Magazines

આસ્થા અણિશુદ્ધ... .

By GS TEAM
18 May 20262 mins read
આસ્થા અણિશુદ્ધ...                                      .

- વંદના ગોસ્વામી 

- 'મુશ્કેલીને પૂર્ણવિરામ ન હોય. સાચો રસ્તો તો એ છે કે બધી મુશ્કેલીઓને સહન કરવાની શક્તિ હોવી જોઈએ અને આ સહનશક્તિ હોય તો અને તો જ અધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય

કૌ શામ્બીની મહારાણીને બુદ્ધ માટે ખૂબ અણગમો હતો. એનું એક માત્ર કારણ હતું કે બુદ્ધની ખ્યાતિ દિન પ્રતિદિન વધી રહી હતી. બુદ્ધને નીચા પાડવાના ઈરાદાથી મહારાણીએ બુદ્ધને કૌશામ્બી પધારવાનું આમંત્રણ આપ્યું. મહારાણીનો ઈરાદો જાણતા હોવા છતાં બુદ્ધે નિમંત્રણનો સ્વીકાર કર્યો. ખરો યોદ્ધા એ છે કે જે દુશ્મનના પટમાં જઈ એને લલકારે. જો કે બુદ્ધ તો કોઈને દુશ્મન માનતા જ નહોતા. 

તથાગત શિષ્યો સાથે કૌશામ્બી પહોંચ્યા. મહારાણીએ કેટલાક અનિષ્ટ તત્વોને મોકલ્યા. એમણે બુદ્ધને અયોગ્ય શબ્દો કહ્યા. બુદ્ધ સ્વસ્થ રહ્યા અને જરા પણ ચલિત થયા નહીં. આ અનિષ્ટ તત્વો જ્યાં જ્યાં બુદ્ધના સંભાષણો હતા ત્યાં જઈને વચ્ચે વચ્ચે ઘોંઘાટ કરવા લાગ્યા. તો પણ તથાગત શાંતિથી પોતાનું પ્રવચન કરતા રહ્યા.  આમ રોજે રોજ કોઈને કોઈક રીતે બુદ્ધને હેરાન કરવાના યત્નો કરતા રહ્યા. આથી અકળાયેલા એક શિષ્યે કહ્યું કે 'ભગવાન અહીંથી જતા રહીએ.'  

બુદ્ધે કહ્યું  'બીજી જગ્યાએ પણ આવી હેરાનગતિ થાય તો ?'

શિષ્યએ કહ્યું  'તો ત્રીજી જગ્યાએ જઈશું !'

'ત્યાં પણ આવી ઘટનાનું પુનરાવર્તન થાય તો ?'

'તો ચોથા સ્થળે જઈશું !'

તથાગતે કહ્યું : 'મુશ્કેલીને પૂર્ણવિરામ ન હોય. સાચો રસ્તો તો એ છે કે બધી મુશ્કેલીઓને સહન કરવાની શક્તિ હોવી જોઈએ અને આ સહનશક્તિ હોય તો અને તો જ અધ્યાત્મિક સફળતા પ્રાપ્ત થાય. ગુફામાં બેસી તપ કરવું સહેલું છે પણ સંસારમાં રહીને સાધના કરવી અઘરી છે.' દુ:ખને દૂર કરવા કરતા એનું મૂળ શોધવાની જરુર છે. આપણે મોટાભાગે સમય નામની પેઈન કિલર લઈને દુ:ખને ઢાંકોઢૂબો કરીને તાત્કાલિક સમાધાન શોધી લેતા હોઈએ છીએ.  

એ પછી બુદ્ધ અનેક વિપદાઓ વચ્ચે પણ સુખરૂપ કૌશામ્બીમાં રહ્યા હતા. જેનું ચિત્ત સ્વસ્થ છે એ પારાવાર પરેશાનીમાં પણ હસી શકે છે. મહાપુરુષોની પાછળ એક ઓજસ્વી આભામંડળ હોય છે.

સમાપન

બે અંતર વચ્ચે ઓછામાં ઓછું અન્તર એટલે હાસ્ય. -માર્ક ટ્વેઇન