Magazines

માતૃત્વના ગુણગાન ગાતી હોલીવૂડની પ્રસિદ્ધ ફિલ્મો

By GS TEAM
21 May 20264 mins read
માતૃત્વના ગુણગાન ગાતી હોલીવૂડની પ્રસિદ્ધ ફિલ્મો

બલિદાન, અડગતા, બિનશરતી પ્રેમ તેમજ અંગત પરિવર્તન જેવી વાર્તાઓ ઓફર કરીને માતૃત્વ લાંબો સમયથી સિનેમાનો સૌથી શક્તિશાળી ભાવનાત્મક થીમ રહ્યો છે. હોલીવૂડ ફિલ્મોએ માતાને અનેક રીતે રજૂ કરી છે, સંરક્ષણાત્મક દેખભાળ કરનાર, સંઘર્ષ કરતી સિંગલ પેરન્ટ, ભાવનાત્મક સ્તરે દૂર રહેલી પણ આત્મીયતા ઝંખતી મહિલા અને પોતાની ઓળખ શોધતી બિનપરંપરાગત માતાઓ જેવા સ્વરૂપો રજૂ કર્યા છે. આ વૃત્તાંતો લોકોને પસંદ આવ્યા છે કારણ કે તેમાં પારિવારીક જોડાણના વૈશ્વિક અનુભવો તેમજ ભાવનાત્મક વિકાસ સમાવિષ્ટ  હતા. માતૃત્વ પર કેન્દ્રિત ફિલ્મો લાગણીસભર વાર્તાઓથી આગળ  જઈને ઓળખ, જવાબદારી, પેઢીઓ વચ્ચેના સંઘર્ષ દર્શાવવાની સાથે અંગત સ્વપ્નો તેમજ વાલીઓની ફરજો વચ્ચેનું સંતુલન પ્રતિબિંબિત કરતી હોય છે. એક તરફ 'એવરીથિંગ એવરીવેર ઓલ એટ વન્સ', 'મધરહૂડ' અને 'ફ્રીકી ફ્રાઈડે' જેવી ફિલ્મોએ માતૃત્વના સંબંધોના વિવિધ પાસા ઝડપ્યા છે તો અન્ય હોલીવૂડ ફિલ્મોએ માતાઓ અને તેમની ભાવનાત્મક સફરના યાદગાર ચિત્રણો પણ દર્શાવ્યા છે. બે અભૂતપૂર્વ ફિલ્મો 'ધી બ્લાઈન્ડ સાઈડ' અને 'ટર્મ્સ ઓફ એન્ડીરમેન્ટ'એ માતૃત્વના અલગ પાસા દર્શાવ્યા છે. બંને ફિલ્મોએ અલગ દ્રષ્ટિકોણથી માતૃત્વ રજૂ કરીને દર્શકો પર એક અમિટ છાપ છોડી છે.

એવરીથિંગ ઓલ એટ વન્સ

આ એકેડમી એવોર્ડ વિજેતા ફિલ્મ અભૂતપૂર્વ હોવા ઉપરાંત માતા-પુત્રીની પણ ઉત્કૃષ્ટ વાર્તા છે. ફિલ્મમાં પોતાની વિશેષ શક્તિઓ વિશે જાણકારી હાંસલ કરનાર મિશેલ યેઓહની વાસ્તિવકતા ત્યારે બદલાઈ જાય છે જ્યારે તેની સમક્ષ એક નવી સૃષ્ટિ ઉજાગર થાય છે. અલગ સમયગાળામાં વયસ્ક થઈ ગયેલી તેની પુત્રી જોય (સ્ટેફની સુ) સાથે પોતાનો સંબંધ સુધારવાની તેની ભાવનાત્મક સફર તરીકે તેનો સંઘર્ષ બમણો થઈ જાય છે. ફિલ્મમાં માતા અને તેના સંતાનો વચ્ચેના સમીકરણો વિશે વાસ્તવિકતા દર્શાવવામાં આવી છે. એક એશિયન માતા જ્યારે તેની પુત્રીની માફી માગે છે ત્યારે ખરેખર એક લાગણીસભર દ્રશ્ય સર્જાય છે. એમ કહી શકાય કે આ ફિલ્મે માતા અને તેની પુત્રી વચ્ચેના સંબંધ વિશે ઘણુ કહી દીધું છે.

મધર્સ ડે

આ ફિલ્મમાં મધર્સ ડેની ઉજવણી સુધી દોરી જતી ઘટનાઓ દર્શાવવામાં આવી છે. એમાં આ વિશેષ અવસર અગાઉના અઠવાડિયામાં વિવિધ પરિવારોની વાત છે. અને તેમાં સારી એવી શ્રેણી આવરી લેવાઈ છે. ફિલ્મની કાસ્ટમાં જેનિફર એનિસ્ટન, જુલિયા રોબર્ટ્સ, કેટ હડસન, શે મિશેલ અને અન્યો સહિત ઉદ્યોગની ટોચની મહિલા કલાકારો સામેલ છે. એક તરફ કોમેડી ડ્રામા ફિલ્મને હળવી રાખે છે પણ સાથે તે માતૃત્વની જટિલતાઓ દર્શાવતા પણ અચકાતી નથી.

