Magazines

ફરાહ ખાને બોલિવુડના સૌથી અંધકારમય યુગ પરથી પડદો ઉઠાવ્યો

By GS TEAM
23 Apr 20263 mins read
ફરાહ ખાને બોલિવુડના સૌથી અંધકારમય યુગ પરથી પડદો  ઉઠાવ્યો

- 'ફિલ્મોમાં ગેન્ગસ્ટરોનાં નાણાં રોકાયેલાં હતાં, જેની કેટલીક ફિલ્મી હસ્તીઓએ આકરી કિંમત ચૂકવવી પડી. એ વર્ષોમાં બોલિવુડનું વાતાવરણ અત્યંત સ્ફોટક, અનિશ્ચિત  અને ડરામણું હતું.'

ફિલ્મસર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાને તાજેતરમાં એક પોડકાસ્ટમાં વાત કરતી વખતે હિન્દી ફિલ્મ ઉદ્યોગના આ સૌથી પરેશાન કરનારા તબક્કા પરથી પડદો ઉઠાવ્યો છે. ફરાહે ૮૦ના દાયકાના સિનેમેટીક લેન્ડસ્કેપ વિશે વાત કરતી વખતે કોઈપણ ખચકાટ વિના તેને હિન્દી ફિલ્મોના સૌથી ખરાબ તબક્કા તરીકે ઓળખાવ્યો. ફરાહે કબૂલ કર્યું કે તેના કોલેજકાળ દરમ્યાન તે અને તેના મિત્રો સક્રિયપણે હિન્દી ફિલ્મોને તુચ્છ ગણતા અને તેના સ્થાને હોલિવુની ફિલ્મો પસંદ કરતા. ફરાહના મતે ૧૯૯૦નો દાયકો સિનેમાના પરિવર્તન ઉપરાંત અસ્તિત્વ ટકાવી રાખવા બાબતે પણ મહત્વનો હતો. ફરાહ યાદ કરે છે કે એ સમયે અન્ડરવર્લ્ડે ઉદ્યોગ પર પોતાની પકડ મજબૂત બનાવવાનું શરૂ કરી દીધું હતું. નિર્માતાઓને સતત વસૂલીના ફોન આવતા, ફિલ્મોમાં ગેન્ગસ્ટરોનાં નાણાં રોકાયેલા હતા અને ઉદ્યોગની કેટલીક હસ્તીઓએ તેની આકરી કિંમત ચૂકવવી પડી. વાતાવરણ અત્યંત સ્ફોટક, અનિશ્ચિત અને ક્યારેક ડરામણું હતું.

એક ઘટના જે ફરાહના મનમાં અંકિત થઈ ગઈ છે તે તેની કારકિર્દીના પ્રારંભિક દિવસોની હતી. ૧૯૯૩ અથવા ૯૪ની આસપાસ ફરાહને યાદ છે જ્યારે સેટ પર આંચકાજનક સમચાર મળ્યા, પ્રોડયુસર મુકેશ દુગ્ગલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર ઉદ્યોગને હચમચાવી નાખ્યો અને ભયાવહ સંકેત આપ્યો કે તેમને મળતી ધમકીઓ માત્ર ખોખલા શબ્દો નહોતા.  હિંસા વાસ્તવિકતા બની ગઈ હતી અને તે જોખમી રીતે તેમની નજીક પણ હતી. ફરાહે આપેલી જાણકારીનો કદાચ સૌથી રોચક હિસ્સો 'કુછ કુછ હોતા હૈ'ના પ્રીમિયર સાથે સંકળાયેલો હતો, જે ફિલ્મ ત્યાર પછી આઈકોનિક બની ગઈ હતી. જે ઘટના ડેબ્યુ કરનારા દિગ્દર્શક કરણ જોહર માટે ઉજવણીનો અવસર હોવી જોઈએ તે ભય ઉપજાવનારો અનુભવ બની ગયો.

ફરાહને આ તણાવ આજે પણ સાફ સાફ યાદ છે. એ ખૂબ જ ડરામણો અનુભવ હતો. ફરાહ કહે છે કે પ્રત્યેક જણા એવી ચર્ચા કરી રહ્યા હતા કે પ્રીમિયર રદ કરવું જોઈએ કે કેમ. સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી હતી. ટેન્શન વધી ગયું હતું તેમજ ડેબ્યુ ફિલ્મની ઉત્તેજનાનું સ્થાન ભયેે પચાવી પાડયું હતું. ફરાહ કહે છે કે કરણ અતિશય દબાણ હેઠળ હતો. પોતાના ડેબ્યુની ઉજવણીના સ્થાને તે ભયભીત થયો હતો. આ ભયની લાગણી કરણ જોહર સુધી સીમિત નહોતી. ફિલ્મના અભિનેતા સુપરસ્ટાર શાહ રૂખ  ખાને મક્કમપણે આ સ્થિતિનો સામનો કર્યો. કરણ જોહરના જણાવ્યા અનુસાર શાહરૂખે ધમકીની અવગણના કરી અને તેની પડખે અડગપણે ઊભા રહ્યા. તણાવ અને અનિશ્ચિત સ્થિતિમાં આ એક સાહસની ઘડી હતી.

છતાં, શાહરૂખ ખાન પોતે પણ આ ધમકીઓથી બાકાત નહોતો. અનુપમા ચોપરાની પુસ્તક 'કિંગ ઓફ બોલીવૂડ'માં એવી જાણકારી આપવામાં આવી છે કે શાહરૂખને પણે અબુ સાલેમ તરફથી ધમકીભર્યા ફોન આવ્યા હતા. ત્યારે શાહરૂખે જણાવ્યું હતું કે તેને જાણે ટેલીસ્કોપ હેઠળ જીવી રહ્યાની લાગણી થતી હતી. શાહરૂખે આ સમયને અત્યંત નિરાશાજનક અને ભયાવહ ગણાવ્યો હતો.

રસપ્રદ બાબત છે કે જોખમ તોળાઈ રહ્યું હોવા છતાં ફરાહે નોંધ કરી કે ફિલ્મી સેટ પર ક્યારેય તણાવ નહોતો સર્જાયો. એક વિચિત્ર રીતે જીવન આગળ ધપી રહ્યું હતું. શૂટીંગ ચાલુ રહ્યા હતા, ફિલ્મો બની રહી હતી અને પ્રીમિયરો યોજાઈ રહ્યાં હતાં, ભયના ઓથાર હેઠળ પણ. આજે જોકે બોલિવુડ એક વૈશ્વિક પાવરહાઉસ તરીકે ઊભું છે.