Get The App

વિશ્વની અજોડ ઘટના: સિદ્ધપુરની જૈનપ્રતિમા સુલતાન પાર્શ્વનાથ કહેવાય છે !

આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

સિદ્ધપુરમાં આવેલા અલાઉદ્દીન ખિલજીએ કહ્યું કે, તમારા ભગવાન સાથે મારું નામ જોડજો !

Updated: Jan 22nd, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વની અજોડ ઘટના: સિદ્ધપુરની જૈનપ્રતિમા સુલતાન પાર્શ્વનાથ કહેવાય છે ! 1 - image


ક્યારેક કોઈ ઘટના અચાનક એવી રીતે નિર્માણ પામે છે કે જ્યારે પણ સાંભળીએ ત્યારે આપણા મુખમાંથી આશ્ચર્યના ઉદ્ગાર સરી પડે.

જૈન ધર્મમાં જે પરમાત્માની વિશેષ પૂજા થાય છે, તેનું નામ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. જગતભરના જૈન-અજૈન લોકો તેમને ભક્તિભાવથી પૂજે છે. પાર્શ્વનાથ ભગવાનના લગભગ ૧૦૦૮થી વધારે વિશેષણોથી યુક્ત જિનપ્રતિમાઓ જગતભરના ભિન્ન-ભિન્ન જિનાલયોમાં બિરાજમાન છે.

એમાં એક પાર્શ્વનાથ ભગવાનનું નામ 'સુલતાન' પાર્શ્વનાથ છે.

બનાસકાંઠા જિલ્લામાં સિદ્ધપુર ઐતિહાસિક મહત્વ ધરાવતું શહેર છે. લગભગ ૧૦૦૦ વર્ષ જૂનો ઇતિહાસ ધરાવતું આ શહેર સરસ્વતી નદીના કિનારે વસ્યું છે. સિદ્ધપુરની જૂની હવેલીઓ,નદી કિનારો, નદી કિનારે વસેલા આશ્રમો અને વ્યાપારી મથકો હંમેશા આકર્ષણનું સ્થાન રહ્યા છે. આજના પાટણ જિલ્લામાં આવેલું સિદ્ધપુર જૈનો માટે પણ વિશિષ્ટ આકર્ષણ ધરાવે છે.

આજથી ૮૦૦ વર્ષ પહેલાનો ઇતિહાસ ભારતમાં ભિન્ન ભિન્ન સ્થળે મુસ્લિમોના આક્રમણનો રહ્યો છે. ગુજરાતમાં આજે પણ અસંખ્ય સ્થળો એવા છે જ્યાં મુસ્લિમોનું આક્રમણ થયું છે. અનેક હિન્દુ તથા જૈન સ્થાપત્યો તૂટયા છે, શ્રેષ્ઠીઓ લુંટાયા છે, સ્ત્રીઓના જીવન બરબાદ થયા છે. આજે પણ તે સમયે જે વેરના બીજ વવાયા તેના ઘા તાજા થઈ જાય છે.

પાટણ અને સિદ્ધપુર પણ તે વિકરાળ ઇતિહાસનું સાક્ષી છે.

આજથી ૧૦૦૦ વર્ષ પહેલા સિદ્ધપુરમાં નદી કિનારે નગરનો વસવાટ શરૂ થયો ત્યારથી જૈનો પણ વેપાર માટે આવી વસ્યા. જૈનોએ પોતાના દેરાસર અને ઉપાશ્રયો પણ નિર્માણ કર્યા. ત્યાગી અને તપસ્વી સાધુ સાધ્વીઓની અહિં અવર-જવર શરૂ થઈ. સિદ્ધપુરમાં તપ અને ત્યાગની હેલી વર્ષી.

સિદ્ધપુરમાં જિનાલયમાં બિરાજમાન શ્રી પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા અત્યંત પ્રભાવશાળી છે, ચમત્કારીક છે. સિદ્ધપુરના તમામ લોકો તેના ભક્તિભાવથી દર્શન કરે છે. સિદ્ધપુરમાં ભોજકોના પણ સેંકડો ઘર છે તેઓ પણ પાર્શ્વનાથ ભગવાનની પૂજા અને ભક્તિ હંમેશા કરે છે.

