સમીર નવા પ્રેમની શોધમાં હોય છે. આ દરમિયાન માતા-પિતાએ કરાવેલી એક મુલાકાત તેની જીંદગી બદલી નાખે છે. પહેલી મુલાકાત જ બાદ તેને ખબર પડે છે કે, પ્રેમ સાચા અર્થમાં કોને કહેવાય. આ પ્રેમને મેળવવાનો તેનો સંઘર્ષ એ જ તેનો પ્રવાસ છે, જેને ફિલ્મમાં ખૂબ સુંદર રીતે દર્શાવવામાં આવ્યો છે. 

સિદ્ધાર્થના રોલમાં અક્ષય ખન્ના 

'ધૂરંધર' ફિલ્મમાં રહેમાન ડકૈતના રોલમાં છવાઈ ગયેલો અક્ષય ખન્ના આ ફિલ્મમાં એક આર્ટિસ્ટના રૂપમાં જોવા મળે છે. તેનો અને તેનાથી અનેક વર્ષ મોટી ડિવોર્સી, એક દીકરીની માતા તારાનો પ્રેમ સૌથી ચેલેન્જિંગ હોય છે. અહીં સમજવા જેવી બાબત એ કે, તે તારાના પ્રેમમાં એટલે નથી પડતો કે, તેને કોઈપણ પ્રકારનું સુખ લેવું છે. તેને જ ખબર નથી, કેમ પણ, હા, બંને વચ્ચે પ્રેમ છે. ફરહાન અહીં કહેવા માંગે છે કે કોઈ બંધનો વગરનો પણ પ્રેમ હોય, જેમાં કોઈ માંગણી ન હોય. ફક્ત અન્ય વ્યક્તિ માટે આદર હોય. જ્યારે, તેના આ પ્રેમને ખોટા ટેગ લગાવવાના પ્રયત્નો થાય છે ત્યારે તે ગુસ્સે થાય છે. માતા પર, મિત્રો પર. કદાચ એટલે કે તે જાણે છે કે, આ પ્રેમથી 'ઓછું' અને તેનાથી 'વધુ' કશું જ નથી.  

મ્યુઝિક માટે પણ મુસાફરી 

આ ફિલ્મની ખાસિયત મુસાફરી રહી હતી. એટલી હદે કે, ફિલ્મના મ્યુઝિક માટે પણ મુસાફરી કરવામાં આવી હતી. ફરહાન, શંકર-એહસાન-લોય અને જાવેદ અખ્તર ફિલ્મના મ્યુઝિક માટે ચાર દિવસ લોનાવાલા ગયા હતા. આ ચાર દિવસમાં મિલેનિયલ્સને સ્પર્શે તેવું મ્યુઝિક તૈયાર થયું. પ્રેમ સામે સવાલ ઊભા કરીને પ્રેમની વાત કરતું - 'જાને ક્યું લોગ પ્યાર કરતે હૈ', યુવાનીના જોશને વર્ણવતું- 'કોઈ કહે કહતા રહે', ગોવા ટ્રીપ માટે પરફેક્ટ સોંગ- 'દિલ ચાહતા હૈ' અને ઉદાસીને વ્યક્ત કરતું, 'તનહાઈ' આ ફિલ્મની સ્ટોરીમાં વણાયેલા ગીતો છે. જે આપણને અલગ મુસાફરી પર લઈ જાય છે.

હૃતિક, અભિષેકની 'ના' બાદ અદલાબદલી

ફરહાન અખ્તરે સિદ્ધાર્થનું પાત્ર હૃતિક રોશન માટે લખ્યું હતું. તેણે રોલ કરવાની ના પાડતા ફરહાન અભિષેક પાસે પહોંચ્યો હતો. અભિષેક પણ પ્રોજેક્ટમાંથી ખસતા આમિરની એન્ટ્રી થઈ હતી. આમિરે સિદ્ધાર્થનો રોલ કરવાની ના પાડી અને કહ્યું કે, મારે તો આકાશનો રોલ કરવો છે. આ દરમિયાન આકાશનો રોલ કરવા પસંદ થયેલા અક્ષય ખન્નાને કહેવામાં આવ્યું કે, ભાઈ તું આકાશ નથી, તું સિદ્ધાર્થ છે. અને તેણે કોઈપણ રકઝક વગર પોતાનો નવો રોલ સ્વીકારી લીધો. 

મહાન કવિને શ્રદ્ધાંજલિ 

જે સીનમાં સિદ્ધાર્થ તારાને કહે છે કે, તમે રેતીને જેટલી જોરથી પકડશો તેટલી તે વધુ સરકી જશે. તે આખો સીન મહાન કવિ એડગર એલન પૉની કવિતા 'અ ડ્રીમ વીધીન અ ડ્રીમ' પરથી લેવામાં આવ્યો છે. જેમાં, કવિ કહે છે કે, ‘I stand amid the roar

Of a surf-tormented shore,

And I hold within my hand

Grains of the golden sand —

How few! yet how they creep

Through my fingers to the deep,

While I weep — while I weep!

O God! Can I not grasp

Them with a tighter clasp?

O God! can I not save

One from the pitiless wave?

Is all that we see or seem

But a dream within a dream?'

વાર્તાની અંદરની વાર્તા

આ ફિલ્મ તો મોટાભાગે બધાએ જોઈ હોય. પણ, એક વાત મિસ થઈ હોય તો તે છે ફિલ્મની વાર્તાની અંદરની વાર્તા. આ ફિલ્માં શેક્સપિયરના નાટક 'ટ્રોઈલસ એન્ડ ક્રેસિડા'ને આવરી લેવામાં આવ્યું છે. શાલિની આકાશને સિડનીમાં 'ટ્રોઈલસ એન્ડ ક્રેસિડા' ઓપેરા જોવા લઈ જાય છે. શેક્સપિયરના આ 'પ્રોબ્લેમ પ્લે' (એવું નાટક કે જે કોઈ નિષ્કર્ષ વિના પૂરું થાય)ને માંડ ત્રણેક લીટીમાં સમજાવી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં તો કહેવામાં આવે છે કે, ટ્રોઈલસ સ્વર્ગના દ્વાર પર ઊભો છે. તે અંદર જવાનો ઈન્કાર કરે છે, કારણ કે તેની સાથે ક્રેસિડા નથી. આ સાથે જ પ્રશ્ન પૂછવામાં આવે છે કે, તમારા જીવનમાં આવું કોઈ છે કે, જેના વિના તમે આટલા સુખની પળ પણ માણી ન શકો? જો તમે પુસ્તકીયા કીડા હોવ તો આ નાટક જરૂરથી વાચજો. જેટલું સરળ તેને બનાવવામાં આવ્યું છે તેટલું તે છે નહીં. પણ હા, પ્રશ્ન વાજબી છે. તમારા જીવનમાં આવું કોઈ છે કે જેના વિના તમે આટલા સુખની પળ પણ માણી ન શકો? જો જવાબ 'કોઈ નથી' આવે તો માનવું કે, હજી, મુસાફરી બાકી છે.