Magazines

બનાવટી બટર

By GS TEAM
19 Dec 20252 mins read
બનાવટી બટર

- રિપોર્ટમાં બહાર આવ્યું કે શલ્લુ શિયાળે બાજુના કેસરવનની એક ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં બટર ખરીદ્યું હતું. કિંમતમાં સસ્તુ હોવાથી શલ્લુ શિયાળે તેનો મોટો જથ્થો ખરીદ્યો હતો.

-  તુષાર દેસાઈ

કોકિલવનમાં હાહાકાર મચી ગયો. સેન્ડવીચ, પફ, પીઝા, બર્ગર ખાધા પછી કેટલાંય બચ્ચાં બીમાર પડી ગયાં હતાં. વનની સિવિલ હોસ્પિટલમાં બાળ-પ્રાણીઓનો આખો વોર્ડ ભરાઈ ગયો હતો.

વાત એમ હતી કે શલ્લુ શિયાળે આજે જ નવું ફૂડ પાર્લર ખોલ્યું હતું. ત્યાં બન્ની બિલાડી, સન્ની સસલો, હમ્પી હાથી, વલજી વરૃ, જોનુ જિરાફ આ સૌનાં બાળકો નાસ્તો કરવા ગયાં હતાં. ઉદ્ધાટનની ખુશાલીમાં એક આઈટમ પર બીજી આઇટમ ફ્રી હતી. એટલે ઘરાકી પુષ્કળ થઈ... 

પણ આ બધું ખાધા પછી લગભગ બધાં બચ્ચાંને પુષ્કળ ઝાડા ઉલ્ટી થઈ ગયા. એમનાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી ગયું.

સિંહરાજને જાણ થતાં તેઓ તાત્કાલિક હોસ્પિટલે દોડી ગયા. તેમણે બાળકોની ખબર પૂછી. ડોક્ટરોને દવા, ઇન્જેકશનો, બાટલાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવ્યો. પોતાના અંગત સચિવ મનુ મંકીને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યું. 

રિપોર્ટમાં બહાર આવ્યું કે શલ્લુ શિયાળે બાજુના કેસરવનની એક ફેકટરીમાંથી મોટા પ્રમાણમાં બટર ખરીદ્યું હતું. કિંમતમાં સસ્તુ હોવાથી શલ્લુ શિયાળે તેનો મોટો જથ્થો ખરીદ્યો હતો. તેનો લેબ ટેસ્ટ કરતાં તે ભેળસેળયુક્ત અને ઉતરતા ગ્રેડનું જણાયું, કેમ કે તે દૂધને બદલે હાનિકારક કેમિકલોથી બનાવાયું હતું.

સિંહરાજે તુરત જ કેસરવનના વડા વાઘરાજાને જાણ કરી. બટરની ફેકટરી સીલ કરી દેવામાં આવી. સાથે જ નવું ફૂડ પાર્લર પણ સીલ કરાવી  દઈને શલ્લુની ધરપકડ કરવામાં આવી.

ડોક્ટરોની સારવાર અને દવાઓની અસરને કારણે ધીમે ધીમે બધાં બાળ-પ્રાણીઓ સાજા થવાં લાગ્યાં. એમના ઝાડા ઉલ્ટી બંધ થયા.

સિંહરાજે બધાં પ્રાણીઓની મિટીંગ બોલાવી. તેમાં એવું નક્કી થયું કે દરેક ફૂડ પાર્લરવાળાએ ફરજિયાતપણે આરોગ્ય અધિકારી  પાસેથી વાનગીની ગુણવત્તા અંગેનું સર્ટિફિકેટ લેવું પડશે.  તે સિવાય તેઓ ધંધો કરી શકશે નહિ. વાનગીઓમાં વપરાતા મસાલા બટર, ચીઝ, પનીર વગેરેની હેલ્થ ઓફિસર ગમે ત્યારે ચકાસણી કરશે. દોષિત પાર્લરનું લાયસન્સ રદ થશે. 

સિંહરાજે વનનાં બધાં માતા- પિતાઓને અપીલ કરી કે તમારાં બચ્ચાંને  ઘરે જ પોષક નાસ્તા બનાવીને આપો. બધાં પ્રાણીઓ સંમત થયાં.

બસ, તે પછી ક્યારેય કોકિલવનમાં ફૂડ પોઇઝનિંગની ફરિયાદ ન આવી.