ઇતિહાસ એવો છે કે ઈ.સં. ૧૨૯૬ થી ૧૩૧૬ની વચમાં મુસ્લિમ શાસક અલ્લાઉદ્દીન ખિલજી પોતાની પ્રચંડ સેના લઈને સોમનાથ જતી વખતે સિદ્ધપુર આવી ચડયો. તેણે ગામ-પરગામમાં હિન્દુ અને જૈન મંદિરોમાં રહેલી પ્રતિમાઓ ઝનૂનથી તોડવાની શરૂ કરી.

આ સમાચાર આગની જેમ ફેલાયા. સિદ્ધપુરમાં પણ પ્રસર્યા.

સિદ્ધપુરના જૈનો અને ભોજકોએ પાર્શ્વનાથ ભગવાનની, શાન્તિનાથ ભગવાનની પ્રતિમાઓ ભોંયરામાં છુપાવી દીધી.

બપોરના સમયે અલ્લાઉદ્દીન ખિલજીએ સિદ્ધપુર ઉપર આક્રમણ કર્યું. ભોજકોએ એકઠા થઈને નક્કી કર્યું કે આમ પણ આપણું મૃત્યુ નક્કી છે તો ભગવાનના દેરાસરમાં બેસીને ભગવાનનું સ્તવન ગાઈએ અને તે વખતે મૃત્યુ આવે તો શું ખોટું છે?

સિદ્ધપુરના જૈનો અને ભોજકો જિનમંદિરમાં એકઠા થઈ ગયા. સૌની પાસે આક્રમણનો પ્રતિકાર કરવાનું બીજું કોઈ સાધન નહોતું. સૌએ ભક્તિભાવ પૂર્વક ભગવાનનું સ્તવન ગાન શરૂ કર્યું.

તે જ સમયે અલ્લાઉદ્દીન ખિલજી મંદિરની બહારથી રસ્તા ઉપર ઘોડા ઉપર સવાર થઈને પસાર થયો.

તેણે જિનમંદિરમાંથી આવતો ગીતનો મધુર ધ્વનિ સાંભળ્યો.

તે છલાંગ મારીને જિનમંદિરમાં દાખલ થયો. તેણે સૌને કોઈક ગીત ગાતા સાંભળ્યા. તેણે ત્રાડ નાંખી : 'શું કરો છો?'

સૌએ અલ્લાઉદ્દીન ખિલજીને જોયો. કાળના અવતાર જેવો ભયંકર દેખાતો હતો એ. દેરાસરમાં ગભરાટ ફેલાઈ ગયો. એક સમજદાર વ્યક્તિએ ઉભા થઈને કહ્યું,

'જહાંપનાહ, અમે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ.'

અલાઉદ્દીન ખિલજીને શું સૂઝ્યું કે તેણે પૂછયું, 'આ તમારા ભગવાન છે?'

પેલી વ્યક્તિએ કહ્યું, 'હા'

ખિલજી કહે, 'એ કંઈ ચમત્કાર કરે?'

ત્યાં બેઠેલા સૌમાં ધ્રુજારી ફેલાઈ ગઈ પણ પેલો સમજદાર માનવી સ્વસ્થ રહ્યો. તેણે કહ્યું, 'હા, આ ભગવાન ચમત્કાર કરે છે.'

ખિલજી કહે, 'તમારા ભગવાનને કહો કે ચમત્કાર બતાવે.'

કસોટીની આકરી પળ હતી એ. એમ કહેવાય છે કે ભોજકોએ દેરાસરમાં ચારેતરફ ૯૯ પ્રગટાવ્યા વિનાના દિપકો મૂક્યા અને દિપક રાગ ગાવો અપાર શ્રદ્ધા સાથે શરૂ કર્યો. થોડી ક્ષણોમાં એ ૯૯ દીપકો સ્વયં પ્રગટી ઉઠયા!

બાદશાહ ગભરાઈ ગયો. તેણે રાડ પાડી 'બંધ કરો'

ભોજકોએ ગાન બંધ કર્યું.

બાદશાહે કહ્યું, 'તમારા ભગવાન ચમત્કારી છે. તમારા ભગવાન સાથે મારું નામ જોડજો. હું તમારા મંદિરને કંઈ નહિ કરું'

અને બાદશાહ ચાલ્યો ગયો.

ત્યારથી તે ભગવાન 'સુલતાન પાર્શ્વનાથ' તરીકે ઓળખાય છે. અને સિદ્ધપુરના સુજાણપુરમાં બિરાજમાન છે.

Tags :