ફ્રીકી ફ્રાઈડે

'ફ્રીકી ફ્રાઈડે'માં કોમેડી અને કલ્પના દ્વારા માતા અને પુત્રીના હળવા પણ અર્થસભર સંબંધ વિશે વાત કરી છે. ટેલ કોલમેન તરીકે જેમી લી કર્ટિસ અને તેની ટીનેજ પુત્રી એના તરીતે લિન્ડસે લોહાન અભિનિત ફિલ્મ બે શરીરના આત્માની રહસ્યમય રીતે અદલાબદલી થઈ જાય છે. એકબીજાની દૈનિક દિનચર્યા જીવવા ફરજ પડતા માતા અને પુત્રી બંનેને એકબીજાના તણાવ, અસુરક્ષા અને ભાવનાત્મક સંઘર્ષો વિશે જાણ થાય છે, જેની અગાઉ તેઓ અવગણના કરતા હતા. ટેસને એક ટીનેજરની જટિલતાઓ વિશે જાણ થાય છે જ્યારે એનાને માતૃત્વ અને પુખ્ત જીવન સાથે આવતી જવાબદારી અને બલિદાનોનો અહેસાસ થાય છે. ફિલ્મની ભાવનાત્મક ઉષ્મા અને સુસંગત સંઘર્ષો તેને એક લોકપ્રિય પારિવારીક ક્લાસીક બનાવે છે અને સ્પષ્ટ કરે છે કે માતા અને તેના સંતાનો વચ્ચે સમજદારી ત્યારે શરૂ થાય છે જ્યારે તેઓ જીવન પ્રત્યે એકબીજાનો દ્રષ્ટિકોણ કેળવે છે.

ધી બ્લાઈન્ડ સાઈડ

ખરી વાર્તા પર આધારીત 'ધી બ્લાઈન્ડ સાઈડ'માં માતૃત્વને કરૂણા, સુરક્ષા અને ભાવનાત્મક ઉદારતા દ્વારા રજૂ કરાયું છે. ફિલ્મમાં સેન્ડ્રા બુલોક દ્વારા ચિત્રિત લેહ એન ટુઓહી એક મજબૂત મનોબળ ધરાવતી મહિલા છે જે અદ્વિતીય એથ્લેટીક પ્રતિભા સાથેની પણ ઘરવિહોણી અને આઘાતમાં સપડાયેલી ટીનેજરને આશ્રય આપે છે. એક તરફ વાર્તા રમત અને અવસરની આસપાસ ફરે છે ત્યારે તેના હાર્દમાં મિશેલને સ્થિરતા, સન્માન અને પ્રેમ આપવા લેહ એનની સાહજિકતા અને પ્રતિબદ્ધતા છે. તે તેની બાયોલોજિકલ માતા નથી, છતાં ફિલ્મ જોરદાર રીતે તર્ક રજૂ કરે છે કે માતૃત્વની ખરી વ્યાખ્યા દેખભાળ અને પ્રતિબદ્ધતામાં રહેલી છે, લોહીના સંબંધોમાં નહિ.

ટર્મ્સ ઓફ એન્ડીરમેન્ટ

'ટર્મ્સ ઓફ એન્ડીરમેન્ટ' એક માતા અને પુત્રી વચ્ચેના બોન્ડ વિશેની કદાચિત અત્યાર સુધીની સૌથી ભાવનાત્મક ફિલ્મ છે. ફિલ્મના કેન્દ્રમાં શિર્લે મેકલેન અભિનિત અરોરા ગ્રીનવે અને ડેબરા વિન્ગર અભિનિત તેની પુત્રી એમ્મા છે. તેમના સંબંધમાં લાગણી, સંઘર્ષ, ગેરસમજ અને ગાઢ ભાવનાત્મક આધાર જેવા સ્તરો છે, જે સમીકરણો સામાન્યપણે વાસ્તવિક જીવનમાં પણ જોવા મળે છે. અરોરા સુરક્ષાત્મક, સ્પષ્ટવક્તા અને ઘણીવાર નિયંત્રણ રાખનારી માતા છે જ્યારે એમ્મા પોતાની સ્વતંત્રતા અને ઓળખ સ્થાપિત કરવા સંઘર્ષ કરે છે. વાર્તા જેમ જેમ તેમના જીવનના અલગ તબક્કામાં પસાર થાય છે ત્યારે ફિલ્મ દર્શાવે છે કે કેવી રીતે માતૃત્વ સમય જતા બદલાય છે, સત્તામાંથી સહિયર અને ભાવનાત્મક આધાર બને છે. કથાનક ત્યારે ખરેખર લાગણીશીલ બને છે જ્યારે એમ્માને ગંભીર બીમારી થાય છે જેના કારણે બંને મહિલાઓએ પ્રેમ, પસ્તાવો અને નશ્વરતાનો સામનો કરવો પડે  છે. માતૃત્વને આદર્શવાદ તરીકે રજૂ કરવાની બદલે ફિલ્મ પ્રમાણિકતા અને સંવેદનશીલતા સાથે તેની જટિલતાઓ અને ત્રુટીઓ દર્શાવે છે. ભાવપૂર્ણ અભિનય અને વાસ્તવિક પટકથા લેખન  'ટર્મ્સ ઓફ એનડીરમેન્ટ'ને માતૃપ્રેમ, બલિદાન અને પેઢીઓ વચ્ચેના ગાઢ સંબંધનું સ્થાયી ચિત્રણ બનાવે છે.